ફેડરર ખસી ગયો : સિત્સિપાસ સામેની ક્વાર્ટર ફાઈનલ પહેલા જ ઈજાગ્રસ્ત

રોમ, તા.૧૭

સ્વિત્ઝર્લેન્ડના લેજન્ડરી સુપરસ્ટાર ફેડરરે ઈજાના કારણે સિત્સિપાસ સામેની ઈટાલીયન ઓપનની ક્વાર્ટર ફાઈનલ પહેલા જ નામ પાછું ખેંચી લેતા ટેનિસના ચાહકો નિરાશ થયા હતા. વરસાદના વિધ્નને કારણે ઈટાલીયન ઓપનમાં એક આખો દિવસ ધોવાઈ જતાં ટોચના સ્ટાર્સને એક જ દિવસમાં બે-બે મેચો રમવાની આવી હતી. ફેડરરે પ્રથમ મેચમાં પોર્ટુગલના સોઉસાને ૬-૪, ૬-૩થી હારવ્યો હતો. જોકે ત્રીજા રાઉન્ડની મેચમાં તેણે ૨-૬, ૬-૪, ૭-૬ (૯-૭)ના જોરદાર સંઘર્ષ બાદ ક્રોેએશિયાના યુવા ખેલાડી બોર્ના કોરિકને મહાત કર્યો હતો. આ તનાવભર્યા મેરેથોન મુકાબલામાં ફેડરરને ઈજા થઈ હતી.

દરમિયાનમાં સિત્સિપાસે રમ્યા વિના જ સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે બીજા રાઉન્ડમા જ્યોર્જિયાના બાસિલાશ્વિલીને ૬-૧, ૬-૦થી હરાવ્યો હતો. જ્યારે ક્વાર્ટર ફાઈનલમાં તેણે તેના જ દેશના વર્ડાસ્કો સામે ૬-૪,૬-૦થી જીત હાંસલ કરી હતી. હવે સેમિ ફાઈનલમાં નડાલનો મુકાબલો સિત્સિપાસ સામે થશે. નડાલ અને સિત્સિપાસ મેડ્રિડ માસ્ટર્સની સેમિ ફાઈનલમાં ટકરાયા હતા, જેમાં સિત્સિપાસે ૬-૪, ૨-૬, ૬-૩થી નડાલને હરાવ્યો હતો. 

યોકોવિચે બીજારાઉન્ડની મેચમાં જર્મનીના કોલ્સ્ચેઈબેરને ૬-૩, ૬-૦થી હરાવ્યો હતો. હવે ક્વાર્ટર ફાઈનલમાં તેની ટક્કર આર્જેન્ટીનાના ડેલ પોટ્રો સામે થશે. પોટ્રોએ નોર્વેના કાસ્પેર રડને ૬-૪, ૬-૪થી મહાત કર્યો હતો.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNcQaA
via Latest Gujarati News

Post a Comment

0 Comments