મહારાષ્ટ્રના ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આજથી અમુક ઉદ્યોગ ધંધા શરૂ કરવાની પરવાનગી : મુખ્ય પ્રધાન


- જોકે જિલ્લા બંધી કાયમ રહેશે ઉદ્યોગ શરૂ કરનારાએ મજૂરો અને ર્ક્મચારીઓની કાળજી લેવાની શરત

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 19 એપ્રિલ 2020, રવિવાર

મહારાષ્ટ્રમાં આવતીકાલ ૨૦ એપ્રિલથી આપણે કોરોનાો પ્રકોપ ન હોય એવા ક્ષેત્રમાં કેટલાક ઉદ્યોગ વ્યવહાર શરૂ કરી રહ્યા છીએ. જિલ્લા સીમા બંધ રહેશે. નાગરિકોને અતિશય આવશ્યક કારણ હોય તો જ ઘરની બહાર જવું. બહાર જતા હંમેશા માસ્ક પહેરવા તાવ, શરદી જેવા લક્ષણ દેખાય તો જરા પણ વિલંબ કર્યો વગર ફિવર ક્લિનિક તબીબી સારવાર લેવી, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં લોકડાઉન ૩૦ એપ્રિલ સુધી છે. ગત થોડાક દિવસથી કોરોનાના દરદીની સંખ્યા ઘટતી હોવાનું દેખાઇ આવે છે. પણ ક્યારે વધી જાય. આથી આપણે કોઇ પણ ભમ્રમાં રહેવું નથી. એટલે કે  ગાફેલ રહેવું ચાલશે નહિં. અર્થવ્યવહાર શરૂ નહિં કરીએ તો કોરોના બાદ આર્થિક સંકટ મોટું ઉભું થશે. આથી સોમવાર (આવતીકાલ) ૨૦ એપ્રિલથી રાજ્યમાં અમુક પ્રતિબંધ શિથિલ હળવા કરી રહ્યા છીએ. એટલે કે ગ્રીન ઝોન તથા ઓરેન્જ ઝોનમાં અમુક ઉદ્યોગ ધંધા ફરી શરૂ કરવાની છૂટ શરત મુજબ આપી રહ્યા છીએ. એમ રાજ્યના મુખ્ય પ્રધાન  ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

રાજ્યમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આવનારા અમુક જિલ્લામાં અમુક ઉદ્યોગને શરૂ કરવાની પરવાનગી આપી રહ્યા છે. જેમાં જિલ્લાની અંદર માલવાહતૂક શરૂ રહેશે. પણ બે જિલ્લા વચ્ચે માલવાહતૂક કરી શકાશે નહિં. તેમજ સામાન્ય જનતા માટે જિલ્લાબંધી કાયમ રહેશે, એમ મુખ્ય પ્રધાન ઠાકરે સ્પષ્ટ પણે જણાવ્યુ ંહતું.

રાજ્યની જનતાને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પરથી સંબોધન કર્યું હતું. ખેતી અને કૃષિ વસ્તુ પર બંધન નથી. જીવનઆવશ્યક વસ્તુ પર પ્રતિબંધ નથી. માલવાહતૂક થશે પણ જિલ્લા બંધી કાયમ રહેશે. લગભગ ૩ મે સુધી બંધ ન માળવું આવશ્યક છે.

કોઇ રાજકીય પક્ષનું નામ લીધા વગર મુખ્ય પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે કેટલાક લોકોને પોતાના મનની માફક થતું નથી આથી મારી સામે ગુસ્સે ભરાય છે. અમુક લોકો વખાણ કરે છે. અખબારો પર પ્રતિબંધ નથી પણ મુંબઇ અને પુણે જેવા શહેરમાં ઘરે ઘરે અખબારોનું વિતરણ કરવા પર પ્રતિબંધ કાયમ રાખ્યો છે. કોરોનાના ઉપચાર માટે હજી સુધી કોઇ પણ દવા નથી. આના પર રિસર્ચ શરૂ છે. હાલમાં સોશ્યલ ડિસ્ટેસિંગ એ જ ઉપાય છે. એમ મુખ્ય પ્રધાને  જણાવ્યું હતું.

