(પીટીઆઈ) દાંતેવાડા, તા.14 જુલાઇ, 2019, રવિવાર

છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક મહિલા સહિત બે નક્સલીઓ ઠાર મરાયા હતા.

 દાંતેવાડાના પોલીસ અધીક્ષક અભિષેક પલ્લાવાએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, રાયપુરથી ૪૦૦ કિમી દૂર આવેલા ગુમિયાપાલ ગામના જંગલ વિસ્તારમાં જિલ્લાનું રિઝર્વ દળ નક્સલવિરોધી અભિયાન માટે નીકળ્યું તે સમયે નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. 

પોલીસે ઘટના સ્થળેથી એક શંકાસ્પદ મહિલા નક્સલીની ધરપકડ કરી છે અને તપાસ દરમિયાન તેનું નામ કોસી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ તે વિસ્તારમાં સુરક્ષા દળ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને અન્ય નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નક્સલીઓ અને સુરક્ષા દળ વચ્ચેની અથડામણમાં બંને તરફથી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં પાંચ લાખના બે ઈનામી નક્સલીઓ ઠાર મરાયા હતા. એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળની તપાસ દરમિયાન દેવા અને મામગલી ઉર્ફે મુઈ નામના બે નક્સલીઓના શબ હાથ લાગ્યા હતા તથા .૩૦૩ની રાઈફલ અને મઝલ લોડિંગ ગન મળી આવી હતી. 

મૃતક દેવા અને મુઈ માઓવાદીઓની મલંગિર એરિયા કમિટિના સક્રિય સદસ્યો હતા અને તેમના પ્રત્યેકના માથે પાંચ લાખ રુપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30Bq0FQ
via Latest Gujarati News