આજે શ્રીલંકા સામે ભારત નંબર વન ટીમ તરીકે સેમિ ફાઈનલમાં પ્રવેશવાના ઈરાદા સાથે ઉતરશે


લીડ્ઝ, તા. 5 જુલાઈ 2019,  શુક્રવાર

ટીમ ઈન્ડિયા આવતીકાલે શ્રીલંકા સામે ટકરાશે, ત્યારે તેની નજર પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ તરીકે સેમિ ફાઈનલમાં પ્રવેશવા તરફ રહેશે. ભારત સેમિ ફાઈનલમાં સ્થાન તો નિશ્ચિત કરી ચૂક્યું છે, પણ જો હાલની સ્થિતિ જળવાઈ રહે તો ટીમ ઈન્ડિયાને સેમિ ફાઈનલમાં યજમાન ઈંગ્લેન્ડનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. જો ભારત આવતીકાલે શ્રીલંકાને હરાવે અને આવતીકાલે રમાનારી મેચમાં ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા સામે હારે તો ભારત પોઈન્ટ ટેબલમાં નંબર વન રહીને સેમિ ફાઇનલમાં પ્રવેશે, જેથી તેને ન્યૂઝીલેન્ડ સામે નોકઆઉટ મેચમાં રમવાનું આવે. આ કારણે ટીમ ઈન્ડિયા જીતના ઈરાદા સાથે શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં ઉતરશે.

કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલના ખરાખરીના મુકાબલા અગાઉ બેટીંગમાં મીડલ ઓર્ડરની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરશે. ઈંગ્લેન્ડ સામે મળેલી હાર બાદ ભારત આવતીકાલે શ્રીલંકા સામેની મેચમા દિનેશ કાર્તિકને પડતો મૂકીને કેદાર જાધવને ફરી ટીમમાં સમાવશે તેમ મનાય છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ખરાખરીના મુકાબલા અગાઉ એક તક આપવી જોઈએ તેવી માગ પણ ક્રિકેટ વર્તુળોમાં ઉઠવા પામી છે. જોકે આ સિવાય ટીમમાં પરિવર્તનની સંભાવના નથી.

વરસાદને કારણે પરેશાન રહેનારી શ્રીલંકન ટીમ હવે વર્લ્ડ કપમાંથી જીત સાથે સ્વદેશ પાછી ફરવાની કોશીશ કરશે. કરૂણારત્નેની કેપ્ટન્સી હેઠળની શ્રીલંકાની ટીમના સીનિયર સ્ટાર્સ મલિંગા અને મેથ્યૂસ વર્લ્ડ કપને અલવિદા કહેતાં પહેલા ભારત સામે યાદગાર પર્ફોમન્સ આપવા ઉત્સુક છે. આ ઉપરાંત ધનંજયા, કુસલ મેન્ડિસ, થિરિમાને તેમજ થિસારા પરેરા પણ જાદુ ચલાવશે. 

ટોપ ઓર્ડર પર ભારત આધારિત  ધોની પર નજર

ભારતીય બેટીંગ ટોપ ઓર્ડર પર આધારિત રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રાહુલ જેવા બેટ્સમેનોએ નોંધપાત્ર દેખાવ કરતાં ટીમના પર્ફોમન્સમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રોહિતે રેકોર્ડ ચાર સદીઓ સાથે વર્લ્ડ કપમાં ૫૪૪ રન ફટકાર્યા છે. કોહલીએ સતત પાંચ મેચમાં અડધી સદી સાથે ૪૦૦થી વધુ રન નોંધાવ્યા છે. જોકે મીડલ ઓર્ડરમાં ધોનીનો દેખાવ ચિંતાજનક રહ્યો છે. ખાસ કરીને વર્લ્ડકપમાં અત્યાર સુધીની તમામ મેચોમાં ધોનીએ સ્પિનરો સામે ૮૧ બોલમાં માત્ર ૪૭ રન કર્યા છે. 

બુમરાહને આરામ અપાશે ? 

વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન બોલર તરીકેની ઓળખ ધરાવતા જસપ્રીત બુમરાહને શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં આરામ અપાય તેવી સંભવના છે. ભારતીય બોલિંગ આક્રમણના આધારસમા મીડિયમ પેસર બુમરાહે ૧૪ વિકેટો ઝડપવાની સાથે તેની ઈકોનોમીકલ બોલિંગથી હરિફ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. સેમિ ફાઈનલ અગાઉ બુમરાહને થોડો આરામ આપવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. શમીએ પણ પ્રભાવ પાડતાં ૧૩ વિકેટ ઝડપી છે. ભારત શમી, ભુવનેશ્વર અને હાર્દિક પંડયા જેવા ત્રણ ફાસ્ટરને ઉતારે અને જાડેજાને તક આપે તેવું બની શકે. 

ભારત  રોહિત શર્મા, રાહુલ, કોહલી (કેપ્ટન), પંત, પંડયા, ધોની (વિ.કી.), કાર્તિક, જાધવ, ચહલ, શમી, બુમરાહ, બી.કુમાર, કુલદીપ, જાડેજા, અગ્રવાલ.

શ્રીલંકા  કરૂણારત્ને (કેપ્ટન), કે.મેન્ડિસ, કે.પરેરા, થિરિમાને, મેથ્યૂસ, મલિંગા, જે.મેન્ડિસ, ધનંજયા, રજીથા, ઉદાના, લકમલ, સિરિવર્દને, વાન્ડેરસે, ટી.પરેરા અને એ.ફર્નાન્ડો. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JrdJNc
via Latest Gujarati News

Post a Comment

0 Comments