(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. અમેરિકામાં જોબલેસ કલેઈમ્સના આંકડા સારા આવ્યા પછી આજે બહાર પડેલા જોબ ગ્રોથના આંકડા પણ અપેક્ષાથી ઉંચા આવ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં આના પગલે વિવિધ કરન્સીઓ સામે ડોલરના ભાવ ઉંચા જતાં વિશ્વ બજારમાં સોનામાં ઉછાળે માનસ વેંચવાનું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૨૮૭.૩૦ ડોલર રહ્યા પછી ઉંચામાં ૧૨૯૫ થઈ સાંજે ભાવ ફરી નીચા ઉતરી ૧૨૮૪.૫૦થી ૧૨૮૫ ડોલર રહ્યાના સમાચાર હતા.
મુંબઈ કરન્સી બજારમાં ડોલરના ભાવ રૂ.૬૯.૧૬ વાળા ૬૯.૦૭ ખુલી રૂ.૬૯.૦૪ રહ્યા પછી વધી રૂ.૬૯.૩૪ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૬૯.૨૨ ડોલરના ભાવ ૭ પૈસા વધ્યા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૪૨ પૈસા ઘટી રૂ.૯૦.૪૩ હતા. યુરોના ભાવ ૧૪ પૈસા વધી રૂ.૭૭.૭૫થી ૭૭.૭૬ હતા. બ્રેકઝીટ પ્રશ્ને બ્રિટનના વડાપ્રધાને યુરોપને વિનંતી કરી બ્રેકઝીટ વિલંબ ૩૦મી જૂન સુધી કરવા રજૂઆત કરી હોવાના સમાચાર હતા. આની અસર કરન્સી બજાર પર બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ પર દેખાઈ હતી.
દરમિયાન, મુંબઈ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૫૯૬ વાળા રૂ.૩૧૫૩૧ થઈ રૂ.૩૧૬૦૯ બંધ હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૭૨૩ વાળા રૂ.૩૧૬૧૮ થઈ રૂ.૩૧૭૩૬ બંધ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીેસટી વગર રૂ.૩૭૨૨૦ વાળા રૂ.૩૭૩૮૦ થઈ રૂ.૩૭૫૬૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૪૫૦થી ૩૭૫૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૦૦થી ૧૦૫૦ ઉંચા બોલાઈ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના નીચામાં ૧૫.૧૨ ડોલર તથા ઉંચામાં ૧૫.૨૨ થઈઆ સાંજે ભાવ ૧૫.૧૫થી ૧૫.૧૬ ડોલર હતા. દરમિયાન, પેલેડીયમના વપરાશ કારો હવે પ્લેટીનમ તરફ વળતાં વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઉછળી ઔંશના ૯૦૦ ડોલર વટાવી ૯૦૬.૭૦ થી ૯૦૬.૮૦ ડોલર હતા. પેલેડીયમના ભાવ ગબડી સાંજે ૧૩૩૮.૯૦થી ૧૩૩૯ ડોલર હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી સાંજે બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૯.૨૫થી ૬૯.૩૦ ડોલર હતા. ન્યુયોર્કના ભાવ ૬૨.૨૦થી ૬૨.૨૫ ડોલર હતા.
વિશ્વ બજારમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ સોનાની ખરીદી ૨૦૧૭માં જેટલી કરી હતી તેની સામે ૨૦૧૮માં આવી ખરીદી ૭૪ ટકા વધારતાં આવી ખરીદી આશરે ૬૫૧થી ૬૫૨ ટન વધારી છે. ન્યુયોર્ક કોપર વાયદો સાંજે ૦.૦૭ ટકા ઉંચો હતો. લંડન બજારમાં કોપરના ભાવ ટનના ૩ મહિનાની ડિલીવરીના ૬૪૪૦ ડોલર હતા.
કોપરનો સ્ટોક આજે ૨૫ ટન ઘટયો હતો. કોપર ઉપરાંત આજે નિકલ, એલ્યુમિનીયમ, જસત તથા સીસાનો સ્ટોક પણ ઘટયો હતો. બ્રેન્ટ ક્રૂડના ભાવ જે ઉંચામાં ૭૦ ડોલરને આંબી ગયા હતા તે ઘટયા પછી સાંજે ફરી ઉંચા બોલાતા થયા હતા. વેનેન્ઝુએલા ખાતે વિજળીના ધાંધીયાના પગલે ત્યાં ક્રૂડતેલના ઉત્પાદનને ફટકો પડયાના સમાચાર હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2FVCyyN
via Latest Gujarati News
0 Comments