2014માં તેણે તમામ પક્ષોને ફક્ત 25.11 કરોડનું દાન આપ્યું હતું 

નવી દિલ્હી, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

તાતા જૂથે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. આટલું જ નહીં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી અત્યાર સુધી એટલે કે ૨૦૧૯ની ચૂંટણી સુધી ટાટા જૂથના ચૂંટણી દાનમાં ૨૦ ગણો વધારો થયો છે. 

તાતા જૂથે રાજકીય પક્ષોને દાન આપવા માટે પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટની રચના કરી છે. જૂથે સૌથી વધુ દાન ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ને આપ્યું છે. એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર ૨૦૧૯ની ચૂંટણીમાં તાતા જૂથે ૫૦૦થી ૬૦૦ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. 

વર્ષ ૨૦૧૪માં તેણે તમામ પક્ષોને ફક્ત ૨૫.૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ વર્ષે આપવામાં આવેલા ૫૦૦ થી ૬૦૦ કરોડ રૂપિયામાંથી ફક્ત ભાજપને જ ૩૦૦ થી ૩૫૦ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. જ્યારે કોંગ્રેસને ૫૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 

બાકીના ૧૫૦ થી ૨૦૦ કરોડ રૂપિયાની રકમમાંથી તૃણમુલ કોંગ્રેસ, સીપીઆઇ, સીપીઅઆઇએમ અને એનસીપી જેવી પાર્ટીઓને દાન આપવામાં આવ્યું છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે તે સંસદમાં પક્ષોના સાંસદોની સંખ્યાને આધારે દાન આપે છે. તેથી સૌથી વધુ સાંસદો ધરાવતા ભાજપને સૌથી વધુ દાન આપવામાં આવ્યું છે. ટાટા જૂથની તમામ કંપનીઓ પોતાના નાણા પ્રોગ્રેસિવ ઇલેક્ટોરલ ટ્રસ્ટમાં જમા કરાવે છે. ત્યારબાદ આ ટ્રસ્ટ રાજકીય પક્ષોને દાન આપે છે. 

વર્ષ ૨૦૧૪માં સોફ્ટવેર કંપની ટીસીએસ એટલે કે ટાટા કન્સલટન્સી સર્વિસીસે ૧.૪૮ કરોડ રૂપિયા આ ટ્રસ્ટમાં જમા કરાવ્યા હતાં. આ વખતે ટીસીસએસે ૨૨૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. આ ઉપરાંત ટાટા જૂથની અન્ય કંપનીઓ ટાટા સન્સ, ટાટા મોટર્સ, ટાટા પાવર અને ટાટા ગ્લોબલ બેવરેજ લિમિટેડે પણ આ ટ્રસ્ટમાં નાણા જમા કરાવ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GUoeIE
via Latest Gujarati News