રાજ્યના કેટલાક જિલ્લા ગ્રીન ઝોનમાં મૂકાયા છે. ત્યાં અમુક ઉદ્યોગ ધંધાને પરવાનગી આપી છે. ત્યાં મજૂરો અને કર્મચારીઓની કાળજી લેવાની ખાતરી આપશે તો તે ઉદ્યોગ શરૂ કરવાની પરવાનગી અપાશે, એમ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં શનિવાર સુધી ૬૬ હજાર ૭૯૬ કોરોના ટેસ્ટ કર્યા છે એમાં ૯૫ ટકા લોકોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ૩ હજાર ૬૦૦લોકોને કોરોના થયો છે. ૩૦૦ કરતાં વધુ લોકોને સારવાર આપતાં સાજા થયા છે. તેઓને જિસ્ચાર્જ અપાયો છે. જે રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેના પૈકી ૭૫ ટકા  હળવા લક્ષણના દરદી છે. જે દરદી ગંભીર  છે તેને બચાવવાનો પ્રયાસ કરાય છે. એટલે પ્રાધાન્ય અપાય છે.

કેટલાક દરદી છેલ્લે સુધી ડોકટર પાસે ઉપચાર કરવા આવતા નથી. કોરોના રિપોર્ટ આવતાં પહેલા કેટલાકના નિધન થઇ જાય છે. આથી કોઇપણ લક્ષણ છુપાવશો નહિં, ઘરના ઘરગથ્થુ ઉપચાર કરશો નહિં એવી અપીલ સુદ્ધા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને કરી હતી.

કોરોના આપણો શત્રુ છે. તે દેખાતો નથી. આથી તકલીફ થાય છે તે આપણા માણસને લઇને ચેપ ફેલાવે છે. કોરોના વાઇરસને આવે  રાજ્યમાં છ અઠવાડિયા આવતીકાલે પૂરા થશે. તાવ, ઉધરસ અને શરદીના લક્ષણ હોય તેને  ગભરાવવાની જરૂર નથી. ડોકટર પાસે જેટલું જલ્દી બને એટલા જઇને સારવાર લેવી જરૂરી છે. શિશુથી માંડીને વયોવૃદ્ધો આ બીમારીથી સાજા થયા છે. સરકાર તરીકે અમે તમામ મદદ કરીએ એવા વિશ્વાસ મુખ્ય પ્રધાને રાજ્યની જનતાને આપ્યો હતો. જેકે રાજ્યમાં કોઇપણ પ્રકારના ધાર્મિક, સામાજિક કાર્યક્રમ કરી શકાશે નહુિં. રેલવે અને વિમાન સેવા મુંબઇમાં શરૂ થશે નહિં, એમ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું.

સ્થળાંતરીત મજૂરોને ફરી અપીલ

લોકડાઉનને લીધે અટકી પડેલા સ્થળાંતરીતે મજૂરોને સહકાર આપવાની ભૂમિકા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લીધી હતી. તમારા ઘરે જતાં મનમાં જરા પણ ભય રાખશો નહિં. ખુશી ખુશીએ જાવ, કેન્દ્ર સરકાર સાથે ચર્ચા શરૂ છે. રાજ્યના અમુક ઠેકાણે કામ શરૂ થાય છે તમે ત્યાં કામ પર જઇ શકો છો. એમ તેમણે ઉમેર્યું હતું.

મહારાષ્ટ્રના ૭૦ ટકા ઉદ્યોગો ૨૦મી પછીના ધારાધોરણનું પાલન કરવા સક્ષમ નથી

રાજ્ય અને કેન્દ્ર સરકારની શરતો આકલી લાગે છે

તાજેતરમાં કરવામાં આવેલા એક ઝડપી સર્વેક્ષણનાં તારણ પ્રમાણે રાજ્યના પ્રત્યેક દસમાંથી સાત મોટા ઔદ્યોગિક ગૃહોઓ પોતાના કામદારો માટે ફેક્ટરીની અત્યંત નજીક અકોમોડોશન પૂરુ પાડવા, પરિવહનની સેવા પૂરી પાડવા અસમર્થતા જાહેર કરી હતી. ૨૦મી મે પછી પ્રોડક્શન ધીમે ધીમે શરૂ કરવાની આ મુખ્ય પૂર્વશરતોમાંની એ છે.

