કાશ્મીરમાંથી 35-એ દૂર કરવાના પ્રયાસ દારૂગોળાને આગ ચાંપવા સમાન : મહેબૂબા


(પીટીઆઈ) શ્રીનગર, તા. 28 જુલાઇ, 2019, રવિવાર

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રવિવારે બંધારણની કલમ ૩૫-એ દૂર કરવા અંગે કેન્દ્રને ચેતવણી આપતાં કહ્યું હતું કે રાજ્યનો વિશેષ દરજ્જો અથવા ઓળખ સાથે ચેડાં કરવાનું વિચારવું એ આગ સાથે રમવા સમાન છે.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ રવિવારે તેના ૨૦મા સ્થાપના દિવસની ઊજવણી કરી હતી. આ પ્રસંગે પીડીપીના કાર્યકરોને સંબોધતાં પક્ષના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે જે હાથ કલમ ૩૫-એ સાથે ચેડાં કરશે, તે હાથ જ નહીં આખું શરીર સળગીને રાખ થઈ જશે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કલમ ૩૫-એ રાજ્યને વિશેષ દરજ્જો આપે છે અને રાજ્યના કાયમી નિવાસીઓને વિશેષ અદિકારો આપે છે. અમે કેન્દ્ર સરકારને ચેતવણી આપીએ છીએ કે આ કલમને દૂર કરવાનો પ્રયાસ કરવાનો વિચાર પણ કરવો એ દારૂગોળાને પલિતો ચાંપવા સમાન છે.  અમે છેલ્લા શ્વાસ સુધી કાશ્મીરનું રક્ષણ કરીશું. પીડીપી ક્યારેય ખતમ નહીં થાય.

કાશ્મીર માટે શહીદ થયેલા લોકોને યાદ કરવાની જરૂર છે. આપણે એક મોટી લડત માટે તૈયાર રહેવાની જરૂર છે. ચૂંટણી આવે છે અને જાય છે, પરંતુ ખરી લડાઈ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો જાળવવા માટે લડવાની છે. અમે રાજ્યનો આ દરજ્જો જાળવવા માટે કોઈપણ હદે લડવા તૈયાર છીએ. આજે કાશ્મીર ખીણમાં ડરનું વાતાવરણ છે. જમ્મુ-કાશ્મીર બેંકને સમાપ્ત કરી દેવાઈ છે. તેઓ ધીમે ધીમે બધું જ ખતમ કરવા માગે છે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, 'અમે કેન્દ્રને કહ્યું કે દિનેશ્વર શર્માને મધ્યસ્થ બનાવવામાં આવે. અમે રમઝાનમાં સંઘર્ષ વિરામ સુનિશ્ચિત કરાવ્યો. આવું પહેલાં ક્યારેય થયું નહોતું. અમને સારા પરીણામની આશા હતી, પરંતુ બીજા પક્ષ તરફથી એવું કશું થયું નહીં. ટ્રમ્પ કહે છે કે કાસ્મીર સમસ્યાનું સમાધાન નિકળશે, તેથી ઈમરાન ખાન અને નરેન્દ્ર મોદી પણ કહી રહ્યા છે. મુફ્તી સઈદ પણ શાંતિ અને વાટાઘાટો ઈચ્છતા હતા.'



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrbQWq
via Latest Gujarati News

Post a Comment

0 Comments