(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 23 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

અનેક લોકો પોતાના બાળકોને અમેરિકન નાગરિકતા અપાવવા અમેરિકા ફરવા જતા હતા અને બાળકોને ત્યાં જન્મ આપતા હતા જેથી તે નવજાતને જન્મજાત અમેરિકન નાગરિકતા મળે. જો કે, ટ્રમ્પ સરકાર હવે તેના પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં છે. 

ટ્રમ્પ પ્રસાશન ગર્ભવતી મહિલાઓના વિઝા પર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં છે. આ પ્રકારના પ્રતિબંધના કારણે જે મહિલાઓ પોતાના સંતાનને અમેરિકન પાસપોર્ટ મળે તે માટે પ્રસુતિ કરવા અમેરિકા જતી હતી તેમના પર રોક લાગશે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળની શરૂઆતથી જ અન્ય દેશોની ગર્ભવતી મહિલાઓને વિઝા આપવાની વિરૂદ્ધ બોલતા આવ્યા છે. તે અંતર્ગત ટ્રમ્પ સરકાર ગર્ભવતી મહિલાઓના વિઝા પર અમુક નવા પ્રકારના પ્રતિબંધ મુકવાની તૈયારીમાં છે. આ નવા પ્રકારના નિયમના કારણે ગર્ભવતી મહિલાઓ માટે ટુરિસ્ટ વિઝા પર મુસાફરી કરવી અઘરી થઈ જશે. 

વિઝા મેળવવા માટે મહિલાઓએ સંબંધીત કાઉન્સિલર ઓફિસરને સમજાવવા પડશે અને પોતે કોઈ વાજબી કારણથી અમેરિકા જઈ રહી છે તેમ સાબિત કરવું પડશે. હકીકતે છેલ્લા થોડા વર્ષોથી અમેરિકા અને કેટલાક અન્ય દેશોમાં બર્થ ટુરિઝમે માથુ ઉંચક્યુ હતું.

અનેક કંપનીઓએ આ પ્રકારની જાહેરાતો આપવી શરૂ કરી હતી અને તેઓ હોટેલના રૂમ, તબીબી સુવિધા માટે ફિક્સ રકમ વસૂલી રહ્યા હતા. તે અંતર્ગત રશિયા અને ચીન સહિત અનેક દેશોની મહિલાઓ બાળકોને જન્મ આપવા અમેરિકા આવતી હતી જેથી અમેરિકન રાષ્ટ્રપતિએ જન્મજાત નાગરિકતા મુદ્દે કડક વલણ અપનાવ્યું છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NTTzhP
via Latest Gujarati News