વૈશ્વિક મંદીના એંધાણ છે ત્યારે ટ્રેડવોર બંધ કરો: IMF

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 13 એપ્રિલ, 2019, શનિવાર

ઈન્ટરનેશનલ મોનીટરી ફંડના જણાવ્યા મુજબ વૈશ્વિક અર્થતંત્ર ૨૦૧૯માં મંદી બતાવી રપહ્યું છે.  ત્યારે વિવિધ દેશોએ આપસમાં  ટ્રેડવોરની  નિતીથી દૂર રહેવું  જરૂરી છે.  દરમિયાન, વેનેન્ઝુએલાથી કયુબા તરફ ક્રૂડતેલ મોકલતી કંપનીઓ પર અમેરિકાની સરકારની તવાઈ શરૂ થયાના વાવડ મળ્યા છે.

વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં વેનેન્ઝુએલા લીબીયા  તથા ઈરાનનો પુરવઠો ઘટયો છે.  ઓપેકનો તથા રશિયાનો  પુરવઠો પણ ઘટયો છે.  હવે ઓપેકના દેશો તથા તેના સાથી દેશોની  મિટિંગ  વિશ્વ બજારમાં   જૂન મહિનામાં  મળવાની છે અને આ મિટિંગ બજારની લાંબાગાળાની ચાલ નક્કી કરશે એવું જાણકારોએ જણાવ્યું હતું. જાપાન અને અમેરિકા તથા નોર્થ કોરિયા  અને અમેરિકા વચ્ચેની  હવે પછી મળનારી  મિટિંગો પર પણ ખેલાડીઓની નજર રહી છે.

મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી.   રામનવમીના પગલે બંધ બજારે પણ ખાસ કામકાજો   ન હતા તથા હોલીડે મુડ જેવી સ્થિતિ રહી દરમિયાન વિશ્વ બજારમાં વિવિધ કરન્સીઓ સામે ડોલરની મજબૂતાઈ વચ્ચે વૈશ્વિક સ્તરે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.  તથા સોનામાં  ઉછાળે ફંડવાળા હળવા થતા રહ્યા હતા.  અમેરિકાના શેરબજારો ઉછળતાં રહેતાં  તેની અસર પણ સોનાના  ભાવ પર નરમાઈની દેખાઈ હતી. આના પગલે ઘરઆંગણે પણ સોના-ચાંદીના ભાવ નરમ બોલાયા હતા. 

 વિશ્વ બજારમાં  ડોલર ઉંચો જતાં  ઘરઆંગણે  મુંબઈ બજારમાં  આજે  કરન્સીમાં બંધ બજારે  ડોલરના  ભાવ રૂ.૬૯.૧૫ વાળા વધી રૂ.૬૯.૨૩થી ૬૯.૨૪ બોલાયા હતા. દરમિયાન વિશ્વ બજારમાં   સોનાના ભાવ ૧૨૯૩.૮૦ ડોલરવાળા ઔંશદીઠ ઘટી ૧૨૯૦.૪૦થી ૧૨૯૦.૫૦  ડોલર છેલ્લે રહ્યાના સમાચાર હતા.  સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ પણ ઔંશના ૧૫.૦૭  ડોલરવાળા ઘટી ૧૫ ડોલરની અંદર જતા રહી છેલ્લે ભાવ ૧૪.૯૭થી ૧૪.૯૮ ડોલર રહ્યાના વાવડ હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ ઝવેરી બજારમાં પણ આજે વેંચનારા  વધુ અને લેનારા ઓછા જેવી  સ્થિતિ દેેખાઈ હતી.

મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૩૧૬૮૩ વાળા રૂ.૩૧૬૬૫ બોલાતા હતા જ્યારે  ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૮૦૦ આસપાસ બોલાતા હતા.  જ્યારે  જીએસટી સાથેના ભાવપ ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન મુંબઈ બજારમાં આજે  ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર  ૯૯૯ના રૂ.૩૭૨૭૦ વાળા રૂ.૩૭૨૦૦થી  ૩૭૨૫૦ હતા જ્યારે જીએસટી સાથેના ભાવ રૂ.૩૮૪૦૦ બોલાતા હતા. વિશ ્વ બજારમાં  અન્ય કિંમતી ધાતુઓ પણ નરમ બોલાઈ રહી હતી. 

