કોલંબો, તા.૨

શ્રીલંકાના બોર્ડે હજુ ગત સપ્તાહે જ તેના ફાસ્ટ બોલર લસિત માલિંગાને આઇપીએલ-૧૨માં રમવા માટે છુટ આપી હતી, જેના પગલે તે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝીની સાથે જોડાઈ ગયો હતો. જોકે શ્રીલંકન બોર્ડે આગામી વર્લ્ડકપ માટેની ટીમની પસંદગી માત્ર ઘરઆંગણાની વન ડે ટુર્નામેન્ટના પર્ફોમન્સના આધારે કરવાનું નક્કી કરતાં માલિંગા આઇપીએલ છોડીને સ્વદેશ પરત ફર્યો છે.

ચાર ટીમોની ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ૪ એપ્રિલથી ૧૧ એપ્રિલ દરમિયાન રમાશે, જેમાં મલિંગા ગૉલ ટીમની કેપ્ટન્સી સંભાળશે. શ્રીલંકાની રાષ્ટ્રીય પસંદગી સમિતિના વડા અશંથા ડી મેલે કહ્યું કે, માલિંગા પાછો આવી રહ્યો છે અને તે આવતીકાલે બુધવાર સુધી અહીંની ટીમની સાથે જોડાઈ જશે. 

મલિગા આ વર્ષે આઇપીએલમાં ખાસ રમી શક્યો નથી. તે શ્રીલંકાની ટીમની સાથે સાઉથ આફ્રિકા પ્રવાસે હોવાથી શરૃઆતની છ મેચોમાં જોવા મળ્યો નહતો. ગત સપ્તાહે માલિંગા અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડ વચ્ચે મિટિંગ યોજાઈ હતી અને તેમાં તેને આઇપીએલમા રમવાની છુટ આપવામા આવી હતી. ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે, આઇપીએલમાં રમતનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોવાથી માલિંગા ત્યા રમીને વર્લ્ડકપની તૈયારી વધુ સારી રીતે કરી શકશે. 

મેલે ઊમેર્યું કે, માલિંગાએ હવે તેનું મન બદલ્યું છે અને તે પ્રોવિઝનલ ટુર્નામેન્ટમાં રમવા ઈચ્છી રહ્યો છે અને આ કારણે તે પાછો આવી રહ્યો છે. જોકે ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે, શ્રીલંકન બોર્ડે અંદરખાને માલિંગાને કહ્યું હતુ કે, જો તું આઇપીએલમાં રમતો રહીશ તો અમે તારી પસંદગી વર્લ્ડકપ માટેની ટીમમાં નહી કરીએ અને આ કારણે તેણે તત્કાળ સ્વદેશ પાછા ફરવાનું નક્કી કર્યું છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WIJMwO
via Latest Gujarati News