
(પીટીઆઇ) લંડન, તા.8 એપ્રિલ, 2019, સોમવાર
બ્રિટનની હાઇકોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને મોટો આંચકો આપ્યો છે. પોતાના પ્રત્યાર્પણના આદેશની વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી મેળવવા માટેની વિજય માલ્યાની અરજી ફગાવી દેવામાં આવી છે. ૯૦૦૦ કરોડ રૃપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા વિજય માલ્યાને ભારતમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે આપેલા પ્રત્યાર્પણના આદેશને બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવીદે મંજૂરી આપી દીધા પછી વિજય માલ્યાએ આ આદેશ વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી મેળવવા માટે અરજી કરી હતી.
બ્રિટનના ન્યાયતંત્રના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિ વિલિયમ ડેવિસે પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલ કરવાની માલ્યાની અરજી ફગાવી દીધી હતી.
હવે વિજય માલ્યા પાસે મૌખિક સુનાવણી માટે અરજી કરવા પાંચ દિવસનો સમય છે. જો રિન્યુઅલ એપ્લીકેશન કરવામાં આવશે તો તે અરજીને હાઇકોર્ટના જજ સમક્ષરજૂ કરવામાં આવશે. માલ્યા શુક્રવાર સુધી સમીક્ષા અરજી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ એસબીઆઇ સહિત અનેક સરકારી બેંકોના ૯ હજાર કરોડ રૃપિયા લઇ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકો દ્વારા તેની પાસેથી બાકી રકમ વસૂલવાના પ્રયત્નોને રોકવા માટે કાયદાકીય લડાઇની શરૃઆત કરી દીધી છે.
ચાર દિવસ પહેલા એસબીઆઇના વકીલે લંડનની કોર્ટમાં જણાવ્યું હતું કે માલ્યાના વકીલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે તેમનો અસીલ પોેતાના મહિનાનો ખર્ચ ઘટાડી ૨૯,૫૦૦ પાઉન્ડ એટલે કે ૨૬ લાખ રૃપિયા કરવા તૈયાર છે.
હાલમાં માલ્યા દર સપ્તાહે ૧૮,૩૦૦ પાઉન્ડ એટલે કે ૧૬ લાખ રૃપિયા ખર્ચ કરે છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના બ્રિટનની આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાં જમા ૨,૬૦,૦૦૦ પાઉન્ડ પર એસબીઆઇ સહિતની ભારતીય બેંકોની નજર છે કે જેમણે વિજય માલ્યાની કંપનીઓને લોન આપી હતી. ઉલ્લેખનીય છે કે માલ્યા આ લોનની રકમ ભરપાઇ કર્યા વગર જ બ્રિટન ભાગી ગયા હતાં.
એસબીઆઇના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે માલ્યા હાલમાં ઠાઠથી જીવન પસાર કરી રહ્યો છે. તે કોઇ આર્થિક કટોકટી કે મુશ્કેલ સમયથી પસાર થઇ રહ્યો નથી. તેની સ્થિતિ એવી નથી કે તે રસ્તા પર આવી ગયો છે. માલ્યા પાસે આવકના અનેક સ્ત્રોેત છે. કિંગફિશર બીયર યુરોપ લિમિટેડથી તેને દર મહિને ૭૫૦૦ પાઉન્ડની આવક થાય છે. પરિવારની સંપત્તિમાંથી પણ તેને નિયમિત આવક થાય છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Dfl5Bd
via Latest Gujarati News
0 Comments