
જોહાનિસબર્ગ, 20 એપ્રિલ, 2020, સોમવાર
પિંજરે પુરાવાની વેદના શું હોય છે તે આજકાલ લોકડાઉનમાં માણસ જાત અનુભવી રહી છે. પ્રાણીઓ અને પક્ષીઓને પાંજરામાં પુરીને પ્રાણી સંગ્રહાલય ઉભા કરનારા પ્રાણીઓ જાણે કે માણસને નસિહત આપી રહયા છે. વિવિધ અભ્યારણ્યોમાં લોક ડાઉનના પગલે માણસ જાતની પેશકદમી બંધ થઇ જતા પ્રાણીઓ જાણે કે રાહત અને આનંદ અનુભવવા લાગ્યા છે. કોઇનો સારો સમય કાયમી રહેતો નથી અને દરેકનો એક સમય આવે છે આથી જ તો માણસમાં ઘરમાં પુરાયેલો છે જયારે પ્રાણીઓ મુકત રીતે વિહરી રહયા છે. માણસ ચાર દિવાલોમાં કેદ છે જયારે પ્રકૃતિ અને તેની જીવસૃષ્ટિ લોક ડાઉનનો આનંદ માણી રહી છે.

પ્રદૂષણ નિયંત્રણના અબજો ડોલરના પ્લાન ઘડવામાં આવે તો પણ જે હવા શુધ્ધ ના થાય તે કોરોના ડરથી ઘરમાં પુરાયેલા માણસની ગેરહાજરીમાં સુધરી છે. સવારે સૂર્યોદય થાય ત્યારે દૂરની ચીજ વસ્તુઓ જાણે કે આંખના નંબર ઉતરી ગયા હોય એવી ચોખ્ખી દેખાવા લાગી છે. લોકો ફરસદની પળોમાં સોશિયલ મીડિયા પર પ્રકૃતિના અદભૂત નજારાને ફોટા અને વીડિયો થકી શેર કરી રહયા છે. આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કે તેના ટ્વીટર પરથી મુકત રીતે વિહાર કરતા પ્રાણીઓના ફોટા શેર કર્યા છે જેને સેંકડો લોકોએ રી ટ્વીટ કરીને માર્મિક પ્રતિક્રિયા પણ આપી છે.
ક્રુગર નેશનલ પાર્કની ખૂબસૂરત તસ્વીરો રેંજર રિચર્ડ સાઉરીએ ખેંચી હતી. સામાન્ય સંજોગોમાં સિંહ આ રીતે આરામ ફરમાવતા હોય એવું દ્વષ્ય પ્રવાસીઓ કયારેય જોઇ શકતા નથી. આછા ઝાડી ઝાંખરામાં રહેતા સિંહ તેનું ક્ષેત્ર પાર કરીને ડામરની સડક પર નિરાંતે આરામ ફરમાવતા નજરે પડે છે. કોરોના વાયરસના કારણે ક્રુગર સહિતના વાઇલ્ડ લાઇફ પાર્કસ છેલ્લા 25 દિવસથી બંધ જોવા મળે છે ત્યારે પાર્કનો નજારો જ બદલાઇ ગયો છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પક્ષીઓ પાસેથી શિખવા જેવું છે
માણસે જો કોરોના વાયરસના કહરથી બચવું હોયતો તેને બીજા માણસથી અંતર રાખવું પડવું ફરજીયાત બની ગયું છે. કોરોના વાયરસ હવામાં નથી પરંતુ માણસની ચહલ પહલથી જ એક સ્થળે થી બીજા સ્થળે ફેલાય છે આથી માણસે શારીરિક અંતર પાળવું જરુરી બની ગયું છે.
દુનિયાના દેશોમાં લો એન્ડ ઓર્ડર સંભાળતા ડિપાર્ટમેન્ટ તેની તમામ તાકાત લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ પળાવવામાં વાપરી રહયા છે તેમ છતાં તેનું માણસો પાલન કરતા નથી આથી જ તો કોરોનાનો કાળો કેર ફેલાઇ રહયો છે. મોર અને બતક જેવા પક્ષીઓ પાસેથી માણસે સોશિયલ ડિસ્ટન્સિંગ શિખવું જરુરી છે. આ પક્ષીઓ કોરોના વાયરસ શું છે તે જાણતા નથી પરંતુ તેઓ કુદરતી પ્રેરણા મુજબ જીવતા હોવાથી તેમના માટે બધુ જ સહજ છે. ઇન્ટરનેટ એક બીજાથી સલામત અંતર રાખીને બેઠેલા પક્ષીઓના ફોટા વાયરસ થઇ રહયા છે જે માણસ જાતને ખૂબ મોટી શીખ આપી રહયા છે.

from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aq6uAm
via Latest Gujarati News
0 Comments