મોહાલી, તા.૨૯
ઈન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦માં આવતીકાલે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો ખેલાશે. કિંગ્સ ઈલેવન પંજાબ ઘરઆંગણાના મેદાન પર પહેલી મેચ રમવા જઈ રહ્યું છે અને કેપ્ટન અશ્વિનને જીતની તલાશ છે. જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમને સતત બીજા વિજયની તલાશ છે.
મુંબઈ અને પંજાબ એ બંને ટીમો ૧-૧ મુકાબલો જીતી અને ૧-૧ મેચ હારી ચૂકી છે, જેના કારણે તેઓને આવતીકાલના મુકાબલાથી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબુત કરવાની તક રહેશે.
કિંગ્સ ઈલેવનની શરૃઆતની બંને મેચોમાં વિવાદ સર્જાઈ ચૂક્યો છે. જોકે તેઓએ રાજસ્થાન સામે જીત સાથે શરૃઆત કરી હતી, પણ અશ્વિને બટલરને 'માંકડેડ' કરતાં ઉગ્ર વિવાદ સર્જાયો હતો. જોકે આ મુકાબલો પંજાબે જીતી લીધી હતો. આ પછી બીજી મેચમાં અશ્વિને છબરડો કરતાં ૩૦ યાર્ડ સર્કલમાં માત્ર ત્રણ જ ફિલ્ડર ઉભા હતા અને ત્યારે શમીએ ૩ રને રમતાં રસેલને બોલ્ડ કર્યો હતો, જોકે અમ્પાયરે તે બોલનો -નોબોલ - જાહેર કરતાં રસેલને જીવતદાન મળ્યું હતુ અને તેણે બાજી પલ્ટી નાંખી હતી.
હવે અશ્વિનની ટીમને આશા છે કે, તેઓ કોઈ પણ પ્રકારના વિવાદ વિના મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને આઇપીએલમાં પોતાનું સ્થાન વધુ મજબુત કરે. જ્યારે બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પ્રથમ મેચમાં દિલ્હી ડેર ડેવિલ્સ સામે હારનો સામનો કરવો પડયો હતો. જોકે તેમણે બેંગ્લોર સામેની મેચમાં છ રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં કટોકટીના સમયે મલિંગાની આખરી ઓવરનો આખરી બોલ નો-બોલ હતો, ત્યારે અમ્પાયરે તે આપ્યો નહતો અને આ બાબતથી બેંગ્લોરની ટીમનો કેપ્ટન કોહલી ખુબ જ ગુસ્સે ભરાયો હતો.
જોકે મુંબઈને આ મેચમાં જીત મળી હતી અને હવે તેઓ પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ બહેતર બનવાની કોશીશ કરશે. મુંબઈની ટીમને મીડલ ઓર્ડરના અને ટોપ આર્ડરના બેટ્સમેનોના વધુ સારા દેખાવની આશા છે.
ક્વોલિટી બોલર્સ સામે બેટ્સમેનોની કસોટી
મુંબઈ અને પંજાબ વચ્ચેના મુકાબલામાં બેટ્સમેનોની આકરી કસોટી થશે, તે નક્કી છે. મોહાલીની પીચ ફાસ્ટરોને મદદ કરનારી હોય છે અને તેમાંય બંને ટીમો પાસે અસરકારક બોલર્સ છે.
પંજાબની ટીમમાં કેપ્ટન અશ્વિન અને અફઘાન સ્પિનર મુજીબની સાથે ફાસ્ટર, શમી, એન્ડ્રુ ટાય, પૂરણ, સેમ કરન, વિલ્જોન અને વરૃણ ચક્રવર્તી જેવા બોલરો છે.
જ્યારે મુંબઈની ટીમમાં માલિંગા-બુમરાહની સાથે સાથે મેક્ક્લેન્ઘનની સાથે સાથે પંડયા બ્રધર્સ તેમજ સ્પિનર તરીકે મયંક માર્કન્ડે છે. આ ઉપરાંત બેહરેન્ડોફ, રાહુલ ચહર, રસિલ સલામ પણ ટીમમાં સામેલ છે. જ્યારે વિન્ડિઝનો ફાસ્ટર અલ્ઝારી જોસેફ પણ ટીમમાં જોડાઈ ચૂક્યો છે.
ભારતીય બેટ્સમેનોના ફોર્મ પર નજર રહેશે
પંજાબની ટીમમાં સામેલ ગેલ અને મીલરે ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું છે. જ્યારે મુંબઈની ટીમ તરફથી સીનિયર બેટ્સમેન યુવરાજ તેમજ રોહિત શર્માએ આક્રમક ફોર્મ દેખાડયું હતુ. મુંબઈના સૂર્યકુમાર તેમજ હાર્દિક પંડયાએ પણ ઉપયોગી બેટીંગ કરી હતી. જોકે પંજાબની ટીમમાં સામેલ ભારતીય ઓપનર લોકેશનો દેખાવ સરેરાશ રહ્યો છે. જેના ફોર્મ પર બોર્ડની પણ નજર રહેશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V3IWut
via Latest Gujarati News
0 Comments