આત્મનિર્ભર શબ્દનો ખરો અર્થ શું?..વિવિધ ક્ષેત્રોમાં સુધારાની જરૂર


આત્મનિર્ભર ભારત એટલે શું ? આપણે ફરીથી સ્વદેશી - સ્વાવલંબનમાં પાછા નથી ફરવું. પોતાના કપડા જાતે ધોઇ લેવા, ઈસ્ત્રી કરવી, પોતાના વાસણો જાતે જ માંજી લેવા, પોતાનો સામાન જાતે જ ઊચકવો વગેરે સલાહો આપણે જીવનભર સાંભળી. આત્મનિર્ભરતાનો અર્થ આપણે પોતાનાં કામ પોતાની જાતે જ કરી લેવા એમ માનતા હતા. અર્થકારણમાં આત્મનિર્ભરતા એટલે આયાતની અવેજી (ઈમ્પોર્ટ સબસ્ટીટયુશન) તેમજ સ્વાવલંબન અને સ્વદેશી એમ માનતા હતા. આને પરીણામે ભારતનું ૧૯૫૧-૧૯૯૧ સુધીનું અર્થકારણ લાયસન્સ - પરમીટ ક્વૉટાનું રાજ્ય બની ગયુ. ભ્રષ્ટાચાર અનહદ વધી ગયો. કંપનીને ઉત્પાદન વધારવું હોય, નવી નવી પ્રોડકટ્સ બજારમાં દાખલ કરવી હોય તો ય સરકારની પરવાનગી લેવી પડે. ઘરવપરાશની ચીજોનું જે દેશમાં ઉત્પાદન થતું હતું તે થર્ડ રેટ ક્વોલીટીનું હતું. કાર, ટેલીફોન, સ્કુટર, વગેરે વર્ષોની રાહ જોયા પછી ગ્રાહકોને મળતા. સમાજવાદને નામે દેશમાં આર્થિક બેહાલી સર્જાઇ ગઇ. ટેલીફોન લાઇન કે સ્કુટર મેળવવા ચાર પાંચ વર્ષ રાહ જોવી પડે કે તેનાથી પણ વધુ વર્ષો રાહ જોવી પડે તે અર્થકારણ કેટલું તકલાદી ગણાય ? ભૂતપૂર્વ વડાપ્રધાન રાવ અને મનમોહનસીંઘે આપણને આર્થિક ચુંગાલમાંથી છોડાવ્યા. હવે આપણે આત્મનિર્ભરતાને નામે ફરી પાછું એ માર્ગે જઇને ભારતીય અર્થકારણની તારાજી નથી કરવી. પરંતુ મોદીએ આત્મનિર્ભરતાના મૂળ અર્થને તોડી-મરોડીને ઘણો બહોળો બનાવ્યો છે. ગુજરાતની સરકારે હમણાં અનેક આર્થિક સુધારાઓ અને સહાયની જાહેરાત આત્મનિર્ભર ગુજરાત હેઠળ કરી. આ સહાયનું પેકેજ ઘણું સારૂ છે પરંતુ તેનું નામાભિધાન વિચિત્ર છે. નાના નાની બાબતોને પણ સંસ્કૃત અલંકારયુક્ત નામો ના આપી શકાય.

આત્મનિર્ભરતાનો ખરો અર્થ

એક વાત ચોક્કસ છે. આપણે કોઇ શબ્દનો અર્થ મારીમચડીને આપણને ફાવે તે રીતે કરી ના શકીએ. આ શબ્દનો ખુલાસો કરતા ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલ લખે છે કે આત્મનિર્ભરતાનો અર્થ નહેરૂની સ્વનિર્ભરતાની (ઈમ્પોર્ટ સબસ્ટીટયુશન)ની નીતિ હરગીઝ નછી. તેનો અર્થ પહેલાની જેમ લાયસન્સ - પરમીટ - ક્વોટા રાજ્ય થતો નથી. આ કેન્દ્રીકરણ કરેલું ટોપ-ડાઉન અર્થકારણ પણ નથી. આત્મનિર્ભરતાનો અર્થ આપણી આંતરિક તાકાતનો વિકાસ છે, વ્યક્તિગત જવાબદારીનો તેમજ રાષ્ટ્રીય મીશનનો ખયાલ તેમાં સમાયેલો છે. દા.ત. મોદીએ ખેડૂતને પોતાનો માલ જ્યાં વેચવો હોય તે છૂટ આપીને કેવો આત્મનિર્ભરતાનો માર્ગ દર્શાવ્યો. પરંતુ બધી બાબતોને આત્મનિર્ભરતામાં ના સમાવાય. ખેડૂતને જ્યાં ગમે ત્યાં માલ વેચી શકે તેને આત્મનિર્ભરતા સાથે સંબંધ નથી. તેમાં 'ફ્રીડમ ઓફ ચોઇસ' છે. સરકારે અતિ નાના, નાના અને લઘુ ઉદ્યોગોને ત્રણ લાખ કરોડ રૂપિયાની સરકારની પોતાની ગેરંટી હેઠળ લોન આપવાનું નક્કી કર્યું તેને આત્મનિર્ભરતા સાથે કઇ રીતે જોડી શકાય ? તેઓ જાતે પોતાના પગ પર ઊભા રહી શકતા નથી માટે તો તેમને સરકારી લોનની જરૂર પડે છે ? આત્મનિર્ભરતાના નામ હેઠળ આપણે વિદેશી મૂડીને હસતા હસતા દેશમાં કેવી રીતે આવકારી શકીએ ?જગતની વેલ્યુચેઇનમાં ભારત કડીરૂપ બને તે સારી બાબત છે પણ તેને આત્મનિર્ભરતા સાથે કયો સંબંધ સ્થાપી શકાય ? અલબત્ત એપીએમસીને લગતા સુધારાને ક્વોન્ટમ સુધારો કહી શકાય. રેશનકાર્ડ હોલ્ડર નાગરીક દેશમાં કોઇપણ ઠેકાણે પોતાના કાર્ડ અને ઓળખને આધારે રેશનીંગનું અનાજ મેળવી શકે તેને પણ ક્વોન્ટમ સુધારો કહેવાય. મોદીની યોજનાઓ સારી હોય છે પરંતુ નવા નવા સૂત્રો બનાવવાના કામ ઉપરાંત મોદી જો તમામ કક્ષાના શિક્ષણને (પીએચડી સુધીના) એકદમ સસ્તું કે મફત બનાવી શકે અને સ્વાસ્થ્ય સેવાઓને પણ સુલભ અને તદ્દન સસ્તી કે મફત બનાવી વેલફેર સ્ટેટની દિશામાં પગલાં માંડે તો તેને ક્વોન્ટમ સુધારા કહી શકાય.

