
આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર અને પૂર્વ ભારતમાં ગરમીથી કોઇ રાહત મળશે નહીં : હવામાન વિભાગ
(પીટીઆઇ) લખનઉ, તા. 14 જૂન, 2019, શુક્રવાર
ઉત્તર પ્રદેશમાં ધૂળની આંધી અને મૂશળધાર વરસાદ આધારિત ઘટનાઓમાં ૧૩ લોકોનાં મોત થયા છે તેમ રાજ્યના રાહત કમિશનરે જણાવ્યું છે. ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં સૌથી વધુ ચાર લોકોના મોત થયા છે. દેઓરિયામાં ત્રણ અને બલ્લિયમાં બે લોકોના મોત થયા છે તેમ રિલીફ કમિશનર જી એસ પ્રિયદર્શીએ જણાવ્યું છે.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર એક વ્યકિત ઘાયલ થઇ છે જ્યારે ૨૨ પશુઓ પણ માર્યા ગયા છે. સમગ્ર રાજ્યમાં કુલ ૯૩ મકાનોને નુકસાન થયું છે. આ ઉપરાંત અયોધ્યા, લખમીપુર ખીરી, કુશીનગર અને સોનભદ્રમાં એક એક વ્યકિતનું મોત થયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ૧૩ લોકોના મોત બદલ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર અને રવિવારે પણ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ સાત જૂને આવેલ ધૂળની આંધીને કારણે ૨૬ લોકોનાં મોત થયા હતાં. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં વીજળી પડવાથી ૧૭૦ ઘેટા અને બકરીઓના મોત થયા છે.
આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર અને પૂર્વ ભારતમાં ગરમીથી કોઇ રાહત મળશે નહીં. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે પારો ૪૫ ડિગ્રીને પાર કરી ગયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MMqtmn
via Latest Gujarati News
0 Comments