નવી દિલ્હી, તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર
કસ્ટમ્સ ડયૂટી તથ ગુડસ અને સર્વિસ ટેકસ (જીએસટી) ગુપચાવતા ચીનના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી થતી માલસામાનની ઓનલાઈન ખરીદી પર ભારત સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. વેરા અધિકારીઓ અને કસ્ટમ્સ ઓફિસને પત્ર પાઠવ્યા બાદ ભારત સરકારે હવે ચીન ખાતેથી આવતા કુરિઅર પર નજર રાખવા પોસ્ટ ઓફિસો તથા કુરિઅર કંપનીઓને પણ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્યારસુધી માત્ર કસ્ટમ્સ વિભાગને પગલાં હાથ ધરવા જણાવાતું હતું પરંતુ હવે પોસ્ટ ઓફિસોને પણ આવી ખરીદીઓની ચકાસણી કરવા જણાવાયું છે. ધ ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડે દેશના દરેક બંદરોને ચીન ખાતેથી આવતા પારસલો હકીકતમાં પ્રમાણિક ગિફટ જ છે કે કેમ તે તપાસી લેવા જણાવ્યું છે.
સરકારે માલસામાનની મુંબઈ ખાતેથી આયાત કરવાનું બંધ કરી દીધું છે અને હવે દેશના અન્ય વિસ્તારો જેમ કે ચેન્નાઈ તથો કોલકત્તા ખાતે પણ આવા પ્રકારની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
ચીનની અનેક કંપનીઓ ભારતીય દ્વારા કરાતા માલસામાનના ઓર્ડરને ગિફટસ તરીકે ગણાવી દેશમાં ઘુસાડે છે જેને કારણે તેના પર કસ્ટમ્સ ડયૂટી બચી જાય છે. ભારતીય દ્વારા વિદેશમાંથી પ્રાપ્ત થતી રૂપિયા ૫૦૦૦ સુધીની ગિફ્ટસ પર કોઈ ટેકસ લાગુ થતો નથી.
ભારત સરકાર દ્વારા વેરામાં પૂરી પડાતી રાહતોનો ચીનની કંપનીઓ ગેરલાભ ઉઠાવી રહી હોવાનું એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું. રજિસ્ટર્ડ કુરિઅર કંપનીઓ પણ આ સંદર્ભમાં ભારતના સત્તાવાળાઓને જાણકારી આપતા નહીં હોવાનું ધ્યાનમાં આવતા તેમને સૂચના આપવી પડી છે.
ભારતમાં ચાઈનીઝ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર રોજના અંદાજે એવા બે લાખ જેટલા ઓર્ડરો મૂકવામાં આવતા હતા જે મોટે ભાગે વેરા ભરવામાંથી છટકી જતા હતા. સામાન્ય સંજોગોમાં આવા માલસામાનની આયાત પર ડયૂટી ભરવાની રહે છે. સરકારે લીધેલા પગલાં બાદ આ આંક હવે ઘટીને ૧.૨૦ લાખ ઓર્ડર પર આવી ગયો છે.ચીનના ઈ-કોમર્સ પ્લેટફોર્મને ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત બનાવાયું છે જેથી તેમને ઘરેલું કાયદા હેઠળ આવરી શકાય.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Uk0HcF
via Latest Gujarati News
0 Comments