મુંબઇ તા.13 એપ્રિલ 2019, શનિવાર

ઉનાળો શરૂ થઇ જતાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન ફરી એકવાર દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી બચાવ કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયો હતો.

ખાસ કરીને મહારાષ્ટ્રના ટંચાઇગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લાં પાંચેક વર્ષથી આમિર ખાન વધુ સક્રિય છે. એણે સ્થાપેલા પાણી ફાઉન્ડેશને અત્યાર અગાઉ સોથી વધુ તાલુકામાં પાણી બચાવ કાર્યક્રમ દ્વારા ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું.

તાજેતરમાં એણે પત્ની કિરણ સાથે 45 મિનિટની એક વિડિયો ક્લીપ તૈયાર કરી હતી જેમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણીનો ઓછામાં ઓછો વપરાશ કરીને વધુમાં વધુ પાણી બચાવવાની વિવિધ વાતો દાખલા દલીલ સાથે રજૂ કરી હતી.

પોતાના હિટ ટીવીશો સત્યમેવ જયતેના ભાગ રૂપે આ વિડિયો ક્લીપ એક એપિસોડ તરીકે રજૂ કરી હતી. આ એપિસોડને એણે મરાઠી ભાષામાં તૂફાન આલાય (વાવાઝોડું આવ્યું છે) નામ આપ્યું હતું.

એમાં એણે પોતે શરૂ કરેલી સ્પર્ધાન પણ ઉલ્લેખ કર્યો હતો. જે ગામ વધુમાં વધુ પાણી બચાવે અને સંઘરે એને વિજેતા જાહેર કરીને ઇનામ રૂપે કપ આપવાની શરૂઆત પણ આમિરે કરી હતી. પાણી ફાઉન્ડેશન એક એનજીઓ છે જે આમિર અને એના સાથીદારો ચલાવી રહ્યા છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2If52ax
via Latest Gujarati News