લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે નિરવ મોદીની જામીન અરજી ફગાવી : 26 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે


જામીન આપ્યા પછી ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદી સમર્પણ કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી : જજ 

નિરવ મોદીએ કેસના મહત્ત્વપૂર્ણ સાક્ષી આશિષ લાડને ફોન પર મારી નાખવાની ધમકી આપી :  કોર્ટમાં ખોટું નિવેદન આપવા માટે ૨૦ લાખ રૃપિયાની ઓફર કરી 

નવી દિલ્હી, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીને લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે મોટો આંચકો આપ્યો છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે તે ૨૬ એપ્રિલ સુધી જેલમાં જ રહેશે. કેસની આગામી સુનાવણી ૨૬ એપ્રિલે થશે.  ઉલ્લેખનીય છે કે નિરવ મોદીને આજે વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિરવ મોદીના વકીલ તરીકે આનંદ દૂબે કોર્ટમાં હાજર રહ્યાં હતાં. સુનાવણી પછી જજે નિરવ મોદીને શરતી જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. 

આ દરમિયાન ઇડીએ નિરવ મોદીના કેસના મુખ્ય તપાસ અધિકારી સત્યવ્રતકુમારને હટાવવાના અહેવાલોને ફગાવી દીધા છે. આ અગાઉ એવા સમાચાર મળ્યા હતા કે ઇડીએ  સત્યવ્રતકુમારની બદલી કરી દીધી છે. સત્યવ્રતકુમાર શરૃઆતથી જ આ કેસ સાથે જોડાયેલા છે. જોઇન્ટ ડાયરેક્ટર સત્યવ્રત કુમાર નિરવ મોદીના કેસના સંદર્ભમાં હાલમાં લંડનમાં જ છે. 

જજે જણાવ્યું હતું કે જામીન આપ્યા પછી ભાગેડુ ઉદ્યોગપતિ નિરવ મોદી સમર્પણ કરે તેવી ખૂબ જ ઓછી શક્યતા છે. 

મોદીની જામીન અરજી ફગાવતા જજ અર્બુથનોટે જણાવ્યું હતું કે નિરવ મોદીએ નાના ટાપુ દેશ વેનુએટુની નાગરિકતા મેળવવાના કરેલા પ્રયત્નો દર્શાવે છે કે તેણે મહત્ત્વપૂર્ણ સમયે ભાગી જવાના પ્રયત્નો કર્યા હતાં. 

આગામી સુનાવણીમાં નિરવ મોદી વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર રહેશે. આ અગાઉ ભારત વતી ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ)એ દલીલ કરી હતી કે નિરવ મોદીની જામીન અરજી નામંજૂર કરવી જોઇએ કારણકે તે પોતાની વિરુદ્ધના છેતરપિંડી અને મની લોન્ડરિગના કેસના સાક્ષીઓને ફોન પર મારી નાખવાની ધમકી આપે છે. 

આ સંદર્ભમાં સીપીએસના વકીલ ટોબી કેડમેને જજને જણાવ્યું હતું કે નિરવ મોદીએ આ કેસના મહત્ત્વપૂર્ણ સાક્ષી આશિષ લાડને ફોન પર મારી નાખવાની ધમકી આપી હતી અને કોર્ટમાં ખોટું નિવેદન આપવા માટે ૨૦ લાખ રૃપિયાની ઓફર કરી હતી.  આવી જ રીતે નિરવ મોદીએ નિલેશ મિસ્ત્રી અને અન્ય ત્રણ સાક્ષીઓને પણ ફોન પર ધમકી આપી હતી. આ સુનાવણી દરમિયાન સીબીઆઇ અને ઇડીની સંયુક્ત ટીમના ત્રણ સભ્યો હાજર રહ્યાં હતાં.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V0abWC
via Latest Gujarati News

Post a Comment

0 Comments