દરેક વિધાનસભા દીઠ પાંચ બૂથોમાં વીવીપેટની ગણતરી કરવા સુપ્રીમનો ચૂંટણી પંચને આદેશ


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.8 એપ્રિલ, 2019, સોમવાર

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઇવીએમ સાથે વીવીપેટ સ્લીપની સરખામણી કરવાનું પ્રમાણ વધારવાનો આદેશ આપ્યો છે. હાલમાં દરેક વિધાનસભામાં ફક્ત એક જ મતદાન મથકમાં ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપની ચકાસણી કરવામાં આવે છે.

હવે સુપ્રીમ કોર્ટે વિધાનસભા દીઠ પાંચ મતદાન મથકમાં ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. તાજેતરની લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરતી વખતથી જ આ નવા નિયમનો અમલ શરૃ કરવામાં આવશે. 

સુપ્રીમે જણાવ્યું છે કે આ નવા નિયમથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધશે. જો કે સુપ્રીમ કોર્ટે ૫૦ ટકા મતદાન મથકોમાં ઇવીએમની સાથે વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના નેતૃત્ત્વમાં વિરોધ પક્ષના ૨૧ નેતાઓએ કરેલી માગ ફગાવી દીધી છે. 

ચૂંટણી પંચ હાલમાં વિધાનસભા મતવિસ્તારમાં કુલ જેટલા મતદાન મથકો હોય તે પૈકી રેન્ડમલી ેકોઇ એક જ મતદાન મથકના ઇવીએમ અને વીવીપેટની સ્લીપ સાથે સરખામણી કરવામાં આવે છે. 

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના નેતૃત્ત્વવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે દરેક વિધાનસભામાં પાંચ વીવીપેટની ગણતરી કરવામાં આવશે તો ચૂંટણી પ્રક્રિયા ખામીરહિત હોવા અંગે લોકોના વિશ્વાસમાં વધારો થશે. રંજન ગોગોઇ ઉપરાંત ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની બનેલી ખંડપીઠે વધુમાં જણાવ્યું હતું કે દરેક વિધાનસભામાં અગાઉની જેમ જ રેન્ડમલી પાંચ મતદાન મથકની પસંદગી કરવામાં આવશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2OXcJmg
via Latest Gujarati News

Post a Comment

0 Comments