
ફાનસના જમાના ગયા, હવે દરેકને વિજળી મળી રહી છે : બિહારમાં મોદીનો લાલુને ટોણો
નવી દિલ્હી, તા. 25 એપ્રિલ, 2019, ગુરૂવાર
ચૂંટણીની શરૃઆતમાં જ ચૂંટણી પંચે સ્પષ્ટ સુચના જારી કરી હતી કે સૈન્યનો ઉપયોગ કોઇ પણ પક્ષ કે નેતા પોતાના પ્રચારમાં નહીં કરે. આ મામલે વડા પ્રધાન મોદી અવાર નવાર ભાષણમાં સૈન્યનો ઉપયોગ કરી રહ્યાના આરોપો સાથે તેમની વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ ચુકી છે. જોકે આ સ્થિતિ વચ્ચે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક રેલીને સંબોધતા પોતાનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવવો યોગ્ય છે. અને આતંકવાદના ખાતમાથી જ ગરીબી દુર થશે.
કોંગ્રેસે ત્રણ રાજ્યો છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ખેડૂતોની લોન માફ કરી હતી, જેને ટાંકીને મોદીએ ટોણો મારતા દાવો કર્યો હતો કે કોઇના દેવા માફ નથી થયા, આદિવાસી કે ગરીબો અને દલિતોને કોઇ જ ફાયદો નથી થયો માત્ર વિપક્ષના ચેલા ચપાટીને જ ફાયદો થયો છે. સાથે સ્થાનિક પક્ષો પર ટોણો મારતા મોદીએ કહ્યું હતું કે કેટલાક સ્થાનિક પક્ષો માત્ર ૨૦થી ૩૦ બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યા છે છતા તેના નેતાઓ વડા પ્રધાન બનવાના સપના જોઇ રહ્યા છે.
મોદીએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષો સવાલ ઉઠાવી રહ્યા છે કે મોદી કેમ વારંવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. શું આતંકવાદ ખરેખર આ દેશની સમસ્યા નથી? વિપક્ષ માટે આ કોઇ મહત્વનો મુદ્દો નહીં પણ વર્તમાન સરકાર માટે તે અતી મહત્વપૂર્ણ મુદ્દો છે.
મોદીએ દાવો કર્યો હતો કે મતદારોને ખ્યાલ છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદનો ખાતમો મહત્વપૂર્ણ બાબત છે પણ કેટલાક પરિવારવાદીઓ માટે તે મહત્વપૂર્ણ નથી. છેલ્લા ૪૦ વર્ષમાં દેશની સુરક્ષા પાછળ કરોડો રૃપિયાનો ધુમાડો કરવામાં આવ્યો, આ જ પૈસાનો ઉપયોગ સ્કૂલ અને કોલેજો બનાવવામાં વાપરી શકાયો હોત. આતંકવાદનો ખાતમો કરવાથી ગરીબી દુર થઇ શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XNJhSZ
via Latest Gujarati News
0 Comments