
(પીટીઆઇ) ભોપાલ, તા. 20 મે, 2019, સોમવાર
કમલનાથના નેતૃત્ત્વવાળી મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી જોઇએ તેમ ભાજપે આજે જણાવ્યું હતું. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવે જણાવ્યું હતું કે તેમનો પક્ષ રાજ્યપાલ આનંદીબેન પટેલને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સરકારને બહુમતી પુરવાર કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની અપીલ કરશે.
ભાર્ગવે પત્રકારોને જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માટે હું રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીશ. અમે ખેડૂતોની લોન માફી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ અને સરકારનું શક્તિ પ્રદર્શન જોવા માગીએ છીએ.
તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે કે તે કૃષિ લોન માફી જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની વિધાનસભામાં ચર્ચા કરવાને બદલે પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌૈહાણના નિવાસસ્થાને કાગળો નાખી રહી છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે તેણે રાજ્યના ૨૧ લાખ ખેડૂતોની કૃષિ લોન માફ કરી દીધી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી દૂર ભાગી રહી છે.
નિર્ણય લેવામાં કમલનાથના નેતૃત્ત્વવાળી સરકાર નબળી સાબિત થઇ રહી છે તેથી અમે જાણવા માગીએ છીએ કે સરકાર પાસે પૂર્ણ બહુમત છે કે નહીં. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સ્થિરતા અંગે અનેક અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે. લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની શક્યતાના બીજા દિવસે મધ્યપ્રદેશ ભાજપે આ માગ કરી છે.
ભાજપ મ.પ્ર. સરકારને અસ્થિર કરવાની ફિરાકમાં : કોંગ્રેસ
મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર બહુમતી પુરવાર કરે તેવી ભાજપની માગ પછી કોંગ્રેસે જણાવ્યું છે કે ભાજપ ભ્રષ્ટાચાર કરીને મધ્ય પ્રદેશ સરકારને અસ્થિર બનાવવાના પ્રયત્નો કરી રહી છે. જો કે આમ કરીને ભાજપ રાજ્યના લોકોના જનાધારનું અપમાન કરી રહ્યો છે. કોંગ્રેસ મહાસચિવ અને મધ્ય પ્રદેશના ઇનચાર્જ દીપક બાબરિયાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્યના લોકોએ ભાજપને નકારી દીધો છે અને વિધાનસભા ચૂંટણીમાં તેમને સત્તાથી દૂર કરી દીધા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JNqUtA
via Latest Gujarati News
0 Comments