આયાત ડયૂટીને પગલે યુએઈ ખાતે ભારતની ગારમેન્ટસની નિકાસમાં ૩૩ ટકા જેટલો ઘટાડો

 મુંબઈ, તા. 18 મે, 2019, શનિવાર

નાણાં વર્ષ ૨૦૧૯માં યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) ખાતે ભારતની એપરલ અથવા ગારમેન્ટસની  નિકાસમાં ૩૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક ઉત્પાદકોને રાહત પૂરી પાડવા યુએઈ દ્વારા પાંચ ટકા આયાત ડયૂટી લાગુ કરાતા નિકાસમાં ઘટાડો જોવા મળ્યો છે. 

એપ્રિલ ૨૦૧૮થી ફેબુ્રઆરી ૨૦૧૯ દરમિયાન યુએઈ ખાતે ભારતની એપરલ અને ગારમેન્ટસની  નિકાસ ૩૩ ટકા ઘટીને ૧.૭૮ અબજ ડોલર રહી છે જે પાછલા વર્ષના આ ગાળામાં ૨.૬૬ અબજ ડોલર રહી હતી એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.

સામાન્ય રીતે ભારતના નિકાસકારો પાડોશી દેશો ખાતે વિતરણ માટે તથા રીપેકેજિંગ માટે યુએઈ ખાતે માલ મોકલે છે. મધ્ય પૂર્વના દેશો, યુરોપ તથા આફ્રિકા ખાતે માલ એપરલની નિકાસ માટે ભારત યુએઈને ગેટવે તરીકે ઉપયોગમાં લે છે. 

જો કે કેટલાક મહિના પહેલા યુએઈની સરકારે એપરલ સહિત મોટાભાગના વ્યાપારી માલસામાન પર ઈમ્પોર્ટ ટેકસ લાગુ કર્યો છે. બીજી બાજુ અમેરિકા તથા યુરોપ ખાતે એપરલની નિકાસમાં વધારો થયો હોવાનું પણ આંકડા પરથી જણાય છે. આને કારણે યુએઈ ખાતેનો ઘટાડો ભરપાઈ થઈ શકયો છે, એમ કોટન ટેકસટાઈલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૧૮-૧૯માં ભારતની એપરલ અથવા ગારમેન્ટની એકંદર નિકાસ ૧૬.૧૦ અબજ ડોલર રહી છે જે તેનાથી પાછલા વર્ષમાં ૧૬.૭૦ અબજ ડોલર રહી હતી.  જો કે છેલ્લા કેટલાક સમયથી આફ્રિકાના દેશો અને યુરોપ ખાતે ભારતની એપરલની સીધી નિકાસમાં પણ વધારો થઈ રહ્યો છે જે ભારત માટે સાનુકૂળ સ્થિતિ બની રહેશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hq1h0o
via Latest Gujarati News

Post a Comment

0 Comments