ગયા સપ્તાહના અંત ભાગમાં રાજ્ય સરકારે કાર્યરત થવાની માર્ગદશકાની વ્યવહારુતા ચકાસવવા ૧૧૫ મોટા ઔદ્યોગિક ગૃહોનું ઝડપી સર્વેક્ષણ કર્યું હતું. આમાના મોટાભાગના ઉદ્યોગ સંચાલકોએ એમ પણ કહ્યું હતું કે કામ શરૂ કરવા માટે એમને ૩૩ ટકા નહિ પરંતુ કુલ કામદારોના પચાસ ટેકાની હાજરીની આવશ્યક્તા છે.

અલબત્ત મોટાભાગના ઔદ્યોગિક ગૃહોના મેનેજમેન્ટે કહ્યું હતું કે વન એન્ટ્રી-વન એક્ઝિટ અને બંને છેડે થર્મસ સ્ક્રિનિંગ મ ટે તેઓ તૈયાર છે. જો કે મોટાભાગના ઔદ્યોગિક ગૃહોએ કહ્યું હતું કે તમામ શરતોનું પાલન અશક્ય છે.

૨૦મી એપ્રિલથી મોટી અને મહત્વની યોજનાઓ પર કામ ફરીથી શરૂ : બંને આગવા લેબર કેમ્પથી સજ્જ

ગીચ આબાદી ન હોય એવા વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી મહાકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ ૨૦મી એપ્રિલ પછી કાર્યાન્વિત થશે.સરકારના આ નિર્ણયનો લાભ ન્હાવાસીવરી ટ્રાન્સ-હાર્બર લિન્ક અને મુંબઇ નાગપુર કોરિડોરને થશે. અલબત્ત, આ બંને અને આખી યોજનાઓ  પબોતાનો આગવા લેબર કેમ્પથી સજ્જ છે.

ન્હાવા શિવરી લિન્ક પર રાયગઢ એન્ડથી કામ શરૂ થઇ ગયું છે જ્યારે મુંબઇ-નાગપુર કોરિડોરમાં ૭૦ લોકેશન પુન: ધમધમવો માંડયા છે. આ બંને વિરાટ-મહાકાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓમાં કુલ ૩૦ હજાર કામદારો કાર્યરત છે. ઉપરાંત અમુક રાજ્ય હાઇ-વેના નિર્માણ કાર્યની પણ શરૂઆત થઇ ગઇ છે.

ઉપરાંત તમામ યોજનાઓમાં કારીગરોના નિવાસ માટે અલાદયા સ્થાનો છે તથા એમના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પૂણેપણે નિગરાની હેઠળ છે. અહીં નિયમિત પણે કોવિડ-૧૯ના ચિહ્નોની તપાસ થાય છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે છે.

પરપ્રાંતીય શ્રમિકો પોતાની ઓળખ પૂરવાર કરી શકે એવી નીતિ ઘડવા સરકારને અનુરોધ

 બાંદરામાં પરપ્રાંતીયોએ કરેલાં ધસારા અને લોકડાઉનના ભંગની ઘટનામાંથી ધડો લઈ આ પરપ્રાંતીય શ્રમિકો પોતાની ઓળખ સાબિત કરી શકે એવી નીતિ ઘડવાની હિમાયત ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સીઝના માઈગ્રેશન એન્ડ અર્બન સ્ટડીઝ વિભાગના વડા પ્રો.આર.બી.ભગતે આપી છે.

તેમણે એવું સૂચન કર્યું છે કે કેન્દ્ર સરકારે આંતરરાજ્ય કાઉન્સિલ રચીને પરપ્રાંતીય મજૂરોને ઓળખ મળે એવી નીતિ ઘડવી જોઈએ. આ નીતિ ઘડાશે તો જ પરપ્રાંતીય મજૂરોના સામાજિક-આથક સશક્તિકરણનું લક્ષ સિદ્ધ થશે. બાકી અત્યારે તો આ શ્રમિકોની કોઈ વૈયક્તિક ઓળખ જ નથી રહી. 

પ્રા.ભગતે કહ્યું હતું કે, દેશના બંધારણની કલમ (૧૯) (૧) (ડી) એ નાગરિકોને દેશના કોઈપણ ભાગમાં જવાની સ્વતંત્રતા આપી છે. પરંતુ કમભાગ્યે સરકારોએ એ બાબત તરફ ગંભીરતાથી ધ્યાન જ નથી આપ્યું. કે લાખો લોકો આજીવિકા રળવા માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે. એટલે આ સ્થળાંતરીક શ્રમિકો માટેની કોઈ નક્કર નીતિ આજ સુધી ઘડાઈ નથી. પરિણામે આ માઈગ્રન્ટ્સ લેબરર્સે મુશ્કેલી વેઠવી પડે છે. 

