
59 વર્ષીય અરવિંદકુમાર 1984ની બેન્ચના આસામ-મેઘાલય કેડરના આઇપીએસ અધિકારી, કાશ્મીર અને નક્સલ મુદ્દાના નિષ્ણાંત
1984 બેન્ચના પંજાબ કેડરના આઇપીએસ અધિકારી સામંતકુમાર ગોયેલ હાલમાં રોમાં સ્પેશિયલ સેક્રેટરી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 26 જૂન, 2019, બુધવાર
વરિષ્ઠ આઇપીએસ અધિકારી અરવિંદકુમારને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના વડા અને સામંતકુમાર ગોયેલને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(રો)ના વડા બનાવવામાં આવ્યા છે.
પર્સોનેલ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી કેબિનેટની નિમણૂક સમિતિએ બંને અધિકારીઓની બે વર્ષ માટે નિમણૂક કરી છે.
અરવિંદકુમાર રાજીવ જૈનનું સ્થાન લેશે. રાજીવ જૈનનું આઇબીના વડા તરીકેનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થઇ રહ્યો છે. ગોયેલ અનિલ કે ધસ્માનાનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ પણ 30 જૂને પૂર્ણ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે જૈન અને ધસ્માનાને 2016માં અનુક્રમે આઇબી અને રોના વડા બનાવવામાં આવ્યા હતાં. બંનેને ગયા વર્ષે ડિસેમ્બરમાં છ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યું હતું.
59 વર્ષીય અરવિંદકુમાર 1984ની બેન્ચના આસામ-મેઘાલય કેડરના આઇપીએસ અધિકારી છે અને તેઓ હાલમાં આઇબીમાં સ્પેશિયલ ડાયરેક્ટર છે. તેઓ 1991થી આઇબી સાથે સંકળાયેલા છે. તેઓ મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં ફરજ બજાવી ચૂક્યા છે.
અરવિંદકુમારને કાશ્મીર અને નકસલ મુદ્દાઓના પણ નિષ્ણાત ગણવામાં આવે છે. તેઓ આઇબીમાં જૈન પછીના સૌથી વરિષ્ઠ અધિકારી હતાં. તેઓ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ મેડલ મળ્યું છે.
1984 બેન્ચના પંજાબ કેડરના આઇપીએસ અધિકારી સામંતકુમાર ગોયેલ હાલમાં રોમાં સ્પેશિયલ સેક્રેટરી છે. જમ્મુ-કાશ્મીરમાં પુલવામા હુમલા પછી ગોયેલે જ બાલાકોટ એર સ્ટ્રાઇકનું આયોજન કર્યુ હતું.
ગોયેલ ઇન્ટેલિજન્સ અને ઓપરેશનમાં બહોળો અનુભવ ધરાવે છે. 2000 અને 2001માં પંજાબના મુખ્યપ્રધાનની સુરક્ષાની જવાબદારી તેમની પાસે હતી. તેઓ માર્ચ, 2001માં રોમાં જોડાયા હતાં. તેમને પણ પોલીસ મેડલ મળી ચૂક્યું છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XatPVc
via Latest Gujarati News
0 Comments