મુંબઇ,તા.19 માર્ચ 2020 ગુરૂવાર

કોરોના વાઇરસના સંસર્ગને નાથવા માટે મુંબઇ મહાનગર પાલિકાએ રસ્તા પર અને જાહેર ઠેકાણે થૂંકનારા પાસે ૨૦૦ રૂપિયાના બદલે એક હજાર રૂપિયા દંડ વસૂલ કરવાનું શરૂ કર્યું છે. પાલિકાએ અત્યાર સુધી ૧૧૧ જણને થૂંકતા પકડીને આશરે એક લાખ અગિયાર હજાર રૂપિયા તિજોરી ભેગા કર્યા હતાં.

બીમાર વ્યક્તિના થૂંકથી રોગ ફેલાવનારા જંતુનો ઉપદ્રવ વધી જાય છે. તે સંપર્કમાં આવતા વ્યક્તિના શ્વાસોશ્વાસ થકી શરીરમાં પ્રવેશ કરે છે. આ રીતે એક નહિ અનેક વ્યક્તિ બીમારીમાં સપડાય છે. ખાસ કરીને જે વ્યક્તિમાં રોગ પ્રતિકાર કરવાની શક્તિ ઓછી હોય અથવા પહેલાથી બીમાર હોય એવા ઝડપથી બિમાર પડે છે. આને નાથવા માટે જાહેર સ્થળે અથવા રસ્તામાં થૂંકનારા સામે આકરા દંડાત્મક પગલા લેવાની ફરજ પડી હોવાનું પાલિકાના કમિશનર પ્રવીણ પરદેશીએ જણાવ્યું હતું.

લોકો પાન, ગુટખા, માવો ખાઇને થૂંકે છે. કારમાં બેઠાલા કારમાંથી થૂંકે છે. પગપાળે જતા લોકો રસ્તામાં મનફાવે ત્યાં થૂંકીને જતા રહે છે. આ સિવાય પાન, ગુટખા કે માવો નહિ ખાનારા પણ થૂંકતા હોય છે. થૂંક પડવાથી લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ થાય છે, એમ પરદેશીએ ઉમેર્યું હતું.

રસ્તા પર થૂંકનારા સામે ક્લીન અપ માર્શલ તેમજ ન્યુસન્સ ડીટેક્ટીવ ટુકડી મારફતે કાર્યવાહી કરવામાં આવે છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UkOhyh
via Latest Gujarati News