
નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
તમિલનાડુ અને કેરળમાં આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંડોવાયેલા ૨૬ શકમંદો IBની રડારમાં છે. ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ જણાવ્યું હતું કે ૨૫-૨૬ શકમંદ પ્રચારકો ઉશ્કેરણીજનક ભાષણો આપતા હોવાની શક્યતા હોવાથી એજન્સીએ વોચ ગોઠવી છે.
શ્રીલંકામાં આઈએસ પ્રેરિત આતંકવાદી હુમલો થયો તે પછી દક્ષિણના રાજ્યોમાં ભારતીય સુરક્ષાતંત્રએ ચાંપતી નજર ગોઠવી છે. શ્રીલંકામાં આતંકવાદી હુમલો કરનારા આતંકીઓ તમિલનાડુ, કેરળ જેવા રાજ્યોના આઈએસના અંડરકવર આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતા એવા અહેવાલો શ્રીલંકન સુરક્ષાતંત્રએ આપ્યા હતા. એ પછી સુરક્ષા વધારીને ઈન્ટેલિજન્સ બ્યુરોએ વોચ ગોઠવી છે.
ભારતીય ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીએ કહ્યું હતું કે તેમના અહેવાલમાં જણાયું છે એ પ્રમાણે તમિલનાડુ અને કેરળમાં ઈસ્લામિક સ્ટેટના ૨૫-૨૬ પ્રચારકો ઉશ્કેરણીજનક ભાષણો આપીને મુસ્લિમ યુવાનોનું બ્રેઈન વોશિંગ કરે છે. આ તમામ શકમંદ પ્રચારકોને રડારમાં રાખવામાં આવ્યા છે. ધર્મના નામે યુવાનોના માનસમાં ઝેર ઘોળતા આ શકમંદો વિરૃદ્ધ પુરાવા એકઠાં કરવાનું કામ અધિકારીઓએ હાથમાં લીધું છે.
આઈબીના અધિકારીએ અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે અત્યારે આતંકવાદી વિરોધી કાયદો લગાડીને કાર્યવાહી કરવામાં આવી નથી, પણ આ તમામ શકમંદો ઉપર પૂરેપૂરી નજર રાખવામાં આવી રહી છે. જેવી તક મળશે કે તમામને દબોચી લેવાશે અને તેની પૂછપરછ હાથ ધરાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Lw3co2
via Latest Gujarati News
0 Comments