પાકિસ્તાન એપ્રિલમાં ચાર તબક્કા હેઠળ કુલ ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરશે


(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૫

પાકિસ્તાને આજે જાહેરાત કરી હતી કે તે એપ્રિલ મહિનામાં ચાર તબક્કામાં કુલ ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરશે. બંને દેશો વચ્ચે તંગદિલી પ્રવર્તી રહી છે કે ત્યારે શુભેચ્છા સંકેત સ્વરૃપે પાકિસ્તાને ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મોટે ભાગે માછીમારોનો સમાવેશ થાય છે. 

પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહંમદ ફૈસલે જણાવ્યું હતું કે ભારતીય કેદીઓને ચાર તબક્કામાં મુક્ત કરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ આઠ એપ્રિલે ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. બીજા તબક્કા હેઠળ ૧૫ એપ્રિલે બીજા ૧૦૦, ત્રીજા તબક્કા હેઠળ ૨૨ એપ્રિલે અન્ય ૧૦૦ તથા ચોથા અને છેલ્લા તબક્કા હેઠળ ૨૯ એપ્રિલે બાકીના ૬૦ કેદીઓને મુક્ત કરવામાં આવશે.

ફૈસલે પોતાના સાપ્તાહિક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે શુભેચ્છા સંકેત આપવા માટે ભારતીય કેદીઓને મુક્ત કરી રહ્યાં છીએ અને આશા રાખીએ છીએ કે ભારત પણ પાકિસ્તાની કેદીઓને મુક્ત કરશે. 

પ્રવક્તાના જણાવ્યા અનુસાર હાલમાં ૩૪૭ પાકિસ્તાની કેદીઓ ભારતીય જેલોમાં બંધ છે જ્યારે ૫૩૭ ભારતીય કેદીઓ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાન જે ૩૬૦ કેદીઓને મુક્ત કરશે તે પૈકી ૩૫૫ માછીમારો છે જ્યારે બાકીના પાંચ નાગરિકો છે. 

આ ક્ેદીઓને કરાચીથી લાહોર લાવવામાં આવશે અને વાઘા સરહદ પર ભારતીય અધિકારીઓને સોંપી દેવામાં આવશે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WJCTeI
via Latest Gujarati News

Post a Comment

0 Comments