કોર્પોરેટ મૂડી ખર્ચ તથા ગ્રામ્ય વેચાણોમાં ઘટાડો ઉદ્યોગો માટે ચિંતાનો વિષય

મુંબઈ, તા. 5 એપ્રિલ, 2019, શુક્રવાર

કોર્પોરેટ મૂડી ખર્ચ ઘટીને ૧૪ વર્ષની નીચી સપાટીએ રહ્યો છે અને ગ્રામ્ય વેચાણો જે હતાશાના સંકેત આપી રહ્યા છે ત્યારે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાથી ધિરાણ ખર્ચમાં ઘટાડો થશે પરંતુ તેનાથી ઈન્વેસ્ટમેન્ટમાં વેગ આવશે એવી કંપનીઓને આશા નથી. 

કંપનીઓ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ માટેના હવે પછીના નિર્ણયો વર્તમાન નાણાં વર્ષના બજેટ બાદ જ લેવાશે. લોકસભાની ચૂંટણી બાદ રચાનારી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજુ કરશે.

આ ઉપરાંત વર્તમાન વર્ષમાં ચોમાસું સામાન્ય કરતા નબળું રહેવાની આવી પડેલી આગાહી અને  ક્રુડ તેલના ભાવમાં ફરી થઈ રહેલો વધારો કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. ચોમાસાની નબળાઈ અને ક્રુડ તેલના ઊંચા ભાવ સામે ભારતીય કંપનીઓ કેટલી લડત આપી શકે છે તેના પર કંપનીઓ અને એકંદર અર્થતંત્રના ભાવિનો આધાર રહ્યો છે એમ એક એફએમસીજી કંપનીના સીઈઓએ જણાવ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં ઊંચા વ્યાજ દરોએે કોર્પોરેટ ક્ષેત્ર પર આમપણ પ્રતિકૂળ અસર કરી છે. અનેક કંપનીઓ પોતાના દેવાના રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ રહી છે અને કંપનીઓને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ લઈ જવાઈ છે. 

ભૂતકાળમાં પણ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દર કપયા હોવા છતાં કંપનીઓને તેનો લાભ મળ્યો નહતો. દેશમાં માગ વધારવા અને  ઔદ્યૅોગિક વિકાસ સાધવા બેન્કોએ ધિરાણ દર ઘટાડવા જોઈએ એમ ઉદ્યોગ સંસ્થા એસોચેમના એક હોદ્દેદારે જણાવ્યું હતું. 

સંગઠીત ક્ષેત્રમાં નવા રોજગાર નિર્માણનો અભાવ ભારત માટે એક મોટો પડકાર છે. નવા રોજગારના અભાવે ઉપભોગ માલસામાન અને રહેઠાણો માટેની માગમાં વધારો થતો નથી. રોજગાર નિર્માણને ગતિ આપે તેવી આર્થિક પોલિસીની ભારતને હાલમાં જરૂર છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે, રિઝર્વ બેન્કે નાણાં નીતિની સતત બે બેઠકમાં રેપો રેટમાં પા-પા ટકાનો ઘટાડો કર્યો છે. ફેબુ્રઆરીની બેઠકમાં ઘટાડો કરાયો હોવા છતાં ભાગ્યે જ કોઈ બેન્કોએ પોતાના દર ઘટાડયા હતા. આમ ઉદ્યોગોને આ વ્યાજ દરમાં ઘટાડાનો લાભ મળતો નથી. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Umo0T9
via Latest Gujarati News

Post a Comment

0 Comments