વર્લ્ડકપની પ્રત્યેક મેચમાં ૩૨ કેમેરાનો ઉપયોગ : ૩૬૦ ડિગ્રીના રિપ્લે જોવા મળશે

લંડન, તા.૧૭

ઈંગ્લેન્ડમાં યોજાનારો આગામી વર્લ્ડકપ ટેક્નોલોજીની રીતે પણ ક્રિકેટ ચાહકો માટે ભારે રોમાંચક બની રહેશે. ક્રિકેટના મહાકુંભમાં હાઈસ્કોરિંગ મુકાબલા અને ક્રિકેટના દિગ્ગજ સુપરસ્ટાર્સની ટક્કર તો ભારે આકર્ષણ જમાવી જ રહી છે, તેની સાથે સાથે ચાહકોને મેદાન પરની એક-એક એકશન મળી રહે તે માટે આઇસીસીએ ખાસ તૈયારી કરી લીધી છે.

આગામી વર્લ્ડકપની પ્રત્યેત મેચોના કવરેજ માટે ઓછામાં ઓછા ૩૨ કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, જેના કારણે ક્રિકેટ ચાહકોના મેદાનની ચારેબાજુની એકશન જોવા મળશે. આ કેમેરામાં આઠ અલ્ટ્રા-મોશન હોક-આઇ કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સ્ટમ્પ કેમેરાનો ફ્રન્ટ અને રિવર્સ વ્યૂ તેમજ સ્પાઈડર કૅમ તો ખરો જ. 

વધુમાં આ વર્લ્ડકપમાં ઈતિહાસમાં પહેલી વખત ૩૬૦ ડિગ્રીના રિપ્લે જોવા મળશે. પિયેરો દ્વારા પુરા પાડવામાં આવનારી આ ટેક્નોલોજીમાં જુદા-જુદા કેમેરાએ કેદ કરેલી તસ્વીરોને એકબીજાની સાથે જોડીને દર્શકોની સામે રજુ કરવામાં આવશે. જેના કારણે વર્લ્ડકપના મેગા મુકાબલાની નિર્ણાયક પળોની અનોખી તસવીરો પણ દર્શકોને ટીવી પર માણવા મળશે. 

પ્લેયર ટ્રેકરની મદદથી ઘણા એનાલિટિકલ ડેટા જોવા મળશે. તેની સાથે સાથે કેટલાક વિઝ્યુઅલ ખુબ જ મોટા કરીને દર્શાવવામાં આવશે. બેટકેમના ડ્રોન કેમેરાથી સ્ટેડિયમનું વિહંગાવલોકન જોવા મળશે. જ્યારે બગ્ગી કૅમથી મેદાનની સપાટી પર ચાલતી ઘટનાઓ ક્રિકેટ રસિકોને નજરની સામે દેખાશે.

૨૪ કોમેન્ટેટરોની ટીમમાં ૪ ભારતીય

આઇસીસીએ જાહેર કરેલી ૨૪ કોમેન્ટેટરોની ટીમમાં ચાર ભારતીયનો સાવેશ કરવામાં આવ્યો છે. જોકે ભૂતપૂર્વ કેપ્ટન અને વર્ષોથી કોમેન્ટ્રી કરી રહેલા લેજન્ડરી સુપરસ્ટાર ગાવસ્કરની ગેરહાજરી આશ્ચર્યજનક બની રહી હતી. ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સાથે ભૂતપૂર્વ બેટ્સમેન સંજય માંજરેકર કોમેન્ટ્રી કરતાં જોવા મળશે. આ ઉપરાંત ભારતની ઈશા ગુહા તેમજ હર્ષા ભોગલે કોમેન્ટ્રી કરતાં જોવા મળશે.





from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jtb2wL
via Latest Gujarati News

Post a Comment

0 Comments