ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા પ્રેફરન્શિયલ ઇશ્યૂના નિયમો હળવા કરાશે


કોરોના મહામારીના પગલે ઉદ્ભવેલ પ્રતિકૂળ માહોલ વચ્ચે કંપનીઓ દ્વારા નાણાકીય અને વ્યૂહાત્મક રોકાણકારોને પ્રેફરન્સ શેર્સનું વેચાણ કરી ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાના હેતુસર સેબી પ્રેફરન્શિયલ ઇશ્યૂના  નિયમો હળવા કરવા વિચારણા કરી રહી છે.

પ્રેફરન્સ શેર્સના ભાવની માર્ગરેખા અનુસાર શેર્સની ફાળવણી વખતે ઇશ્યૂ પ્રાઇસ છેલ્લાં બે સપ્તાહ અથવા ૨૬ સપ્તાહની સરેરાશમાંથી જે વધુ હોય તેને નિર્ધારિત કરવામાં આવે છે. બજારની વોલેટિલિટીને કારણે વર્તમાન બજારભાવ અને સેબીના પ્રેફરન્શિયલ એલોટમેન્ટના નિયમ પર આધારિત ભાવ વચ્ચે ૪૦-૫૦ ટકા તફાવત છે. તેને લીધે કંપનીઓ માટે આ રૂટ દ્વારા ભંડોળ એકત્ર કરવાનું શક્ય રહ્યું નથી.

કોરોના મહામારીને કારણે કંપનીઓના  શેરના ભાવ અને નફા પર પ્રતિકૂળ અસર થવા પામી છે. ઉપલબ્ધ માહિતી મુજબ સેબી સામે માત્ર સ્ટ્રેસ્ડ કંપનીઓ જ નહીં, અત્યારના માહોલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી કોઈ પણ લિસ્ટેડ કંપની માટે પ્રેફરન્શિયલ શેર્સની ફાળવણીના નિયમને વધુ વાસ્તવિક બનાવવાનો પ્રસ્તાવ છે. જેથી આ કંપનીઓ પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ અને અન્ય રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરી શકે.

વર્તમાન સ્થિતિમાં વિવિધ બિઝનેસને મોટાપાયે પ્રતિકૂળ અસર થઈ છે ત્યારે સ્થાનિક અને વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો કંપનીમાં મૂડી રોકવા આકર્ષાઈ શકે તેમજ મૂડીની તાકીદે જરૂરિયાત હોવાથી કંપની અને રોકાણકારો માટે પ્રેફરન્શિયલ ઇશ્યૂ ઉત્તમ વિકલ્પ હોવાના કારણે રેગ્યુલેટર દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે.

કોરોના મહામારી પહેલાં સેબીએ અગાઉ પ્રાઇમરી માર્કેટની પેનલના વિચારોને આધારે આ મુદ્દે ચર્ચાપત્ર જારી કર્યું હતું. જોકે, મહામારી પછી સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે. સેબીને મળેલી ફીડબેકના આધારે ભાવ નિર્ધારણમાં પ્રસ્તાવિત રાહત માત્ર સ્ટ્રેસ્ડ કંપનીઓ જ નહીં, તમામ કોર્પોરેટ્સને આપવી જોઈએ.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XZnfzy
via Latest Gujarati News

Post a Comment

0 Comments