
૬૫ વર્ષથી વધુ વયના લોકો અને ૧૦ વર્ષથી નાના બાળકોને જ ઘરમાં જ રહેવા સ્વાસ્થ્ય મંત્રાલયની સલાહ
નવી દિલ્હી,તા.19 માર્ચ 2020 ગુરૂવાર
ભારતમાં કોરોના વાઇરસનું જોખમ સતત વધી રહ્યું છે. ગુરુવારે ભારતમાં કોરોના વાઇરસના કારણે ચોથું મોત થયું હતું. આ સાથે દેશમાં કોરોના વાઈરસના કુલ કેસનો આંકડો ૧૯૭એ પહોંચ્યો છે. જેમાં સારવાર બાદ સાજા થયેલા ૨૦ લોકોનો પણ સમાવેશ થાય છે. દેશમાં કોરોનાથી વણસી રહેલી પરિસ્થિતિને પગલે મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આંશિક તાળાબંધીની સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કાલકમાં કોરોનાના નવા ૨૦ કેસ નોંધાયા છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ૨૨મી માર્ચથી એક સપ્તાહ માટે બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
પંજાબમાં એક વૃદ્ધનાં મોત પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે વૃદ્ધો અને બાળકો માટે એડવાઈઝરી જાહેર કરતાં ૬૫ વર્ષથી વધુ વયના લોકો અને ૧૦ વર્ષથી નાના બાળકોને ઘરમાં રહેવા જ સલાહ અપાઈ છે. ઉપરાંત ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારી ધરાવતા લોકોને પણ વિશેષ કાળજી રાખવા સલાહ અપાઈ છે.
ગુજરાત, છત્તીસગઢ અને ચંડીગઢમાં ગુરુવારે કોરોના વાઇરસના પહેલા દર્દીઓ નોંધાવાની સાથે દેશમાં કોરોના વાઈરસના ૨૨ નવા કેસો નોંધાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કોરોના વાઈરસ સતત ફેલાઈ રહ્યો છે, જેને પરિણામે અનેક રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.
શ્રીનગર શહેરમાં બધા જ જાહેર પરિવહન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. કાશ્મીર ખીણના અનેક ભાગોમાં લોકોના આવાગમન પર પ્રતિબંધ છે.
પંજાબમાં પણ લગભગ તાળાબંધીની સ્થિતિ છે. પંજાબ સરકારે શુક્રવારથી જાહેર પરિવહન સેવાઓ બંધ કરી દેવાની તેમજ ૨૦થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
વધુમાં રાજ્ય સરકારે લગ્ન સ્થળો, હોટેલ્સ, રેસ્ટોરાં, બેન્ક્વેટ્સ અને જાહેર ભોજનાલયોને બંધ રાખવાનો આદેશ કરી દીધો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે પણ રેસ્ટોરાં બંધ રાખવાના આદેશ આપ્યા છે, પરંતુ હોમ ડિલિવરી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. રાજ્ય સરકારના બધા જ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેર એકમોને જાહેર કાર્યક્રમો બંધ કરી દેવા જણાવાયું છે. ઉપરાંત શુક્રવારથી બીન આવશ્યક સરકારી સેવાઓ બંધ કરવા નિર્દેશો અપાયા છે.
દેશમાં કોરોનાને પ્રસરતો અટકાવવાના પ્રયાસના ભાગરૂપે સરકારે ૨૨મી માર્ચથી એક સપ્તાહ માટે બધી જ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વધુમાં કેન્દ્ર સરકારે તેના બી અને સી શ્રેણીના ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવા અને બાકીના ૫૦ ટકા કર્મચારીઓને ઓફિસ આવવાના આદેશ આપ્યા છે. ઓફિસ આવનારા કર્મચારીઓના કામના કલાકોમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે. કર્મચારીઓ વારાફરતી ઓફિસ અને ઘરેથી કામ કરશે. આ આદેશો ૪થી એપ્રિલ સુધી લાગુ રહેશે. આ આદેશ કેન્દ્રીય કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જાહેર કર્યા છે. જોકે, કોરોના વાઇરસ સંબંધિત કામોમાં જોડાયેલા કર્મચારીઓ પર આ આદેશો લાગુ નહીં પડે.
કેન્દ્ર સરકારે રાજ્યોને, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે. દેશમાં કોરોનાની ઝપેટમાં આવેલા લોકોની કુલ સંખ્યા ૧૯૭ થઈ ગઈ છે, જેમાં ઈટાલીના ૧૭, ફિલિપાઈન્સમાંથી ૩, યુકેમાંથી બે, કેનેડા, ઈન્ડોનેશિયા અને સિંગાપોરમાંથી એક-એક એણ કુલ ૨૫ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પંજાબમાંથી ચાર મોતનો પણ સમાવેશ થાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U3sZGi
via Latest Gujarati News
0 Comments