
નવી દિલ્હી, તા. 13 ફેબ્રૂઆરી, 2020, ગુરૂવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અમિત શાહે ગુરૂવારે કબૂલ્યું હતું કે 'દેશ કે ગદ્દારો કો ગોલીમારો' અને 'ભારત-પાકિસ્તાન મેચ' જેવા વિવાદાસ્પદ નિવેદનોથી પક્ષને દિલ્હીની ચૂંટણીમાં નુકસાન થયું હશે.
તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે ભગવા પાર્ટી દિલ્હી પહેલાં જ હારી ગઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી ચૂંટણીના પરીણામોને નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને એનઆરસી પર જનાદેશ માની શકાય નહીં.
અમિત શાહે જણાવ્યું કે ભાજપના નેતાઓએ 'દેશ કે ગદ્દારો કો ગોલી મારો' અને 'ભારત-પાકિસ્તાન મેચ' જેવા વિવાદાસ્પદ નિવેદનો આપવા જોઈતા નહોતા. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતા અને રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરે 'ગોલી મારો'નું નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો.
શાહે કહ્યું પક્ષને આવા નિવેદનોથી કદાચ નુકસાન પહોંચ્યું છે. જોકે, તેમણે આગળ વડાપ્રધાન મોદી પર રાહુલ ગાંધીના 'ડંડા'વાળા નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભાજપ નેતાઓના નિવેદનોને જે રીતે જોર-શોરથી બતાવવામાં આવ્યા તે રીતે રાહુલ ગાંધીનું નિવેદન બતાવાયું નહોતું.
તેમણે ઉમેર્યું હતું કે મોદીજી થોડાક સમય પહેલાં જ જંગી બહુમતીથી વિજયી થયા હતા. તાજેતરમાં કેટલાક રાજ્યોમાં સફળતા નથી મળી તે વાત સાચી છે, પરંતુ તેનો આૃર્થ એ નથી કે ભાજપ પરથી લોકોનો વિશ્વાસ ઊઠી ગયો છે.
મહારાષ્ટ્રમાં અમે ચૂંટણી જીત્યા છીએ. હરિયાણામાં માત્ર 6 બેઠકો ઓછી હતી. ઝારખંડમાં અમે ચૂંટણી હાર્યા અને દિલ્હીમાં પહેલા કરતાં વધુ બેઠકો જીત્યા અને વોટ ટકાવારી વધી છે.ગૃહમંત્રીએ દિલ્હીની ચૂંટણીમાં અનેક રેલીઓ અને રોડ શો કર્યા હતા.
તેમણે પક્ષનો પરાજય સ્વીકારતા કહ્યું, ભાજપ દિલ્હીની ચૂંટણી પહેલાં જ હારી ગયો હતો. તેઓ વધુમાં વધુ બેઠકો જીતવાનો અને વોટ શેર વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સીએએ અને એનઆરસી અંગે જેણે પણ ચર્ચા કરવી હોય તે મારી ઓફિસમાં સમય માગે, હું ત્રણ દિવસની અંદર ચર્ચા કરીશ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2URO735
via Latest Gujarati News
0 Comments