ઉત્તર કોરિયાની સુરક્ષાની ખાતરી આપો તો પરમાણુ કાર્યક્રમ બંધ કરી દઈશ : કિમ જોંગ


ઉત્તર કોરિયાને મદદ કરવા પુતિન તૈયાર

વ્લાદિવોસ્તોક, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાની મુલાકાતે ગયા હતા. અમેરિકા સાથે વાટાઘાટો પડી ભાંગી તે પછી કિમ જોંગે રશિયન પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હોવાથી સમગ્ર વિશ્વનું ધ્યાન આ શિખર મંત્રણા ઉપર હતું. બંને નેતાઓ જૂના મિત્રો હોય તેમ મળ્યા હતા.

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને પૂર્વી રશિયન શહેર વ્લાદિવોસ્તોકમાં રશિયન પ્રમુખ પુતિન સાથે શિખર મંત્રણા કરી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે વિએટનામમાં થયેલી છેલ્લી બેઠક પડી ભાંગ્યા પછી ફરી વખત અમેરિકા-ઉત્તર કોરિયાના સંબંધોમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. એ દરમિયાન કિમ જોંગે પુતિન સાથે શિખર મંત્રણા કરતા વૈશ્વિક રાજકારણના સમીકરણો બદલ્યા હતા.

બંને નેતાઓ વચ્ચે પ્રથમ વખત મુલાકાત થઈ હતી, પરંતુ બંને જાણે જૂનો મિત્રો હોય એવી ઉષ્માથી મળ્યા હતા. અમેરિકા તરફ બંને નેતાઓનું વલણ સરખું હોવાથી બંને વચ્ચેની મુલાકાત વખતે કેમેસ્ટ્રી મેચ થતી જોવા મળી હતી.

પુતિને પરમાણુ નિ:શસ્ત્રીકરણના મુદ્દે કિમ સાથે વાતચીત કરી હતી અને વળી અમેરિકા સાથે સંબંધો સુધારવાની દિશામાં સમર્થન કર્યું હતું. 

પુતિને મુલાકાત પછી જણાવ્યું હતું કે કિમ જોંગ ઉને રશિયાને જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયાની સરહદની અને ઉત્તર કોરિયાના લોકોની સુરક્ષાની ખાતરી મળશે તો તે પરમાણુ કાર્યક્રમો સદંતર બંધ કરી દેશે. પુતિને કિમના આ વલણને આવકાર્યું હતું. પુતિને કહ્યું હતું કે આ બાબત ેચીન અને અમેરિકા સાથે ઉત્તર કોરિયા સ્પષ્ટ ચર્ચા કરે તેની રશિયા હિમાયત કરે છે. 

પુતિન સાથેની મુલાકાત પછી કિમે સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે એકબીજાના હિતોનું રક્ષણ કરવાની બાબતે વાર્તાલાપ થયો હતો. પુતિને ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સંબંધો વધુ મજબૂત થાય તે માટે મધ્યસ્થી કરવાની પણ તૈયારી બતાવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XJpS5G
via Latest Gujarati News

Post a Comment

0 Comments