યુધ્ધ થશે તો ભારતની પડખે ઊભા રહેવા અમેરિકાની હૈયાધારણ


ચીને અમેરિકાની પ્રવૃત્તિને કુસંપ પેદા કરનારી ગણાવી 

પાકિસ્તાને તેની ધરતી પરથી આતંકનો સફાયો કરવો જ પડશે : પોમ્પિયો

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર

ભારત સાથે વાટાઘાટો માટે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પર અત્યારે ભારતની મુલાકાતે છે. ભારત અને અમેરિકા વચ્ચે વિવિધ સંરક્ષણ કરાર થયા હતા.

ખાસ તો લશ્કરી અને સ્ટ્રેટેજીક માહિતીની આપ-લે માટેનો બેઝિસ એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ (બીઈસીએ) સંપન્ન થયો હતો. આ પ્રસંગે અમેરિકી વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું હતું કે ભારતના સંઘર્ષકાળમાં અમેરિકા તેની પડખે ઉભું રહેશે. ગલવાનમાં થયેલા શહીદ સૈનિકોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે ગલવાન દુર્ઘટના એે ચીનની વિસ્તારવાદી નીતિનું પરિણામ છે.

ભારત-અમેરિકા વચ્ચેની આ વાટાઘાટો ટુ-પ્લસ-ટુ તરીકે ઓળખાય છે, કેમ કે બન્ને દેશના બે મહત્ત્વપૂર્ણ મંત્રાલયો તેમાં સંકળાયેલા છે. આ ડાઈલોગ હેઠળ કુલ મળીને પાંચ કરારો થયા હતા. પોમ્પિયો બહુ પહેલાથી જ ચીનના ટીકાકાર રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે ભારત પોતાની એકતા અને અખંડિતતા જાળવી રાખવા જે પ્રયાસો કરે તેમાં અમે ભારતની સાથે છીએ. તેમણે ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (સીસીપી)ની ટીકા કરી હતી. અમેરિકી સંરક્ષણ મંત્રી માર્કે પણ કહ્યું હતું કે અમે ભારત સાથે ખભે ખભો મિલાવીને કામ કરીશું.

ચીને આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યુંહતું કે અમેરિકા ચીન અને અન્ય દેશો વચ્ચે દુશ્મની અને કુસંપ ઉભો કરવાનું બંધ કરે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાની આ ઝઘડાળુ માનસિકતા કોલ્ડવોર વખતની છે. માટે અમે અમેરિકાન વિનંતી કરીએ છીએ કે જૂની માનસિકતામાંથી બહાર આવો, હવે દુનિયા બદલાઈ ચૂકી છે.

દિલ્હીમાં અમેરિકી મંત્રીઓએ ભારતના નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લઈને શહીદ સૈનિકોને અંજલિ પણ આપી હતી. વાટાઘાટો અંગે વિદેશમંત્રી જયશંકરે કહ્યું હતું કે અમારા ચર્ચાના કેન્દ્રમાં ઈન્ડો-પેસેફિક વિસ્તાર જ હતો. એટલે કે એશિયામાં ચીનની વધતી દાદાગીરી અંગે જ ચર્ચા થઈ હતી. અમેરિકી મંત્રીઓએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવાલ સાથે પણ મુલાકાત કરી હતી અને વડા પ્રધાનને પણ મળ્યા હતા.

અમેરિકા ભારતના ખભે બંદૂક ફોડે છે?

અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ભારતને સાથ આપી રહ્યું છે અને સહકાર કરાર પણ કરી રહ્યું છે. તેનું એક કારણ એ છે કે અમેરિકા ચીનને કાબુમાં રાખવા માંગે છે. ચીન અમેરિકાનું સૌથી મોટું હરિફ બની રહ્યું છે. એશિયામાં ચીન સામે બાથ ભીડી શકે એવું એકમાત્ર રાષ્ટ્ર ભારત છે. માટે અમેરિકા ભારતની પીઠ થપથપાવતું રહે છે.

અત્યારે અમેરિકા ભારતને કટોકટીના સંજોગોમાં પણ સહકાર આપવાની વાતો કરે છે. એ ખરેખર કેટલો સહકાર આપશે એ સમય આવ્યે જ ખબર પડે. બીજી તરફ ભારત અમેરિકા પાસેથી જંગી માત્રામાં શસ્ત્રો ખરીદતું હોવાથી અમેરિકાને સંરક્ષણ-વેપારની દૃષ્ટિએ તો લાભ છે જ.

જો ભારત-ચીન વચ્ચે જંગ થાય તો અમેરિકાના વધુ શસ્ત્રો વેચાય. ઉપરાંત ચીન થોડું કાબુમાં રહે. અમેરિકાને એ રીતે એકથી વધારે લાભ થાય. માટે જ અમેરિકા ભારતના ખભે બંદુક રાખી ચીન સામે નિશાન તાકી રહ્યું છે.

ચીનના વિરોધ વચ્ચે અમેરિકા તાઈવાનને 2.37 અબજ ડૉલરના શસ્ત્રો વેચશે

ચીનના વિરોધ વચ્ચે પણ અમેરિકાએ તાઈવાનને મદદ કરવાનું નક્કી કર્યું છે. અમેરિકા તાઈવાનને 2.37 અબજ ડૉલરના ખર્ચે હાર્પૂન મિસાઈલ સહિતનો લશ્કરી સરંજામ આપશે. ચીન એવુ માને છે કેે તાઈવાન પોતાનો જ ભાગ છે, અલગ દેશ નથી. માટે કોઈ તાઈવાન સાથે અલગ શસ્ત્રોનો વેપાર કરે એ ચીનને મંજૂર નથી. તાઈવાન કેટલીક બાબતોમાં ચીનના તાબા હેઠળ છે, પરંતુ મૂળભૂત રીતે એ સ્વતંત્ર દેશ છે.  અમેરિકા તાઈવાનને મદદ કરતું જ રહે તો તાઈવાનની સ્વતંત્ર દેશ તરીકેની ઓળખ મજબૂત બને. ચીનને એ વાત હરગિઝ પસંદ નથી. માટે ચીન તાઈવાન સાથે જે કોઈ સબંધ વિકસાવે એ સૌ દેશોને ધમકાવતું રહે છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oxg4ts
via Latest Gujarati News

Post a Comment

0 Comments