ઈરાનમાં કોરોના વાયરસે 291નો ભોગ લીધો, ઇટાલીમાં ચીનથી બમણો મૃત્યુદર


(પીટીઆઈ) તેહરાન, તા. 11 માર્ચ, 2020, બુધવાર

ચીનના વુહાન શહેરથી ઉદ્ભવેલા જીવલેણ કોરોના વાયરસે વિશ્વના અનેક દેશોને પોતાના ભરડામાં લીધા છે. સમગ્ર વિશ્વના 1,17,751 જેટલા લોકો હાલ કોરોના વાયરસનો ભોગ બનેલા છે અને કુલ મૃતકઆંક 4,292ને પાર કરી ગયો છે. 

ઈરાનના સ્વાસ્થ્ય વિભાગે કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં દેશના 54 લોકો મૃત્યુ પામ્યા હોવાનું અને તે સાથે જ મૃતકઆંક વધીને 291 થયો હોવાનું જાહેર કર્યું છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 881 લોકો કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા છે અને તે સાથે જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 8,042ને પાર કરી ગઈ છે. આ તરફ ચીન બાદ કોરોના વાયરસનું સૌથી મોટું જોખમ ઇટાલી પર તોળાઈ રહ્યું છે. ઇટાલીમાં 10,149 લોકો કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા છે અને 631 લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે. 

જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ કુલ વસ્તીના 70 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે તેવો ભય વ્યક્ત કર્યો હતો. કોરોના વાયરસના જોખમને ધ્યાનમાં રાખીને જર્મનીએ તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને બુધવાર સુધીમાં બે લોકોના મૃત્યુ ઉપરાંત 1,300 કેસ નોંધાવાના કારણે એન્જેલાના નિવેદને સંસદમાં સોપો પાડી દીધો હતો.

તેમણે 60થી 70 ટકા વસ્તી કોરોના વાયરસનો ભોગ બની શકે છે તે જોખમને ધ્યાનમાં રાખીને તેની કોઈ દવા કે થેરાપી નથી માટે તેનો પ્રસાર ઘટાડવાના પ્રયત્નો પર ભાર મુકવાનું જણાવ્યું હતું. ચીન પછી સૌથી વધુ ઇટાલીના લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે અને તેનાથી મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસના પ્રકોપના કારણે હાલ ઇટાલીના રસ્તાઓ, મોલ, રેસ્ટોરા વગેરે ખાલી પડયા છે અને માત્ર કબૂતરો જોવા મળી રહ્યા છે. 

સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસના 1,17,751 કેસ સામે 4,292 લોકો મૃત્યુ પામ્યા છે જે કુલ સંક્રમિત લોકોના 3.64 ટકા બરાબર કહી શકાય પરંતુ ઇટાલીમાં તે પ્રમાણ બમણું છે. 

10,149 ઇટાલીયન્સ કોરોના વાયરસના ચેપનો ભોગ બન્યા છે અને 631 લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે જે કુલ સંક્રમિત લોકોમાંથી 6.21 ટકા લોકોના મૃત્યુ બરાબર આંકડો છે. ચીનમાં કુલ સંક્રમિત લોકોમાંથી 3.90 ટકા લોકો મૃત્યુ પામેલા છે. ઇટાલીમાં મૃતકઆંકનું પ્રમાણ વધુ હોવાનું એક કારણ તેની વસ્તીમાં વૃદ્ધોની સંખ્યા વધારે છે તે કહી શકાય.

ઇટાલીમાં યુરોપના બાકીના દેશોની તુલનાએ વૃદ્ધોની સંખ્યા વધારે છે અને દેશની કુલ વસ્તીના 23 ટકા લોકો વૃદ્ધ છે. ઇટાલીમાં કોરોનાના કારણે મરનારા મોટા ભાગના લોકો 80થી 90 વર્ષના વૃદ્ધો છે. વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી તેમના માટે વાયરસ ખૂબ જ જોખમી સાબિત થઈ રહ્યો છે. 

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીને પણ કોરોના 

(પીટીઆઈ) લંડન, તા. 11

બ્રિટિશ સાંસદ અને સ્વાસ્થ્ય મંત્રી નદીન ડોરિસનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ નદીન ક્યાં અને કઈ રીતે કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા તેની તપાસ કરી રહ્યા છે. 

કંઝરવેટિવ સાંસદ નદીન ડોરિસે એક નિવેદનના માધ્યમથી પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની પૃષ્ટિ કરી હતી અને પોતે હાલ ઘરમાં અલગ રહે છે તેમ જણાવ્યું હતું.

