
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર
2000ના વર્ષમાં મેચ ફિક્સિંગ કાંડ ખૂબ ગાજ્યું હતું. મેચ ફિક્સિંગ કાંડના મુખ્ય આરોપીઓમાં સામેલ બુકી સંજીવ ચાવલાનું બ્રિટનથી પ્રત્યાર્પણ થયું હતું. તે પછી એને દિલ્હીની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરીને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન હેન્સી ક્રોન્યે સાથે ટેલિફોનિક વાતચીત કરીને મેચ ફિક્સ કરનારા બુકી સંજીવ ચાવલાનું બ્રિટનથી પ્રત્યાર્પણ થયું હતું. 2000ના વર્ષમાં ક્રિકેટને કલંકિત કરનારા એ મેચ ફિક્સિંગ કાંડમાં બુકી સંજીવ ચાવલા ઉપર આરોપ લાગ્યો હતો.
તેણે હેન્સી ક્રોન્યે સાથે મળીને મેચ ફિક્સ કરી હતી. પોલીસે સંજીવ અને ક્રોન્યેની ઓડિયો રજૂ કરી હતી, જેમાં સંજીવે મેચ ફિક્સ કર્યાનું પૂરવાર થયું હતું. શરૂઆતમાં તમામ આરોપો નકાર્યા પછી સંજીવ ચાવલાએ આરોપો સ્વીકારી લીધા હતા.
મેચ ફિક્સિંગનો પર્દાફાશ થયો પછી એ બ્રિટન ભાગી ગયો હતો. ભારતીય તપાસ એજન્સીઓએ તેની સામે વિવિધ પ્રક્રિયા હાથ ધરી હતી. 2016 સુધી તેનું પગેરૂં મળ્યું ન હતું. 2016માં બ્રિટિશ પોલીસે સંજીવ ચાવલાની ધરપકડ કરી હતી.
બ્રિટિશ પોલીસે કહ્યું હતું કે ભારતીય તપાસ એજન્સીની વિનંતીના આધારે એની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી વિવિધ પ્રક્રિયાના અંતે સંજીવ ચાવલાનું બ્રિટનથી પ્રત્યાર્પણ કરાયું હતું. ભારત લાવ્યા પછી તુરંત તેને પોલીસે દિલ્હીની કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે તેના 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.
કોર્ટે ચાવલાના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. એ દરમિયાન ચાવલાને તપાસ માટે વડોદરા, કોચિન, જમશેદપુર, ફરિદાબાદ, નાગપુર, મુંબઈ જેવા સ્થળોએ લઈ જઈને મેચ ફિક્સિંગ અંગે પોલીસ તપાસ કરશે.બ્રિટનથી આરોપીને લાવવામાં આવે એવા કિસ્સામાં પ્રત્યાર્પણના નિયમોનું પાલન કરવું પડે છે.
તેના ભાગરૂપે સંજીવ ચાવલાને તિહાર જેલમાં અલગ સેલમાં રાખવામાં આવશે. તેને અન્ય કોઈ પણ આરોપીઓ સાથે રાખવામાં આવશે નહીં. જ્યારે તેની પોલીસ કસ્ટડી પૂરી થશે અને જ્યુડિશિયલ કસ્ટડીનો આદેશ થશે પછી તેના માટે તિહાર જેલમાં જે ગોઠવણ કરવામાં આવી છે, એમાં કેદ રખાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31Qfc8k
via Latest Gujarati News
0 Comments