પરપ્રાંતીય મજૂરોનો ઉપયોગ રાજકીય પક્ષો સામાજિક વિભાજન કરી પોતાની વોટ-બેન્ક મજબૂત કરવામાં કરે છે. આ શ્રમિકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા તરફ કોઈ ધ્યાન નથી આપતું. એટલે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સીઝ તરફથી 'કોવિડ-૧૯ થ માઈગ્રેશન એન્ડ લાઈવલીહુડ ઈન્ડિયાદ વિષયનું પેપર કેન્દ્ર સરકારને પાઠવ્યું છે. 

કોરોના મહામારીમાં પરપ્રાંતીયોનો પ્રવાહ શહેરોથી ગ્રામ્ય વિસ્તાર ભણી વણથંભ્યો ચાલી રહ્યો છે. આ પરપ્રાંતીયોની કોઈ ઓળખ જ નથી એ પરિસ્થિતિમાં સરકાર તરફથી સહાય માટે લેવામાં આવતાં કોઈ પગલાંનો અર્થ જ નથી રહેતો. બે ટંક ભોજન અને તબીબી સારવાર જેવી તેમની પ્રાથમિક જરૂરિયાતો પણ નથી સંતોષાતી, એ ઘણી ગંભીર બાબત કહેવાય. 

કોરોનાનો ટેસ્ટ નિ:શુલ્ક કરવાનું અને પરપ્રાંતીયોને પૂરતી તપાસ બાદ જવા દેવાનું સૂચન

 કોરોનાના મુકાબલા માટે મુંબઈમાં લોકડાઉનના સખ્તાઈથી કરવામાં આવી રહેલાં પાલન વચ્ચે સામાજિક ચળવળકારોના એક ગ્પ તરફથી સરકારને અનુરોધ કરવામાં આવ્યો છે કે ખાનગી અને સાર્વજનિક હાસ્પિટલોમાં કોરોનાનો ટેસ્ટ નિ:શુલ્ક કરવામાં આવે અને બીજું જે પરપ્રાંતીય મજૂરો અહીં આવ્યા છે, તેમને પૂરતી તબીબી તપાસ બાદ અહીંથી જવાની છૂટ આપવામાં આવે. 

આ એક્ટિવિસ્ટોએ જણાવ્યું હતું કે, સરકારની ફરજ ફક્ત લોકડાઉન જાહેર કરી તેનું કડકાઈથી પાલન કરવા પૂરતી મર્યાદિત નથી, બલ્કે એવું વ્યવસ્થાતંત્ર ગોઠવવું જોઈએ કે લોકોએ ડરી ડરીને ઘરની બહાર નીકળવું ન પડે. અધીરા થઈ પ્રતિબંધનો ભંગ કરવા પ્રેરાય એવી સ્થિતિ ન હોવી જોઈએ. 

વિવિધ સ્વયંસેવી સંગઠનોના કાર્યકરોએ હજારો મુંબઈગરાંનો સંપર્ક સાધી વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે અને આ અહેવાલને આધારે સરકારને સૂચનો કર્યા છે. સૌથી પહેલાં કોરોનાને નાથવા સૌથી જરૂરી કોવિડ-૧૯ ટેસ્ટ છે. આ ટેસ્ટ સંપૂર્ણપણે નિ:શુલ્ક કરવામાં આવે. આ અહેવાલમાં સ્થળાંતરીત અને પરપ્રાંતીય મજૂરોની વિકટ સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવું સૂચન કરવામાં આવ્યું છે કે આ શ્રમિકોની પૂરતી તપાસ બાદ માનભેર તેમને પોતાને ગામ પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.

અનાજની જાહેર વિતરણ યોજના (પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ) હેઠળ જ્યાં સુધી કોરોનાની કટોકટી પૂરી ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછા ત્રણ મહિના જરૂરિયાતમંદોને મફત અનાજ આપવું જોઈએ. આ સાથે રોજબરોજ રાંધેલા ભોજનનું વિતરણ કરવા વધુ કેન્દ્રો શરૂ કરવા જોઈએ.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KeCTiK
via Latest Gujarati News

Post a Comment

0 Comments