અમદાવાદ, તા. 12 માર્ચ 2020, ગુરૂવાર
- રોકાણકારોના 7.51 લાખ કરોડનું ધોવાણ
- અમેરિકન શેર બજારમાં પણ કડાકો બોલાયો
- ઇન્ડસઇન્ડ બેંકના શેર છ વર્ષમાં સૌથી નીચે, રિલાયન્સમાં કડાકો ચાલુ
- મોદી સરકાર સત્તામાં આવ્યા પછી 27 વખત બે ટકાથી વધારે ઘટાડો થયો
- ટીવી ચેનલો ઉપર કહેવાતા બજાર વિશ્લેષકો ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે
વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસ પ્રબળ બનવાની સાથે અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ અમેરિકી શેરબજારમાં આજે ફરી એકવાર 877 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. કોરોના વાઇરસના કારણે ઇટાલીનું અર્થતંત્ર ખાડે ગયાના અહેવાલો સાથે અન્ય દેશોમાં પણ પ્રતિકૂળતા પ્રબળ બની હોવાના અહેવાલોની અમેરિકી શેરબજાર ઉપર પ્રતિકૂળ અસર થવા પામી હતી.
કોરોના વાઇરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેરબજારોમાં ખરાબ હાલ છે. અઠવાડિયાના ચોથા દિવસ ગુરુવારના રોજ ભારતીય શેર બજારની શરુઆત એકવાર ફરી મોટો ઘટાડા સાથે થઇ છે. ઘટાડાનો આ સિલસિલો વધચો જઇ રહ્યો છે. સવારે 11 વાગ્યા બાદ સેન્સેક્સમાં 2650 પોઇન્ટ તો નિફ્ટીમાં 750 પોઇન્ટનો ઘાટાડો જોવા મળ્યો છે.
પ્રથમ 30 મિનિટના ટ્રેડીંગમાં રોકાણકારોના રૂ. 7.51 લાખ કરોડનું ધોવાણ થયું છે. જો ફેબ્રુઆર તા.19થી બજારમાં શરૂ થયેલી મંદીમાં રોકાણકારોએ રૂ.29.08 લાખ કરોડ ગુમાવ્યા છે. નિફ્ટીના દરેક ઘટાડે નિષ્ણાતો એવી સલાહ આપી રહ્યા હતા કે 10,400 સપોર્ટ છે, 10,600 સપોર્ટ છે. નિફ્ટી 10,100ની નીચે નહિ જાય. આ બધું જ ખોટું પડ્યું છે. એક મહિનાથી ઓછા સમયમાં જ નિફ્ટી દોઢ વર્ષની નીચે. હજુ પણ ટીવી ચેનલો ઉપર કહેવાતા બજાર વિશ્લેષકો ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે.
મોદી સરકાર સત્તામાં આવ્યા પછી 27 વખત બે ટકાથી વધારે ઘટાડો થયો
જાન્યુઆરી 2010 પછી બે ટકાથી વધારે ઘટાડો થયો હોય એવા 63 ટ્રેડીંગ સત્રમાંથી 27 નરેન્દ્ર મોદી સરકાર મે 2014માં સત્તા ઉપર આવી પછી જોવા મળ્યા છે. તો ત્રણ ટકાથી વધારે સેન્સેક્સ ઘટ્યો હોય એવા 10 કિસ્સામાં પાંચ કિસ્સા મોદી સરકારના શાસનમાં જોવા મળ્યા છે. પાંચ ટકાથી વધુના ઘટાડા ઓગસ્ટ 2015 અને માર્ચ 2020માં નરેન્દ્ર મોદી સરકારના શાસનમાં જોવા મળ્યા છે. આજે પાંચ ટકાથી વધારે ઘટાડા સાથે બજારમાં કામકાજ ચાલી રહ્યા છે, જે ત્રીજી ઘટના હશે
10:18: સેન્સેક્સ 1875 પોઇન્ટ, નિફ્ટી 566 પોઇન્ટ ડાઉન ક્રૂડ 4 ટકાના ઘટાડા સાથે 31.63 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે. રિલાયન્સનો શેર 5.93 ટકાના ઘટાડા સાથે 1085 પર ટ્રેડ કરી રહ્યો છે.
ઇન્ડસઇન્ડ બેંકના શેર છ વર્ષમાં સૌથી નીચે
દેશની અગ્રણી ખાનગી બેંક ઇન્ડસઇન્ડ બેંકના શેર આજે 10 ટકા જેટલા ઘટી રૂ.768.30ની સપાટીએ હતા જે ડીસેમ્બર 2014 પછીની સૌથી નીચી સપાટીએ છે. છેલ્લા ચાર દિવસમાં શેરનો ભાવ 25 ટકા જેટલો ઘટી ગયો છે.
રિલાયન્સમાં કડાકો ચાલુ
ઓક્ટોબર 2019માં કંપનીની એજીએમ વખતે રિલાયન્સે દેવું ઘટાડવાના પ્લાનની જાહેરાત કરી હતી. આ પછી શેર રૂ.1600ના વિક્રમી ભાવ સુધી પહોંચ્યો હતો. પણ ક્રુડના ભાવમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે તે સતત ઘટી રહ્યો છે. આજે રિલાયન્સ 5.93 ટકા ઘટી રૂ.1097ની સપાટીએ આવી ગયો છે.
અમેરિકન શેર બજારમાં પણ કડાકો બોલાયો
ડાઉજોન્સ ઇન્ડેક્સ 877 પોઇન્ટ એટલે કે 3.50% તૂટીને 24141 પોઇન્ટની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 268 પોઇન્ટ તૂટીને એટલે કે 3 % તૂટીને 8077ની સપાટીએ નરમ હતો. બીજી તરફ એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 102 પોઇન્ટ એટલે કે 3.53 ટકા તૂટીને 2777ની નીચી સપાટીએ ઉતર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cVjf8O
via Latest Gujarati News
0 Comments