કોરોનાથી લડવા માટે કાયદાકીય જોગવાઈઓ તૈયાર કરવામાં મદદ કરનારા ડોરિસ સીઓવીઆઈડી-19નો ભોગ બનનારા પ્રથમ બ્રિટિશ રાજનેતા છે. આ સાથે જ તેઓ જેમના સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો પણ કોરોનાથી અસરગ્રસ્ત થયા છે કે નહીં તે અંગેની ચિંતા વધી ગઈ છે.

એક અહેવાલ પ્રમાણે છેલ્લા થોડા દિવસોમાં તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા જેમાં વડાપ્રધાન બોરિસ જોનસનનો પણ સમાવેશ થાય છે. નદીને શુક્રવારે કોરોના વાયરસને નોટિફાઈબલ બીમારીઓની યાદીમાં સામેલ કરાવનાર કાયદા પર હસ્તાક્ષર કર્યા હતા અને તે દિવસે જ તેઓ બીમાર પડયા હતા.

આ કાયદો કંપનીઓને કોરોના વિરૂદ્ધ ઈન્શ્યોરન્સ કવર લેવા મંજૂરી આપે છે. નદીન કોરોનાનો ભોગ બન્યા હોવાની પૃષ્ટિ થયા બાદ સંસદ સ્થગિત રાખવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. અત્યાર સુધીમાં બ્રિટનના 373 લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને છ લોકો તેના લીધે મૃત્યુ પામ્યા છે. 

ચીની રાષ્ટ્રપતિ વુહાનની મુલાકાતે

(પીટીઆઈ) બેઇજિંગ, તા. 11

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયેલા વુહાન શહેરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતનો ઉદ્દેશ્ય ચીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હોવાનો સંદેશો આપવાનો છે.

ચીનમાં ખતરનાક કોરોના વાયરસના કારણે મરનારા લોકોનો આંકડો વધીને 3,158 થઈ ગયો છે અને 31 પ્રાંતોની વિગતો પરથી હજુ પણ 80,770 જેટલા લોકો તે વાયરસથી સંક્રમિત હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સેના અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે મળીને વુહાન શહેર ખાતે બનાવવામાં આવેલી એક કામચલાઉ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

હોસ્પિટલની મુલાકાત સમયે તકેદારી રાખવા તેમણે માસ્ક પહેરી રાખ્યું હતું. ગત વર્ષે ડિસેમ્બર મહીનામાં પ્રથમ વખત વાયરસ દેખાયો તે સમયે યોગ્ય કાર્યવાહી ન કરવાને લઈ શરૂઆતમાં જિનપિંગની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમની કામગીરીને લઈ પ્રશંસા પણ થઈ રહી છે.

જિનપિંગની વુહાન શહેરની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચીને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હોવાનો સંદેશો આપવાનો હતો. વુહાન શહેરની મુલાકાત દરમિયાન જિનપિંગે કોવિડ-19ના પ્રસાર વિરૂદ્ધ વિજય મેળવવા દૃઢતાથી લડવાનો સંકલ્પ લીધો હતો.

છેલ્લા 24 કલાકમાં હુબેઈ પ્રાંત અને તેની રાજધાની વુહાનમાં કોરોનાના કારણે 17 લોકોના મોત થયા હતા અને તે સાથે જ મૃતકઆંક વધીને 3,136 થયો હતો. અગાઉ 26 જાન્યુઆરીના રોજ ચીની વડાપ્રધાન લી ક્વિંગે વુહાનની મુલાકાત લીધી હતી. કોરોના વાયરસના લીધે વર્ષના પ્રથમ બે મહીનામાં ચીનની નિકાસમાં 17.2 ટકાનો જ્યારે આયાતમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે.

ચીનની રાજ્ય સ્વાસ્થ્ય સમિતિએ છેલ્લા 24 કલાકમાં વધુ 22 લોકોના મૃત્યુ સાથે કોરોના વાયરસના કારણે મરનારા લોકોનો આંકડો વધીને 3,158 થયો હોવાનું જાહેર કર્યું હતું.

31 પ્રાંતોમાંથી એકત્રિત કરવામાં આવેલી જાણકારીના આધારે અત્યાર સુધીમાં આશરે 80,778 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. તે પૈકીના 16,145 જેટલા દર્દીઓને સઘન મોનિટરિંગમાં રાખવામાં આવ્યા છે અને તેમાંથી 4,492 દર્દીઓની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. 

અત્યાર સુધીમાં 61,475 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં નવા 24 કેસ સામે 1,578 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હુબેઈ પ્રાંતના વુહાન શહેરમાંથી ઉદ્ભવેલા કોરોના વાયરસે વિશ્વના 104થી વધુ દેશોમાં પગપેસારો કર્યો છે અને કુલ 4,270 લોકોનો ભોગ લીધો છે. તે સિવાય હજુ પણ 1,18,129 લોકો આ વાયરસ સામે ઝઝુમી રહ્યા છે. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKrVqR
via Latest Gujarati News

Post a Comment

0 Comments