મુંબઈ, તા. 18 મે, 2019, શનિવાર
માલસામાનની ખરીદી સામે ચૂકવણી કરવામાં ભારતીય ગ્રાહકો ડેબિટ કાર્ડનો વધુને વધુ ઉપયોગ કરતા થયા છે. રિઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, પોઈન્ટ ઓફ સેલ્સ ટર્મિલ્સ ખાતે ડેબિટ કાર્ડ સ્વાઈપ્સની માત્રા માર્ચ ૨૦૧૯માં વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધુ રહી હતી.
એટીએમમાંથી નાણાં કઢાવવાની માત્રા૧૫ ટકા વધી હતી. માર્ચમાં ડેબિટ કાર્ડસ સ્વાઈપ્સનો આંક ૪૦.૭૦ કરોડ રહ્યો હતો જ્યારે એટીએમમાંથી નાણાં કઢાવવાનો આંક ૮૯.૧૦ કરોડ રહ્યો હતો. માર્ચ ૨૦૧૯ અને ૨૦૧૬ની વચ્ચે માલસામાનની ખરીદી પેટે ડેબિટ કાર્ડના વપરાશમાં ૨૫૦ ટકાથી વધુનો વધારો થયો છે.
જ્યારે એટીએમમાંથી નાણાં કઢાવવાની માત્રા છેલ્લા કેટલાક વર્ષોથી ૮૦ કરોડ પર સ્થિર રહ્યો છે એમ રિઝર્વ બેન્કના આંકડા જણાવે છે.
નવેમ્બર ૨૦૧૬માં સરકાર દ્વારા નોટબંધી જાહેર કરાઈ હતી તે ગાળામાં ડેબિટ કાર્ડ મારફત પેમેન્ટસમાં નોંધપાત્ર વધારો થયો હતો. ડેબિટ કાર્ડ ઉપરાંત પોઈન્ટ ઓફ સેલ્સ વ્યવહારમાં ક્રેડિટ કાર્ડસ મારફત ચૂકવણીમાં ૨૨ ટકા વધારો થયો છે.
માર્ચ ૨૦૧૯માં ક્રેડિટ કાર્ડ મારફત ૧૬.૨૦ કરોડ પોઈન્ટ ઓફ સેલ્સ વ્યવહાર થયા હતા જે માર્ચ ૨૦૧૮માં ૧૨.૭૦ કરોડ રહ્યા હતા. સરકાર દ્વારા એટીએમની સંખ્યા વધારવાને બદલે તે ઘટાડાઈ રહી છે જ્યારે બીજી બાજુ પોઈન્ટ ઓફ સેલ્સ ટર્મિનલ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
એટીએમના વપરાશમાં વધારો નહીં થવાનું અન્ય એક કારણ માળખાકીય પડકાર પણ રહેલું છે. છેલ્લા કેટલાક વર્ષોથી એટીએમની સંખ્યા ૨.૨૦ લાખ જેટલી જ જોવા મળી રહી છે, જે ભારત જેવા વિશાળ દેશ માટે અપૂરતી સંખ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YDKJYf
via Latest Gujarati News
0 Comments