
ઇરાને હુમલામાં સંડોવણીનો ઇનકાર કરીને અમેરિકાના દાવાને નિરાધાર ગણાવ્યો
દુબઇ, તા. 14 જૂન, 2019, શુક્રવાર
અમેરિકન સેનાએ શુક્રવારે એક વીડિયો જારી કરી દાવો કર્યો છે કે ઇરાનના રેવોલ્યુશન ગાર્ડે હોરમુઝ જળસંધિની પાસે નિશાન બનાવવામાં આવેલા એક ઓઇલ ટેન્કરમાંથી જીવિત બોંબ હટાવ્યા હતાં. અમેરિકાએ આ વીડિયો જારી કરી દાવો કર્યો છે કે ઇરાને ઓઇલ ટેન્કરમાંથી બોંબ હટાવીને પોતાની સંડોવણીના પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે.
અમેરિકન નેવી ઇરાનના દરિયાકાંઠે ઓમાન ખાડીમાં હુમલાના શિકાર બનેલા જહાજોની મદદ માટે ગઇ હતી. જો કે અત્યાર સુધી ટેન્કરોના સંચાલકોએ અત્યાર સુધી એ સ્પષ્ટ કર્યુ નથી કે નોર્વેની માલિકી ધરાવતા એમટી ફ્રન્ટ અલ્ટાયર અને જાપાનની મિલકતવાળા કોકુકા કરેજિયસ ઓઇલ ટેન્કરોને કોને અને કેટલા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું.
આ જહાજમાં પેટ્રોલિયમ પદાર્થ ભરેલો હતો અને ફ્રન્ટ અલ્ટાયરમાં કલાકો સુધી આગ લાગેલી રહી અને કાળો ધુમાડો ઉડતો રહ્યો હતો. ઇરાને આ હુમલામાં સંડોવણીનો ઇનકાર કર્યો છે અને તેને અમેરિકાના ઇરાન વિરોેધી અભિયાનનો નિરાધાર દાવો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઇરાન ૧૯૮૭ અને ૧૯૮૮માં ટેન્કર યુદ્ધ દરમિયાન ઓઇલ ટેન્કરોની વિરુદ્ધ બોંબનો ઉપયોગ કરી ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે તે સમયે પણ અમેરિકા આ ક્ષેત્રમાંથી પસાર થતા ઓઇલ ટેન્કરની રક્ષા કરતું હતું. અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને જણાવ્યું છે કે ઓઇલ ટેન્કરોમાં જીવિત બોંબ હતા અને ઇરાનની સેનાએ હટાવ્યા હતાં.
ઓઇલ ટેન્કર પર હુમલા પછી તંગદિલી વધતા ક્રૂડમાં ઉછાળો
ઓમાન ખાડીમાં એક મહિના પછી બીજી વખત ઓઇલ ટેન્કરો પર હુમલો થતા ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યાં છે. અમેરિકાએ ઇરાન પર આ હુમલાની સંડોવણીનો આરોપ મૂકાત બંને દેશો વચ્ચે ફરી તંગદિલી વધી ગઇ છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ચેતવણી આપી છે કે તે ખાડીમાં પોતાના અને સહયોગી દેશોના હિતની રક્ષા કરશે. ઓમાન ખાડીમાં ઓઇલ ટેન્કર પર હુમલો થયા પછી યુએનએ સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WIdoio
via Latest Gujarati News
0 Comments