રફાલ ડીલ: અનિલ અંબાણીને ઘી-કેળા, ફ્રાન્સે 1100 કરોડનો ટેક્સ માફ કર્યો


ફ્રાન્સમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ફ્લેગ પર ૨૦૦૭-૨૦૧૦માં છ કરોડ યૂરો ટેક્સ હતો, જે ૨૦૧૫માં વધીને ૧૫.૧ કરોડ યૂરો (૧૧૮૨ કરોડ) થઇ ગયો હતો 

નિયમો અનુસાર ફ્રાન્સ સાથે સેટલમેન્ટ કર્યું છે  વિવાદ વચ્ચે રિલાયન્સ કોમ્યુનિકેશનની સ્પષ્ટતા 

અનિલ અંબાણીની કંપનીએ ટેક્સ માફીનો રિપોર્ટ સ્વીકાર્યો પણ રફાલ ડીલ સાથે કઇ લેવાદેવા ન હોવાનો દાવો 

નવી દિલ્હી, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

લોકસભાની ચૂંટણી શરુ થઇ ગઇ છે ત્યારે રફાલ વિવાદે ફરી હવા પકડી છે અને રિલાયન્સના અનિલ અંબાણીને લઇને વધુ એક ઘટસ્ફોટ થયો છે. ફ્રાન્સના એક અખબાર લા મોંડેની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફ્રાન્સમાં અનિલ અંબાણીનો ૧૧૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ માફ કરી દેવામાં આવ્યો છે. રફાલ વિમાન ખરીદવાની ભારતે જાહેરાત કરી તેના છ મહિનામાં જ ફ્રાન્સે અનિલ અંબાણીનો ૧૧૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ માફ કરી દીધો હતો.

 જેને પગલે હવે આ ડીલને લઇને ફરી અનેક સવાલો ઉપસ્થિત થયા છે. જોકે આ રિપોર્ટને લઇને જે વિવાદ સામે આવ્યો છે તે અંગે સ્પષ્ટતા કરતા રિલાયન્સ કોમ્યુનિકેશને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે જે ટેક્સ માફી મળી છે તેમાં કઇ જ ગેરકાયદે નથી અને ફ્રાન્સમાં સક્રિય દરેક કંપનીને પણ આ જ લાભ મળે છે. 

રિપોર્ટ અનુસાર ફ્રાન્સમાં રિલાયન્સ ફ્લેગ અહીં કેબલ નેટવર્કની માલિકી ધરાવે છે. ફ્રાન્સ અખબારના રિપોર્ટ અનુસાર અનિલ અંબાણીની કંપની રિલાયંસ એટલાંટિક ફ્લેગ ફ્રાંસ પર ૨૦૦૭થી ૨૦૧૦ સુધીમાં ૬૦ મિલિયન યૂરોનો ટેક્સ હતો, જે ૨૦૧૫માં વધીને ૧૫૧ મિલિયન યૂરો એટલે કે ૧૧૮૨ કરોડ રૃપિયા થઇ ગયો હતો. ફ્રાન્સે આ ટેક્સને એવા સમયે માફ કરી દીધો હતો કે જ્યારે ભારતે ફ્રાન્સ પાસેથી રફાલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી. રફાલ વિમાન ફ્રાન્સની કંપની અને અનિલ અંબાણીની કંપની તૈયાર કરી રહ્યા છે. જોકે વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે જ રફાલ સોદાને અંજામ આપ્યો હતો. 

અખબારના જણાવ્યા અનુસાર રફાલ સોદાની જાહેરાતના ૬ મહિના બાદ ફ્રાંસે ટેક્સ સેટલમેન્ટના ભાગરુપે અનિલ અંબાણી પાસેથી ૭.૩ બિલિયન યુરો એટલે કે આશરે ૫૬ કરોડ રૃપિયા લીધા હતા. ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે ૬૦ મિલિયન યૂરોના ટેક્સના બદલામાં અનિલ અંબાણીએ ૭.૬ મિલિયન યૂરો આપવાની ઓફર કરી હતી. જેને ફ્રાન્સના અધિકારીઓએ ઠુકરાવી દીધી હતી. આ જ દરમિયાન ૨૦૧૦થી ૨૦૧૨ની વચ્ચે ફ્રાન્સના ટેક્સ અધિકારીઓએ ફરી તપાસ કરી અને અનિલ અંબાણીની કંપની પાસેથી ૧૫૧ મિલિયન યૂરો ટેક્સની માગણી કરી હતી. જોકે અંતે અનિલ અંબાણીના ૧૧૦૦ કરોડ રૃપિયા માફ કરી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેક્સ માફી અને અનિલ અંબાણીની કંપની કે જે રફાલ સોદા સાથે સંકળાયેલી છે તેને કઇ લેવાદેવા નથી. 

નિયમો અનુસાર જ ટેક્સ માફીનો લાભ અપાયો છે : ફ્રાન્સની સ્પષ્ટતા 

અનિલ અંબાણીનો કરોડો રૃપિયાનો ટેક્સ માફ થઇ જતા વિવાદ સર્જાયો છે. જે વચ્ચે ફ્રાન્સે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ટેક્સ માફીનો લાભ અનિલ અંબાણીની કંપનીને મળ્યો છે. 

જોકે આ બધુ જ ફ્રાન્સના ટેક્સ વિભાગ અને અનિલ અંબાણીની કંપની વચ્ચે સેટલમેન્ટથી જ થયું છે તેમાં કોઇ જ રાજકીય દખલગીરી નથી કરવામાં આવી. ફ્રાન્સ એમ્બેસીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે આ ટેક્સ માફીમાં કોઇ પણ વ્યક્તિનું દબાણ નથી કે કોઇ રાજકીય દખલગીરી નથી કરવામાં આવી, નિયમો અનુસાર જ બધુ પાર પાડવામાં આવ્યું છે. 