પ્લેટીનમના ભાવ ઔંશના  છેલ્લે ૯૦૦ ડોલરની અંદર ૮૯૧.૨૦થી ૮૯૧.૩૦ ડોલર હતા. જ્યારે પેલેડીયમના ભાવ છેલ્લે ૧૩૭૪.૩૦થી ૧૩૭૪.૪૦ ડોલર હતા.  ભારતમાં સોનાના વાયદાઓ નીચામાં ૩ મહિનાના તળિયે  બોલાયા હતા.  વૈશ્વિક સ્તરે જીએફએમએસના એનાલીસ્ટના જણાવ્યા મુજબ  વિશ્વના શેરબજારો  ઉંચા જઈ રહ્યા છે ત્યારે  સોનાના રોકાણકારો  શેરો તરફ જઈ રહ્યા છે. વૈશ્વિક શેરબજારો ઉછળતાં તેના પગલે  હવે વૈશ્વિક સ્તરે  આવતા સપ્તાહમાં  શેરોમાં  ઉછાળે નફારૂપી  વેચવાલી વધવાની ગણતરી બતાવી રહ્યા હતા.   

આમ થશે તો  આગળ ઉપર સોનામાં  ઘટાડે ફરી લેવાલી વધવાની શક્યતા બતાવાઈ રહી હતી. વિશ્વ બજારમાં તાજેતરમાં સોનાના ભાવ નીચામાં ૧૨૮૦થી ૧૨૮૧ ડોલર થયા હતા અને એ વખતે દસ સપ્તાહનું તળિયું  દેખાયું હતું.  નવા સપ્તાહમાં વિશ્વ બજારમાં સોનામાં નીચામાં ૧૨૮૮ ડોલરની સપાટી મહત્ત્વની મંનાઈ રહી છે. અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથના  આંકડા સારા આવ્યા  પછી  જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ પણ ઘટી પચાસ વર્ષના તળિયે ઉતર્યા છે અને તેના પગલે  વૈશ્વિક સ્તરે ડોલર મજબૂત બન્યો છે. હવે અમેરિકા તથા ચીન વચ્ચેની  વેપાર મંત્રણાઓ કેવી આગળ વધે છે તેના પર બજારના ખેલાડીઓની નજર હતી. 

દરમિયાન, ચીનથી બહાર આવી રહેલા આંકડાઓ મુજબ ત્યાંથી તાજેતરમાં નિકાસમાં વૃદ્ધી થઈ છે જ્યારે આયાતમાં  ઘટાડો નોંધાયો છે. આની અસર હવે વૈશ્વિક સ્તરે ઈન્ડસ્ટ્રીયલ ધાતુઓની બજાર પર દેખાવાની શક્યતા બતાવતા હતા.  ન્યુયોર્ક  કોપર વાયદો છેલ્લે બેથી અઢી ટકા ઉંચો  બોલાયો હતો.   લંડન બજારમાં  છેલ્લે કોપરના ભાવ ટનના ૩ મહિનાની  ડિલીવરીના  ૬૪૮૦થી ૬૪૮૫  ડોલર હતા.  આવતા સપ્તાહમાં  ભાવ ૬૫૦૦ ડોલર  ઉપર જવાની  ગણતરી ખેલાડીઓ  બતાવતા હતા. 

દરમિયાન, અમેરિકાના  શેરબજારો તાજેતરમાં  ટૂંકાગાળામાં  ૧૫થી ૧૬ ટકા વધી ગયા છે.   હવે નફારૂપી વેચવાલી શરૂ થવાની શક્યતા છે.  વિશ્વ બજારમાં  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૧.૬૬થી ઘટી છેલ્લે ૭૧.૫૫ ડોલર હતા ન્યુયોર્કના  ભાવ ૬૩.૫૫ વાળા૬૩.૮૯ ડોલર હતા.  બન્ને ભાવ વચ્ચેનો તફાવત ઘટયો છે. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Pa2ET5
via Latest Gujarati News

Post a Comment

0 Comments