ટ્રમ્પ જાપાનના ઓસાકામાં જી-20 શિખર મંત્રણા દરમિયાન મોદી, જિનપિંગને મળશે


(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 25 જૂન, 2019, મંગળવાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનમાં ચાલુ સપ્તાહમાં થનારી જી-20 શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ સહિત વિશ્વના અનેક નેતાઓને મળશે અને આ દરમિયાન વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. 

જાપાનના ઓસાકામાં 28 અને 29 જૂને યોજાનારી જી-20 બેઠકમાં ભાગ લેવા માટે ટ્રમ્પ 27 જૂને જાપાન રવાના થશે. ટ્રમ્પ વહીવટી તંત્રના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમારો અંદાજ છે કે તે વિશ્વના અનેક નેતાઓ સાથે અનેક બેઠકો કરશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ ઓસાકામાં ચીનના પ્રમુખ જિનપિંગ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતીન, સાઉદીના પ્રિન્સ મોહંમદ બિન સલમાન, જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબ, તુર્કીના પ્રમુખ અર્દોગન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને મળશે.

ભારતમાં તાજેતરમાં થયેલ લોકસભા ચૂંટણી પછી ટ્રમ્પ અને મોદી વચ્ચેની આ પ્રથમ બેઠક હશે. ટ્રમ્પે લોકસભા ચૂંટણી જીતવા બદલ વડાપ્રધાન મોદીને ફોન પર અભિનંદન પાઠવ્યા હતાં. 

ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ભારતની સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર આયાત ડયુટી વધારતા ભારતે 16 જૂને અમેરિકાની બદામ અને અખરોટ સહિતની 28 વસ્તુઓ પર આયાત ડયુટી વધારી હતી.  બીજી તરફ ટ્રમ્પે એક જૂને ભારતનો જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(જીએસપી) પરત ખેંચી લીધો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X5Eg7f
via Latest Gujarati News

Post a Comment

0 Comments