આતંકવાદને પોષતા દેશો સામે કડક પગલાં જરૂરી : SCOમાં મોદીનું સંબોધન


બિશ્કેક, તા. 14 જૂન, 2019, શુક્રવાર

કિર્ગિસ્તાનમાં યોજાયેલા શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સંમેલનમાં તમામ દેશોએ આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદને પોષતા દેશો સામે કડક પગલાં ભરવા ઉપર વિશેષ ભાર આપ્યો હતો.

કિર્ગિસ્તાનમાં શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનનું સંમેલન યોજાયું હતું. તેમાં સંબોધન કરતા નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આતંકવાદને પોષતા દેશો સામે કડક પગલાં ભરવા જરૂરી છે. આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા દેશને તમામ દેશોએ મળીને જવાબદાર ગણવાની સાથે સાથે તેની વિરૂદ્ધ કડક પગલાં ભરવા જોઈએ.

નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ પુતિન, ચીની પ્રમુખ જિનપિંગ, ઈરાનના પ્રમુખ હસન રૂહાની, અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગની, કિર્ગિસ્તાનના પ્રમુખ સૂરોનબે જીનબેકોવ અને પાક. પ્રમુખ ઈમરાન ખાનની હાજરીમાં આતંકવાદ સામે લડત લડવાની ચર્ચા કરવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. 

શ્રીલંકામાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને મોદીએ તેમના સંબોધનમાં કહ્યું હતું, 'શ્રીલંકાના મુલાકાત દરમિયાન મેં એ ચર્ચની મુલાકાત કરી હતી. ત્યાં મને આતંકવાદનો નિષ્ઠુર ચહેરો જોવા મળ્યો હતો. એ હુમલામાં ભારતીય નાગરિકો સહિત અસંખ્ય લોકોએ ગુમ ગુમાવ્યો હતો. આતંકવાદને ફંડ આપનારા સામે પગલાં ભર્યા વગર આ સિલસિલો અટકશે નહીં'.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બધા દેશોએ પોતાના સંકુચિત દાયરામાંથી બહાર આવીને આતંકવાદ બાબતે એકમત થવાની ખાસ જરૂર છે. એસસીઓના ઘોષણાપત્રમાં આતંકવાદનો મુદ્દો સ્થાન પામ્યો હતો. તમામ દેશોએ આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવ્યો હતો અને તેની સામે સંયુક્ત રીતે લડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. સંમેલનમાં એક સંયુક્ત ઘોષણાપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. તમામ દેશોએ સંયુક્ત રિવોલ્યુશન પસાર કરવાની સહમતી દર્શાવી હતી.

મોદી-ઈમરાન વચ્ચે SCOમાં માત્ર હાય-હેલ્લો, કોઈ બેઠક નહીં

બધા નેતાઓ ઊભા રહીને એક બીજાનું અભિવાદન કરતા હતા, ઈમરાન એકલા બેઠા હતા : સોશિયલ મીડિયામાં તસવીરો ટ્રોલ

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન SCOમાં એકલા પડી ગયા હતા. બધા નેતાઓ ઊભા રહીને એક-બીજાનું અભિવાદન કરતા હતા ત્યારે ઈમરાન ખાનને ખબર જ નહોતી કે ઊભા રહેવું કે બેસી જવું? આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાક. પીએમ ઈમરાન વચ્ચે SCOમાં માત્ર હાય-હેલ્લોથી વિશેષ કોઈ વાતચીત થઈ ન હતી. મોદી-ઈમરાન વચ્ચે કોઈ જ બીજી ચર્ચા થઈ ન હતી કે કોઈ બેઠક યોજાઈ હતી. બંનેએ માત્ર એક-બીજાનું અભિવાદન કરીને ફોર્માલિટી પૂરી કરી હતી.

બીજી તરફ ઈમરાન ખાનના વર્તનની સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઈ હતી. અન્ય નેતાઓ આવતા હતા અને હાજર નેતાઓ ઉભા રહીને એક-બીજાને આવકાર આપતા હતા ત્યારે એકમાત્ર ઈમરાન ખાન ખુરશી ઉપર બેઠા હતા. તે પછી વળી થોડીવાર ઉભા થયા અને વળી શું કરવું શું ન કરવું એ ન સમજાતા ફરી વખત બેસી ગયા હતા. આ વિડિયો અને તસવીરો શેર કરીને લોકોએ સોશિયલ મીડિયામાં ઈમરાનને ટ્રોલ કરીને વિવિધ કમેન્ટ્સ લખી હતી. ઈમરાન ખાને પ્રોટોકોલનો ભંગ કર્યો હોવાથી લોકોએ લખ્યું હતું કે પાકિસ્તાનના વડાપ્રધાનને સંમેલનમાં કેવી રીતે રહેવાનું હોય છે તેની પણ સમજ નથી તો દેશનો વિકાસ થાય એવી અપેક્ષા તો ક્યાંથી રાખી શકાય. ટીકામાં પાક. નાગરિકો પણ જોડાયા હતા.

કિર્ગિસ્તાન-ભારત વચ્ચે વિવિધ 15 કરારો, મોદીએ 20 કરોડ ડોલરની ક્રેડિટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કિર્ગિસ્તાનના પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થયો હતો. એ પછી બંને દેશો વચ્ચે હેલ્થ, ડિફેન્સ, ટેકનોલોજી, કોમ્યુનિકેશન સહિતના ક્ષેત્રોના ૧૫ કરારો થયા હતા. બંને દેશો વચ્ચે સંબંધો વધુ મજબૂત બને તે માટે વિવિધ મુદ્દે સહમતી થઈ હતી. મોદીએ કિર્ગિસ્તાનને ૨૦ કરોડ ડોલરની લાઈન ઓફ ક્રેડિટ આપવાની જાહેરાત પણ કરી હતી. નવા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધે તે માટે આગામી સમયમાં કામગીરી થશે એવો નિર્ધાર બંને નેતાઓએ વ્યક્ત કર્યો હતો. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MOhIIE
via Latest Gujarati News

Post a Comment

0 Comments