
નવીદિલ્હી, તા. 14 જૂન, 2019, શુક્રવાર
પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘનો રાજ્યસભાના સાંસદ તરીકેનો કાર્યકાળ આજે પૂરો થઇ ગયો છે. તેઓ આસામથી સતત પાંચમી વાર રાજ્યસભામાના સાંસદ બન્યા હતા. ૧૫ જુન, ૨૦૧૩ થી છ વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ એમની સંસદીય કારકિર્દી પર હાલ પૂરતી બ્રેક વાગી ગઇ છે.
આસામમાં પૂરતાં સાંસદો નહિહોવાથી કોંગ્રેસ ડો. સિંઘને રાજ્યસભામાં ફરી મોકલી શકેનહી. આસામમાં ખાલી થયેલી રાજ્યસભાની બે બેઠકો માટે આ વર્ષે મે મહિનાથી ચૂંટણી યોજાઇ હતી, જેમાં સત્તાધારી ભાજપની આગેવાની હેઠળ એનડીએના ઉમેદવાર જીત્યા છે. બીજી બેઠક પર ભાજપના સહયોગી પક્ષ આસામ ગણ પરિષદને ફાળેગઇ છે. આ બેઠકોમાં ડો. સિંઘની બેઠકનો પણ સમાવેશ થાય છે.
કોંગ્રેસી સૂત્રોના મતાનુસાર ડો. મનમોહન સિંઘની સંસદીય કારકિર્દી પૂરી થઇ ગઇ હોવાનું માની લેવું જોઇએ નહિં. આગામી મહિનાઓમાં રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે પક્ષ એમને કોઇ અન્ય રાજ્યના ઉમેદવારરૂપે પણ ઉપલા ગૃહમાં મોકલી શકે છે, જયાં કોંગ્રેસી સાંસદોની પૂરતી સંખ્યા હોય. જો કે એ માટે ડો. સિંઘે હમણાં રાહ જોવી પડશે. ડો. સિંઘનો સંસદીય કાર્યકાળ એવા સમયે પૂરો થઇ રહ્યો છે કે જ્યારે તા.૧૭ જુનથી સંસદનું બજેટ સત્ર શરૂ થઇ રહ્યું છે. આ પરિસ્થિતિમાં ડો. મનમોહન સિંઘ સંસદને સંબોધન કરી શકશે નહિં.
ક્યારે મળી શકે તક?
ડો. મનમોહન સિંઘના નિવેદનોને મીડિયા આજે પણ ગંભીર ગણે છે. એમનું સંસદીય વક્તવ્ય પણ પક્ષ માટે મહત્વપૂર્ણ હોય છે. સૂત્રોના મતાનુસાર કોંગ્રેસ એમને ઉપલા ગૃહમાં આગળ મોકલવાની તૈયારીમાં છે, પરંતુ એ માટે ડો. સિંઘે એપ્રિલ-૨૦૨૦ સુધી રાહ જોવી પડશે, જયારે હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ, ઝારખંડ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની રાજ્યસભાની લગભગ પંચાવન બેઠકો ખાલી થશે.
રાજસ્થાનમાં પક્ષ સત્તા પર છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ એમને ૨૦૨૦ માં રાજસ્થાન અથવા અન્ય કોઇ રાજ્યમાંથી ઉપલા ગૃહમાં મોકલવાની કોશિશ કરશે જયાંજીતવાની પાકી શક્યતા હોય. એમ પણ કહી શકાય કે એપ્રિલ ૨૦૨૦ પહેલાં તમિલનાડું વગેરે રાજ્યોમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન અન્ય પક્ષો પણ ડો. મનમોહનસિંઘ પ્રત્યેના સન્માનથી પ્રેરિત થઇને કોંગ્રેસને એક બેઠક આપી શકે છે.
જ્ઞાાતવ્ય છે કે ડો. સિંઘ પહેલવહેલી વાર ૧૯૯૧ માં આસામમાંથી ચૂંટાઇને રાજ્યસભામાં પહોંચ્યા હતા. એ પછી તેઓ સતત ૧૯૯૫, ૨૦૦૧, ૨૦૦૭ માં આસામમાંથી જ ઉપલા ગૃહમા બેસતાં રહ્યા હતા. જો કે ૧૯૯૯ માં તેઓ દક્ષિણ દિલ્હીમાંથી લોકસભાની ચૂંટણી પણ લડયા હતાં, જયાં ભાજપના નેતા વિજયકુમાર મલ્હોત્રાના હાથે પરાસ્ત થયા હતા. ૨૦૧૩ માં જ્યારે આસામમાં કોંગ્રેસની તરૂણ ગોગોઇ સરકાર બની ત્યારે ડો. સિંઘને સતત પાંચમી વાર રાજ્યસભાના સાંસદ બનવાનો મોકો મળ્યો હતો. ડો. સિંઘ અને એમનાં પત્ની ગુરૂશરણ કૌરનું નામ આસામની રાજધાની દિસપુરની મતદાર યાદીમાં છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ih2BDh
via Latest Gujarati News
0 Comments