(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 18 મે, 2019, શનિવાર
મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો આગળ વધ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ આગળ વધ્યાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવમાં મજબૂતાઈ આગળ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ કરન્સીઓની બાસ્કેટ સામે ડોલરનો ઈન્ડેકસ વધીને ચાલુ વર્ષની નવી ઉંચી સપાટીએ પહોંચ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ડોલર ઉંચો જતાં સોનામાં વૈશ્વિક સ્તરે ફંડોની વેચવાલી વધ્યાના સમાચાર મળ્યા હતા.
વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૨૮૫.૩૦ ડોલરવાળા વધુ ઘટી સપ્તાહના અંતે ૧૨૭૬.૫૦થી ૧૨૭૭ ડોલર આસપાસ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૧૪.૪૩ ડોલરવાળા છેલ્લે ૧૪.૩૯થી ૧૪.૪૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરીબજારોમાં ઘટતા ભાવોએ વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યાના નિર્દેશો હતા.
મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૯૪૧ વાળા રૂ.૩૧૮૦૦થી ૩૧૮૫૦ બોલાતા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૦૬૯ વાળા રૂ.૩૧૯૫૦થી ૩૨૦૦૦ બોલાતા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના કિલોના રૂ.૩૬૪૧૦ વાળા વધુ નીચા ઉતરી રૂ.૩૬૨૫૦થી ૩૬૩૦૦ બોલાતા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૫૦થી ૧૨૦૦ જેટલા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવ પણ દબાણ હેઠળ રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઘટી સપ્તાહના અંતે ૮૧૮.૮૦થી ૮૧૮.૯૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડિયમના ભાવ ઘટી છેલ્લે ૧૩૧૫.૧૦ ડોલર બોલાઈ રહ્યા હતા.
વિશ્વબજારમાં ડોલર વધતા ઘરઆંગણે આજે કરન્સી બજારમાં રૂપિયો નબળો પડયો હતો અને ડોલરના ભાવ ઉંચા ગયા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૭૦.૨૨થી ૭૦.૨૩ વાળા વધી રૂ.૭૦.૩૭થી ૭૦.૩૮ બોલાઈ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉંચેથી નીચા આવતાં તેની અસર પણ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પર દેખાઈ છે. ક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં બેરલદીઠ બ્રેન્ટક્રુડના ૭૨.૮૦થી ૭૨.૯૦ ડોલરવાળા ઘટી સપ્તાહના અંતે ૭૨.૨૦થી ૭૨.૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ૬૩.૩૦થી ૬૩.૪૦ ડોલરવાળા ઘટી છેલ્લે ૬૨.૭૦થી ૬૨.૮૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
વિશ્વબજારમાં ડોલર ઉંચો જતાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સમાં પણ ખાસ્સી પીછેહટ જોવા મળી છે. ન્યુયોર્ક કોપર વાયદાના ભાવ સપ્તાહના અંતે ૦.૩૫ ટકા માઈનસમાં રહ્યા હતા. લંડન એક્સચેન્જમાં કોપરના ભાવ છેલ્લે ટનના ત્રણ મહિનાના વાયદાના ૬૦૫૦થી ૬૦૬૦ ડોલર બોલાઈ રહ્યા હતા. એલ્યુમિનિયમના ભાવ છેલ્લે ત્યાં ૧૮૩૭ ડોલર, જસતના ૨૬૦૦ ડોલર તથા ટીનના ભાવ ૧૯૫૦૦ ડોલર રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YFSJIz
via Latest Gujarati News
0 Comments