ઉત્તર પ્રદેશમાં ફર્નિચરના શોરુમમાં ભીષણ આગ


શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાંચ કરોડનો સામાન બળીને રાખ

(પીટીઆઈ) બાંદા, તા.13 એપ્રિલ, 2019, શનિવાર

ઘણી વખત પ્રાણીઓ એવા કામ કરી આપે કે માણસ જિંદગીભર તેના અહેસાન નીચે દબાયેલો રહે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં આવેલી બહુમાળીય ઈમારતમાં આગ લાગતા પાલતું કૂતરાએ ભસીને લોકોને ચેતવણી આપી સુરક્ષિત બહાર નીકળવામાં મદદ કરી હતી. 

કૂતરાને માણસનો વફાદાર મિત્ર માનવામાં આવે છે અને આ કહેવત ફરી એક વખત ઉત્તર પ્રદેશમાં સાચી ઠેરવાઈ છે. ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં લખન કોલોની વિસ્તારમાં આવેલી એક બહુમાળીય ઈમારતના ફર્નિચર શોરુમમાં ગુરુવારે મધ્ય રાત્રિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

ખાનગી બહુમાળીય ઈમારતના બેઝમેન્ટ અને પહેલા માળે ફર્નિચરનો તથા બીજા માળે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો શોરુમ આવેલો છે જ્યારે ઉપરના બે માળ પરિવારના અંગત વપરાશ માટે હતા. રાત્રે ફર્નિચરના શોરુમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા પાલતું કૂતરાએ ભસીને ઘરના સૌ લોકોને ચેતવ્યા હતા અને સુરક્ષિત બહાર નીકળવામાં મદદ કરી હતી. 

પરંતુ આગના કારણે ગેસના સિલિન્ડરમાં વિસ્ફોટ થતા તે કૂતરાનું મૃત્યુ થયું હતું. શોરુમના માલિકના કૂતરાએ ભસીને ૩૦થી વધારે લોકોનો જીવ બચાવ્યો હતો પરંતુ તે બંધાયેલું હોવાના કારણે સિલિન્ડરમાં વિસ્ફોટ થતા મૃત્યુ પામ્યું હતું. સિલિન્ડરમાં વિસ્ફોટ થવાના કારણે આસપાસની ચાર ઈમારતોને પણ ભારે નુકસાન થયું છે.

આગના કારણે પાંચ કરોડ રુપિયાથી પણ વધારે મૂલ્યનો સામાન બળીને નાશ પામ્યો છે. હાલમાં ઘટના સ્થળેથી કાટમાળ ઉઠાવવાનું કામ ચાલી રહ્યું છે અને અગ્નિશામક વિભાગે ઈમારતના માલિક વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ફર્નિચરનો શોરુમ ચલાવવાની ફરિયાદ નોંધાવી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z779Cl
via Latest Gujarati News

Post a Comment

0 Comments