જગતના સૌથી શક્તિશાળી રોકેટ 'ફાલ્કન હેવી'એ 24 ઉપગ્રહ લૉન્ચ કર્યાં


બે સાઈડ બૂસ્ટર સલામત રીતે જમીન પર આવ્યાં

કેપ કેનેવરેલ, તા. 26 જૂન, 2019, બુધવાર

દુનિયાના સૌથી શક્તિશાળી રોકેટ ફાલ્કન હેવીએ આજે એક સાથે 24 ઉપગ્રહો ભ્રમકક્ષામાં તરતાં મુક્યા હતા. અમેરિકી કંપની સ્પેસ-એક્સ દ્વારા તૈયાર કરાયેલા આ રોકેટ માટે આ સૌથી અઘરું લૉન્ચિંગ હતું. 2018માં જ તૈયાર થયેલું આ રોકેટ ભવિષ્યમાં મંગળયાત્રા માટે વાપરવાનું આયોજન છે.

સ્પેસ એક્સના માલિક ઈલોન મસ્કે આ રોકેટ એટલા માટે જ તૈયાર કર્યું છે. અમેરિકાના પૂર્વ કાંઠા આવેલા કેપ કેનેવરેલ ખાતેના સ્પેસ સ્ટેશનેથી રાતે અઢી વાગ્યે રોકેટ રવાના થયું હતું. જોકે એ નક્કી થયેલા સમય કરતાં 3 કલાક મોડું રવાના થયું હતુ.

આ રોકેટ સાથે કુલ 24 ઉપગ્રહો ગોઠવાયેલા હતા. મોટા ભાગના ઉપગ્રહો નાસાએ બનાવેલા હતા. કેટલાક અમેરિકાની યુનિવર્સિટીઓએ પણ તૈયાર કર્યા હતા. બધા જ ઉપગ્રહો પ્રમાણમાં નાના હતા. અમેરિકાની ખાનગી કંપની સ્પેસ-એક્સ દ્વારા બનાવાયેલા આ 14.20 લાખ કિલોગ્રામ કરતા વધુ વજન ધરાવતા રોકેટનું પહેલું મહત્ત્વપૂર્ણ લૉન્ચિંગ હતુ.

સાથે સાથે રાતે લૉન્ચિંગ થયું હોય એવુ પણ સ્પેસ એક્સના કિસ્સામાં પહેલી વાર બન્યું હતુ. જોકે લૉન્ચિંગ સંપૂર્ણ સફળ કહી ન શકાય. કેમ કે રોકેટ પરત આવે ત્યારે તેનું સેન્ટર કોર બૂસ્ટર સલામત રીતે ઉતરાણ પામી શક્યું ન હતું. આ બૂસ્ટર સલામત રીતે જમીન પર ઉતરવાનું હતું. તેના બદલે એ એટલાન્ટિક મહાસાગરમાં તૂટી પડયું હતું.

લૉન્ચિંગ પહેલા જ અમેરિકી વિજ્ઞાાની, ઉદ્યોગપતિ અને સ્પેસ-એક્સના માલિક ઈલોન મસ્કે આ મિશન અઘરું હોવા અંગે ટ્વિટ કરી હતી. એ વાત સાચી પડી હતી. પરંતુ 24 ઉપગ્રહોને એક સાથે એક જ વખતમાં લૉન્ચ કર્યાં એ રોકેટ માટે મોટી સિદ્ધિ ગણી શકાય.

જોકે બીજી તરફ 3 બૂસ્ટરમાંથી બે સાઈડ બૂસ્ટર સલામત રીતે પૃથ્વી પર ઉતર્યાં હતા. આ બૂસ્ટર સલામત રીતે ઉતરે તો ફરીથી લૉન્ચિંગ વખતે તેને વાપરી શકાય. માટે ત્રણેય બૂસ્ટર જમીન પર સાજા-સમા આવે એવો પ્લાન હતો, પરંતુ તેમાં જોઈએ એવી સફળતા મળી ન હતી.

ઈલોન મસ્કની કંપની મંગળયાત્રાની તૈયારી કરે છે. આ રોકેટને જ મંગળ સુધી મોકલવાનું તેમનું આયોજન છે. ફાલ્કન હેવી રોકેટને આજે સફળતા મળી એ મંગળ પ્રવાસની દિશામાં મહત્ત્વનું કદમ ગણાશે. આજના લૉન્ચિંગ વખતે રોકેટે 24 ઉપગ્રહોને ગોઠવવા માટે કુલ 6 કલાકનો સમય લીધો હતો. કેમ કે એક પછી એક ઉપગ્રહોને કક્ષામાં ગોઠવવા એ સહેલું કામ નથી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31VaZQz
via Latest Gujarati News

Post a Comment

0 Comments