બસ એક જ ધૂન વેલફેર સ્ટેટ

લોકોને સ્વચ્છ અને સારી સારવાર મળે તે માટે જીડીપીનો માત્ર ૧થી બે ટકા વચ્ચે ખર્ચો ના ચાલે. ૬ ટકા ખર્ચો કરવો પડે. દર હજારની વસતીએ એક તબીબની અનિવાર્ય સંખ્યા (ડબલ્યુએચઓના સ્ટાન્ડર્ડ પ્રમાણે) માટે બીજી અનેક મેડીકલ કોલેજીઝ ખોલવી પડે. દેશમાં ૭૩૯ ડીસ્ટ્રીક્ટસ છે. તે દરેક ડીસ્ટ્રીક્ટ દીઠ એક ટીચીંગ હોસ્પીટલ અને એક મોટી મેડીકલ જોઇએ જ. જેમ અત્યારે ભારતમાં એન્જીનીયરીંગ કોલેજો વિદ્યાર્થીઓ મેળવવા માટે વલખાં મારે છે તેવું જ મેડીકલ કોલેજીઝ વલખા મારે તેવું થવું જોઇએ. આ સિધ્ધ કરવા માટે ખેડૂતોને વારતહેવારે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની અધધધ ઋણમાફી ના અપાય. છેલ્લા બાર વર્ષમાં ભારતની કેન્દ્ર અને રાજ્યોની સરકારોએ બધું મળીને ખેડૂતોને (ખેતમજૂરોને નહીં, કશું નહીં) અઢી લાખ કરોડ રૂપિયાની ઋણમાફી આપી તેમાંથી ભારતમાં કેટલી બધી હોસ્પીટલો, શાળાઓ અને કોલેજો સ્થાપી શકાત ?

વિકાસ ડૂલ

ફા.વ. ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વૃધ્ધિદર ૪.૨ ટકા હતો જે છેલ્લા ૧૧ વર્ષમાં સૌથી નીચો છે અને આ નીચો વૃધ્ધિદર કોવિડ-૨ને કારણે થયો છે તેમ માનવાનું નથી. ઉપરનો ૪.૨ ટકાનો આંકડો એપ્રિલ ૨૦૧૯ - માર્ચ ૨૦૨૦નો છે એટલે તે વખતે ભારતમાં કોવિડના પ્રકોપને માત્ર ૧૫ જ દિવસ થયા હતા. ભારતમાં છેલ્લા બે વર્ષથી ઈકોનોમીક સ્લોડાઉન છે તેને કોવિડ-૨ સાથે કોઇ સંબંધ નથી. રાજકારણમાં અત્યંત નીપુણ મોદી સરકાર અર્થકારણમાં કાચી છે.

નિરાશાવાદ નહીં

આર્થિક ક્ષેત્રે નિરાશાવાદની જરૂર નથી. આપણું અર્થકારણ કોરોના વાયરસની વિદાય પછી બાઉન્સ બેક થઇ શકે છે. લેન્ડ, લેબર અને કેપીટલ ક્ષેત્રોમાં આપણા દેશને ક્વોન્ટમ સુધારાની જરૂર છે. પરંતુ તે માટે સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા, સ્વદેશી, સ્વાવલંબન, વિશ્વના લોકોને દોરવણી આપનાર જગદગુરૂ ભારત, ૨૧મી સદી ભારતની હશે એવા અલંકારોથી મઢેલી શબ્દોની રમત (વર્ડ પ્લે)ની જરૂર નથી. ભારત જો વૈશ્વીકરણની પ્રક્રિયામાં ચાવીરૂપ ગ્લોબલ ચેઇનની રચના કરે. ફર્સ્ટરેટ યુનિવર્સિટીઓની સ્થાપના કરે પણ તેમાં સેકન્ડ રેટ વડાઓની નીમણુક ના કરે, ક્ષુલ્લક કારણોસર લોકોને દેશદ્રોહની કલમ હેઠળ જેલમાં ના પૂરી દે અને ક્વોન્ટમ ગતિથી રૂરલ ઈન્ડસ્ટ્રીઅલાઇઝેશન કરે તો બાઉન્સબેક ઝડપથી કરી શકે છે.




from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d5VMQW
via Latest Gujarati News

Post a Comment

0 Comments