
અલગ બોડોલેન્ડ સિવાય મોટા ભાગની માંગો સરકારે સ્વીકારી લેતા ઉગ્રવાદીઓ હથિયાર મુકવા તૈયાર
ગુવાહાટી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
આસામમાં છેલ્લા 50 વર્ષથી અલગ બોડો રાજ્યની માગણી ઉગ્રવાદીઓ કરી રહ્યા છે અને આ માટે હિંસક આંદોલનથી દેખાવો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ હિંસામાં 2823 લોકો માર્યા ગયા છે.
આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક વખત આ ઉગ્રવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકાર અને ઉગ્રવાદી સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેંડના આગેવાનોએ એક સમજૂતી કરી છે.
જે અંતર્ગત સરકારે બોડો આદિવાસીઓ અને અન્ય નાગરિકોના હિત માટે પ્રયાસો કરવાની ખાતરી આપી છે જેને બોડો આંદોલનકારીઓ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે. બોડો ઉગ્રવાદીઓ અને સરકાર વચ્ચે અત્યાર સુધીના ઇતિહાસમાં આ ત્રીજી સમજૂતી છે.
એવા અહેવાલો છે કે બોડો ઉગ્રવાદી નેતાઓના નિર્ણયને સંગઠનના 1550 કેડરે પણ માન્ય રાખ્યો છે અને હાલ હથિયારો મુકી દીધા છે. સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બોડો ઉગ્રવાદીઓના નેતાઓની હાજરીમાં બન્ને વચ્ચે કરાર થયા છે.
આ કરાર મૂજબ બોડો આદિવાસીઓને કેટલાક રાજકીય અધિકારો અને સમૂદાયના કેટલાક લોકોને આર્થિક સહાય પેકેજ આપવાની ખાતરી આપવામાં આવી છે. જોકે આ કરારોમાં અલગ બોડો લેન્ડ રાજ્ય બનાવવાની માગણીને સ્વીકારવામાં નથી આવી. આ કરાર બંધારણને અનુસરીને કરવામાં આવ્યા છે.
આસામના મંત્રી હિમન્તા બિસ્વાએ દાવો કર્યો હતો કે આ કરારો બાદ સંગઠનના 1550 ઉગ્રવાદીઓએ 30મી જાન્યુઆરીએ પોતાના હથિયારો મુકી આત્મસમર્પણ કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ સરકાર અને બોડો સંગઠનો વચ્ચે શાંતિ કરાર થયા બાદ બીજી તરફ બિન બોડો સંગઠનો વિફર્યા છે અને તેમને 12 કલાક આસામ બંધ પાળવાની જાહેરાત કરી છે. જેને પગલે આસામના ચાર જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી.
હિંસાની નાની મોટી ઘટનાઓ સિવાય કોઇ મોટી જાનહાની જેવી ઘટના સામે નથી આવી. બિન બોડો સંગઠનોની માગણી છે કે માત્ર બોડો જ નહીં પણ બિન બોડો નાગરિકોનો સમાવેશ પણ આ કરારોમાં કરવામાં આવે.
અગાઉ પણ બે વખત બોડો સાથે થયેલા કરારો સફળ નથી રહ્યા
ગુવાહાટી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
આ પહેલા 1993માં ઓલ બોડો સ્ટૂડન્ટ્સ યુનિયન અને સરકાર વચ્ચે પહેલા કરાર થયા હતા, જે બાદ પણ કોઇ યોગ્ય નિકાલ ન આવતા ફરી ઉગ્રવાદી પ્રવૃત્તિ શરૂ થઇ હતી, બાદમાં 2003માં ઉગ્રવાદી સંગઠન બોડો લિબરલ ટાઇગર્સ સાથે સમજૂતી થઇ હતી. જેને કારણે બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલ (બીટીસી)નું ગઠન કરવામાં આવ્યું હતું. આ કાઉન્સિલ શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લે છે. હાલ જે સમજૂતી થઇ છે તેમાં 1500 કરોડનો ખર્ચ કરવાનો ઉપરાંત વિધાનસભામાં પ્રતિનિધિત્વ વધુ આપવા જેવી માગોને પણ સ્વીકારાઇ છે. જોકે અગાઉ જે કરારો થયા તે સમયે પણ ઉગ્રવાદીઓએ હથિયાર નહીં ઉપાડીએ તેમ કહ્યું હતું પણ બાદમાં સરકારો દ્વારા અપાતા વચન પુરા ન થતા તેઓએ ફરી હથિયારો ઉઠાવ્યા હતા.
ઉગ્રવાદીઓ સાથે થયેલા મહત્વપૂર્ણ કરારો પર એક નજર
ગુવાહાટી, તા. 27 જાન્યુઆરી, 2020, સોમવાર
* સરકારના દાવા મૂજબ કરાર બાદ 30મીએ 1550 ઉગ્રવાદી આત્મસમર્પણ કરશે અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે.
* બોડો સમુદાયના સામાજિક, સાંસ્કૃતિક, ભાષાયી વિષયોને સુરક્ષિત કરાશે. જનજાતિયોના ભૂમી અધિકારોનું રક્ષણ કરાશે.
* બોડોલેંડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ (બીટેડ) બહાર બોડો કચારી વેલફેર કાઉંસિલની સ્થાપના કરાશે. અલગ ડીઆઇજી પદ તૈયાર કરાશે. અલગ શિક્ષણ નિર્દેશાલય રચાશે.
* 50 વર્ષથી બોડો સંઘર્ષણ ચાલી રહ્યો છે, જેમાં 2823 માર્યા ગયા છે. તેમના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
* કેન્દ્ર સરકાર 700 અને રાજ્ય સરકાર 700 કરોડ રૂપિયા ખર્ચશે, જેનો ઉપયોગ સ્વાસ્થ્ય, શિક્ષણ જેવી સુવિધા માટે થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aMtZ85
via Latest Gujarati News
0 Comments