
વારાણસી, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના મત વિસ્તાર વારાણસીથી કાશી મહાકાલ એક્સપ્રેસ રવાના કરી હતી. જોકે આ એક્સપ્રેસને લઇને વિવાદ શરૂ થઇ ગયો છે. આ ટ્રેનમાં એક સીટ ભગવાન શીવ માટે રિઝર્વ રાખવામાં આવી હતી.
આ ટ્રેન ત્રણ જ્યોતિર્લિંગ ધામ ઓમકારેશ્વર(ઇંદોર), મહાકાલેશ્રર (ઉજૈન) અને વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથના દર્શન કરવામાં મદદરૂપ થશે. આ ટ્રેનની સીટ નંબર 64 કે જે કોચ નંબર બી-5માં આવેલી છે તેને રિઝર્વ રાખવામાં આવી છે, એટલે કે આ સીટ ખાલી રહેશે. જ્યાં કોઇ યાત્રાળુ બેસી નહીં શકે.
આ ટ્રેનને કાશી મહાકાલ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ અંગે જાણકારી આપતા ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે કહ્યું હતું કે પહેલી વખત ભગવાન માટે ટ્રેનમાં સીટને રિઝર્વ રાખવામાં આવી છે. આ એક સીટ ઉપર એક મંદિર પણ દોરવામાં આવ્યું છે કે જેથી લોકોને ખ્યાલ આવે કે આ ભગવાન શીવની બેઠક છે.
જોકે આ બેઠકને કાયમ માટે રિઝર્વ રાખવામાં આવશે કે કેમ તેને લઇને કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ ટ્રેન 1131 કીમીનું અંતર કાપશે, વારાણસીથી ઇંદૌર વચ્ચે ચાલશે અને વાયા લખનઉ થઇને જશે. જ્યારે પ્રયાગરાજ થઇને ચાલે તો તેનું અંતર 1102 કિમી થઇ જશે અને કુલ આશરે 19 કલાકનો સમય લાગશે.
બીજી તરફ એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને સાથે જ બંધારણના આમુખને ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં ઓવૈસીએ પીએમઓને પણ ટેગ કર્યું હતું.
આ ટ્રેનની ખાશિયલ એ છે કે તેમાં એસી-3 શ્રેણીના દરેક કોચમાં ઓમ નમ: શિવાય મંત્રનો જાપ વાગતો રહે છે. સાથે જ ભગવાન શીવના ભજનો અને ધુન પણ વાગે છે. આ ટ્રેનની થીમ જ ભક્તિ ભાવ પર તૈયાર કરવામાં આવી છે કે જેથી યાત્રીકોને એવું લાગે કે તેઓ યાત્રા ધામે જઇ રહ્યા છે.
ભગવાન શિવની સીટ કાયમ માટે રિઝર્વ નથી : આઇઆરસીટીસી
નવી દિલ્હી, તા. 17
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી ત્રણ જ્યોતિર્લિંગના દર્શન માટે એક ટ્રેનનું ઉદઘાટન કર્યું હતું જેને મહાકાલ એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું હતું, જોકે આ ટ્રેનમાં એક સીટ ભગવાન શીવ માટે રિઝર્વ રાખવામાં આવી હતી અને તેના પર ભગવાનની તસવીર પણ હતી. આ મામલે વિવાદ થતા ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)એ જણાવ્યું હતું કે ભગવાનની તસવીર મુકવામાં આવી હતી તે માત્ર ટ્રેનની શરૂઆતના સમય પુરતી જ હતી, ઉદઘાટનના પ્રસંગે જે પૂજાપાઠ કરવાના હતા તે માટે મુકવામાં આવી હતી. સાથે જ કોઇ જ સીટ આવી પૂજા વીધી કે ધાર્મિક વીધી માટે રિઝર્વ નથી રાખવામાં આવી તેવી પણ સ્પષ્ટતા કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SSDtGT
via Latest Gujarati News
0 Comments