
(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા.5 એપ્રિલ, 2019, શુક્રવાર
એમેઝોનના સંસ્થાપક અને વિશ્વના સૌથી અમીર શખ્સ જેફ બેજોસ અને તેમની પત્ની મૈકેંજી બેજોસ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડાની ડીલ નક્કી થઈ ગઈ છે. ફોર્બ્સના અહેવાલ મુજબ આ છૂટાછેડા બાદ મૈકેંજી વિશ્વની ત્રીજા નંબરની ધનવાન મહિલા બની છે અને વિશ્વના ધનિક લોકોની યાદીમાં ૨૩માં સ્થાને પહોંચી છે.
જેફ બેજોસ અને મૈકેંજી સંયુક્તપણે એમેઝોનના ૧૬ % શેર ધરાવતા હતા. તે પૈકીના ચાર ટકા શેર પર હવે મૈકેંજીનો હક્ક બનશે. મૈકેંજીએ સ્વીકારેલા ચાર ટકા મતની કિંમત ૨.૫ લાખ કરોડ રુપિયા થાય છે. જ્યારે જેફ પાસે બચેલા શેરની કિંમત ૧૧,૪૦૦ કરોડ ડૉલર એટલે કે ૭.૮ લાખ કરોડ રુપિયા છે.
મૈકેંજીને શેરમાં ભાગ આપ્યા બાદ પણ જેફ બેજોસે વિશ્વના સૌથી ધનવાન લોકોની યાદીમાં પહેલો ક્રમ જાળવી રાખ્યો છે. મૈકેંજીએ પોતાના હિસ્સામાં આવેલા શેરના મતાધિકારનો હક્ક જેફ બેજોસને આપ્યો છે. આ ઉપરાંત જેફ બેજોસના અખબાર વોશિંગ્ટન પોસ્ટ અને સ્પેસ કંપની બ્લુ ઓરિજિનમાં કોઈ પણ પ્રકારનો ભાગ નથી માંગ્યો.
જેફ બેજોસે ટ્વિટ કરીને તે અને મૈકેંજી બેજોસ એકબીજાને છૂટાછેડા આપી રહ્યા હોવાની જાણ કરી હતી. જેફ અને મૈકેંજીએ ૨૫ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને તેમની મુલાકાત એમેઝોનની સ્થાપના પહેલા થઈ હતી. મૈકેંજી એક નવલકથાકાર છે તથા 'ધ ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઈટ' અને 'ટૈપ્સ' તેમની ચર્ચિત કૃતિઓ છે.
કોર્ટના નિર્ણય બાદ આગામી ૯૦ દિવસમાં તેઓ બંને અધિકૃત રીતે છૂટા પડી જશે. મૈકેંજી બેજોસે ગુરુવારે પોતે બંનેની સંયુક્ત ભાગીદારીના શેર પૈકીના ૨૫ % એમેઝોન શેર પોતાના પાસે રાખવાનો નિર્ણય લીધો હોવાની જાહેરાત કરી હતી. મૈકેંજીએ પોતાના પાસે રાખેલા શેર કંપનીની કુલ શેર મૂડીના ચાર ટકા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uN5JPB
via Latest Gujarati News
0 Comments