(પીટીઆઇ) સિધી(મધ્ય પ્રદેશ), તા. ૨૬
આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં દેશના વિવિધ ભાગોમાં પાડવામાં આવેલા દરોડા અંગે વિરોધ પક્ષોના આક્ષેપોને ફગાવી દેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે કાયદો સૌના માટે સમાન છે અને જો મેં કંઇ પણ ખોટું કર્યુ હોય તો મારા ઘરમાં પણ દરોડા પાડો. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષો આવકવેરા વિભાગની આ કાર્યવાહીને રાજકારણ પ્રેરિત ગણાવી રહ્યાં છે.
પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ફોર્મ ભર્યા પછી વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશના સીધી પહોંચ્યા હતાં. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં તાજેતરમાં મધ્ય પ્રદેશમાં મુખ્યપ્રધાન કમલનાથના સહયોગીના સંકુલોમાં પાડવામાં આવેલા આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કર્યો હતો. જે માટે તેમણે તઘલખ રોડ કૌભાંડનો સંદર્ભ આપી કોંગ્રેસને નિશાન બનાવી હતી.
મોદીએ મધ્ય પ્રદેશની વર્તમાન કોંગ્રેસ સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસે વચન આપ્યું હતું કે તે વીજળીના બિલ ઘટાડશે. જો કે વીજળીના બિલ તો ઘટયા નથી પણ વીજળીનો પુરવઠો ઓછો થઇ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ૯ એપ્રિલના રોજ મધ્યપ્રદેશમાં આવકવેરા વિભાગે પાડેલા દરોડા દરમિયાન ૨૮૧ કરોડ રૃપિયાના બેહિસાબ રોકડ નાણાનો પર્દાફાશ થયો હતો. આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાણાનો મોટો જથ્થો એક પક્ષના મુખ્યમથકે પહોંચાડવામાં આવ્યો છે. જેમાંથી ૨૦ કરોડ રૃપિયા તાજેતરમાં જ તઘલખ રોડથી એક મોટા નેતાના ઘરેથી પક્ષના મુખ્યમથકે પહોંચાડવામાં આવ્યા હતાં.
આવકવેરા વિભાગની આ કાર્યવાહી પછી કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર રાજકીય કિન્નાખોરી રાખીને દરોડા પડાવી રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VuEnww
via Latest Gujarati News
0 Comments