મોદીજીની કૃપાથી જ અનિલ અંબાણીને કરોડોની લહાણી થઇ રહી છે : વિપક્ષ 

મોદીએ અનિલ અંબાણીના વચેટિયા બની ફ્રાન્સમાં ટેક્સ માફ કરાવ્યો : કોંગ્રેસ 

રિલાયન્સ સિવાય અન્ય કોઇ કંપનીનો ટેક્સ ફ્રાન્સે માફ નથી કર્યો, ચોકીદાર જ ચોર છે : સુરજેવાલ 

નવી દિલ્હી, તા. ૧૩

રફાલ ડીલના થોડા મહિના બાદ જ ફ્રાન્સે અનિલ અંબાણીની કંપનીનો ૧૧૦૦ કરોડ રૃપિયાનો ટેક્સ માફ કરી દીધો હોવાનો રિપોર્ટ સામે આવતા ફરી રફાલ સોદો વિવાદમાં આવ્યો છે. કોંગ્રેસે  હવે આરોપ લગાવ્યા છે કે મોદીએ પોતાના માનિતા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવા માટે જ રફાલ સોદા કર્યો છે. કોંગ્રેસે જણાવ્યું છે કે મોદીની કૃપાથી જ ફ્રાન્સે અનિલ અંબાણીના કરોડો રૃપિયાનો ટેક્સ માફ કરી દીધો છે. રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનિલ અંબાણીના વચેટીયા તરીકે કામ કરી રહ્યા છે.   અનિલ અંબાણીની કંપનીએ દાવો કર્યો હતો કે ફ્રાન્સમાં સક્રિય અન્ય કંપનીઓને પણ આ જ પ્રકારનો ટેક્સ માફીનો લાભ મળે છે. જેને પગલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે અનિલ અંબાણીની કંપની સિવાય અન્ય કઇ કઇ કંપનીઓને લાભ મળ્યો છે? સ્પષ્ટ છે કે મોદીકૃપાથી જ આ બધુ સેટલમેન્ટ થયું છે. આ રિપોર્ટ બાદ સ્પષ્ટ થઇ ગયુ છે કે ચોકીદાર જ ચોર છે. જેના પર પણ મોદીજીની કૃપા હોય તેને બધા જ લાભ મળે છે, મોદીજી હૈ તો મૂમકીન હૈ. અનિલ અંબાણીને જે ફાયદો પહોંચ્યો તે રફાલ ડીલમાં થયેલા ભ્રષ્ટાચારનો જ ભાગ છે અને તે હવે દરેક લોકોની સામે આવા લાગ્યું છે. 

અનિલ અંબાણીના મ્યુચ્યુઅલ ફંડમાં સોનિયા ગાંધીનું મૂડી રોકાણ

મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા માધવરાવ ભંડારીનો ઘટસ્ફોટ

(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.૧૩

એક તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ પ્રકરણની અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડ રૃપિયા આપવામાં આવ્યા હોવાનો આરોપ રોજેરોજ પ્રચાર રેલીમાં કરી રહ્યા છે ત્યાં જ રાહુલ ગાંધીના માતોશ્રી, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને યુવાઓના ચેઅરપર્સન સોનિયા ગાંધીએ અનિલ અંબાણીના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું એમણે નામાંકન સાથે રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં દેખાઇ આવતું હોવાનું સામે આવ્યું છે.

રિલાયન્સ હાઇબ્રીડ બોન્ડ-જી આ મ્યુચ્યુઅલ ફંડમાં બે વાર ૧૫,૦૩૨ યુનિટ ઇન્વેસ્ટ કરવામાં આવી હોવાનું દેખાઇ છે અને એની દરેકની કિંમત ૬,૫૫,૬૯૫ રૃપિયા છે. એફિડેવિટના સાતમા પાના ઉપર આ જાણકારી આપવામાં આવી છે. રાફેલ હવાઇ જહાજ ખરીદી  પ્રકરણમાં રાહુલ ગાંધી સતતથી જુઠ્ઠાણા આરોપ કરીને અનિલ અંબાણીની કંપનીની બદનામી કર્યા બાદ પણ સોનિયા ગાંધી આ  મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેંટ કાયમ રહેવું આ આશ્ચર્યની વાત હોવાનો ઘટસ્ફોટ મહારાષ્ટ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા માધવરાવ ભાંડારીએ આજે પત્રકાર પરિષદમાં કર્યો.

કોંગ્રેસનું અનિલ અંબાણી પ્રત્યેનું બેવડુ વલણ માત્ર સોનિયા ગાંધીએ કરેલા નાણા રોકાણ પૂરતું સીમિત નથી. સોનિયા ગાંધીની અધ્યક્ષતા હેઠળના યુપીએ સરકારના કાર્યકાળમાં અનિલ અંબાણીની કંપનીઓને એક લાખ કરોડ રૃપિયાના કોન્ટ્રાક્ટસ આપવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં દેખાઇ આવ્યું છે. મુંબઇ મેટ્રો, દિલ્હી મેટ્રો, રેલવે કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથિરિટી ઓફ ઇન્ડિયા વિગેરે કંપનીઓને આ કોન્ટ્રાક્ટસ વિક્રમી સમયમાં આપવામાં આવી હતી આ પ્રક્રિયામાં ઘણી વિસંગતાઓ હતી એવું પણ દેખાઇ આવ્યું અનિલ અંબાણીની કંપનીઓ ઉપર યુપીએ વહિવટમાં આટલી મહેરબાની કેમ કરવામાં આવી?  આનો જવાબ કોંગ્રેસે આપવો જરૃરી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VHyp8D
via Latest Gujarati News

Post a Comment

0 Comments