
(પીટીઆઈ) ચેન્નઈ, તા.13 એપ્રિલ, 2019, શનિવાર
છેલ્લા ઘણા દિવસોથી આવક વેરા વિભાગ દક્ષિણ ભારત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં સતત રેડ પાડી રહ્યું છે જેના કારણે રાજકીય હડકંપ મચેલો છે. તાજેતરમાં આવક વેરા ખાતાએ તમિલનાડુની કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાંથી ૧૪.૫૪ કરોડ રુપિયા જપ્ત કર્યા છે.
આવક વેરા વિભાગના અધિકારીઓએ બેહિસાબી નાણાંની તપાસ માટે શુક્રવારે તમિલનાડુના અનેક વિસ્તારોમાં દરોડા પાડયા હતા. આ નાણાંનો ઉપયોગ ચૂંટણી દરમિયાન કથિતરુપે મતદારોને લોભાવવા માટે કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.
આવક વેરા વિભાગના અધિકારીઓએ જણાવ્ય મુજબ ચેન્નઈ, નામક્કલ અને તિરુનલવેલીની કુલ ૧૮ જેટલી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. એક કેસમાં આવક વેરા અધિકારીઓએ ઠેકેદાર કંપની પીએસકે એન્જિનિયરીંગ કન્સ્ટ્રક્શન કંપનીના પરિસરોમાં દરોડા પાડયા હતા. આ કંપની પર કથિતરુપે બેહિસાબી નાણું ધરાવતી હોવાનો આરોપ લાગેલો છે.
અધિકારીઓએ જણાવ્યા મુજબ કન્સ્ટ્રક્શન કંપનીના ચેન્નઈ ખાતે આવેલા ત્રણ અને નામક્કલ ખાતે આવેલા ચાર પરિસરો પર દરોડા પાડવામાં આવ્યા છે. અન્ય એક કેસમાં આવક વેરા વિભાગની તપાસ શાખાએ ચેન્નઈમાં નાણાંકીય લેવડ-દેવડનું કામ કરનારાઓ અને ફાઈનાન્સરોના એક સમૂહ પર છાપો માર્યો હતો.
આ સમૂહ ચૂંટણી દરમિયાન નાણાંના સંભવિત ઉપયોગ માટે તેનું હસ્તાંતરણ કરાવી આપતું હોવાની બાતમીને આધારે અધિકારીઓએ દરોડો પાડયો હતો. અધિકારીઓએ આકાશ ભાસ્કરન અને સુજાઈ રેડ્ડી નામના બે લોકોની માલિકીની જગ્યાઓએ તલાશી લેવાઈ રહી હોવાનું જણાવ્યું.
આવક વેરા વિભાગે કન્સ્ટ્રક્શન કંપનીના બેંક ખાતાઓ, લોકર સહિત અન્ય દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે અને સાથે જ બિલ્ડરના અન્ય ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ ચેન્નઈમાં ૧૦ સ્થળોએ અને તિરુનલવેલીમાં એક સ્થળે તલાશીનું કામ ચાલી રહ્યું હોવાનું જણાવ્યું. તમિલનાડુની ૩૯ બેઠકો અને પોંડિચેરીની એકમાત્ર લોકસભા બેઠક પર લોકસભા ચૂંટણીના બીજા તબક્કા અંતર્ગત ૧૮ એપ્રિલના રોજ મતદાન યોજાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UgrIbS
via Latest Gujarati News
0 Comments